દર્દીના નામનું રેમડેસિવિર માર્કેટમાં ચાર ગણા ભાવે વેચાતું, સુરતની સાંઈદીપ હોસ્પિટલનું કૌભાંડ

દર્દીના નામનું રેમડેસિવિર માર્કેટમાં ચાર ગણા ભાવે વેચાતું, સુરતની સાંઈદીપ હોસ્પિટલનું કૌભાંડ
  • નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના નામે ઈન્જેક્શન મંગાવ્યા હતા. પરંતુ સાંઈદીપ હોસ્પિટલમાં દાખલ દર્દીને ઈન્જેક્શન આપવામાં આવ્યુ ન હતું

ચેતન પટેલ/સુરત :સુરતમાં નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શન  (Remdesivir Injection) ની કાળાબજારીએ હાહાકાર મચાવ્યો છે. એક પછી એક કૌભાંડો ખૂલી રહ્યાં છે. ત્યારે હવે કાળાબજારીનું વધુ એક કૌભાંડ ખૂલ્યું છે. પોલીસે સુરતની સાંઈદીપ હોસ્પિટલમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. 

સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની કાળા બજારી સામે આવી છે. સાંઈદીપ હોસ્પિટલના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ભેસ્તાનમા આવેલી આ હોસ્પિટલમાં ચાલતા કાળાબજારીના ખેલનો પર્દાફાશ થયો છે. પોલીસે હોસ્પિટલમાં ડમી ગ્રાહક મોકલી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના નામે ઈન્જેક્શન મંગાવ્યા હતા. પરંતુ સાંઈદીપ હોસ્પિટલમાં દાખલ દર્દીને ઈન્જેક્શન આપવામાં આવ્યુ ન હતું. હોસ્પિટલે દર્દીને ઈન્જેક્શન ન આપીને પોતાની પાસે ઈન્જેક્શન રાખ્યું હતું. ત્યારે હોસ્પિટલમાંથી 8 રેમડેસિવિર ઇન્જેક્શન પોલીસે કબજે કર્યા છે. 

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સમય પહેલા જ જાહેર કર્યું વેકેશન

સાથે જ પોલીસ પૂછપરછમાં ખૂલ્યું કે, 1300 રૂપિયાની કિંમતનું રેમડેસિવિર ઇન્જેક્શન હોસ્પિટલ દ્વારા 18 હજાર રૂપિયામાં વેચવામાં આવતુ હતું. ખટોદરા પોલીસે હોસ્પિટલમાંથી ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી તાજેતરમાં જ નકલી રેમડેસિવિરનું મસમોટું કૌભાંડ પકડાયુ છે. સુરત (Surat) ના ઓલપાડના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસિવિર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને મોટા જથ્થાનો કબ્જો લીધો હતો. મોરબીમાંથી નકલી રેમડેસિવિર ઇંજેક્શન પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડ્યો તો, નકલી રેમડેસિવિર ઇંજેક્શન (Remdesivir) બનાવવાનું કારખાનું જ મળી આવ્યું હતું. ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇંજેક્શનનો જથ્થો, સ્ટીકર, બોટલો, ગ્લુકોઝ પાવડરની બેગો અને કાર, મોબાઈલ, ફોન, લેપટોપ, વજન કાંટા મળી કુલ રૂપિયા 2.73 કરોડ કબ્જે લીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news