રિલાયન્સના ગઢ જામનગરમાં છે હવે નવા સમીકરણો, પૂનમ માડમ હેટ્રીક ફટકારશે કે મુશ્કેલી વધશે
Lok Sabha Election 2024: ગુજરાતમાં 25 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. ભાજપ અને કોંગ્રેસ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે ક્ષત્રિયોની નારાજગી રાજ્યમાં ભાજપ માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં જામનગરની બેઠક પર આકરો મુકાબલો થવાની શક્યતાઓ છે.
Trending Photos
Jamnagar: વર્ષ 2024 ની શરૂઆતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાંના સમારંભ માટે જામનગર વિશ્વભરની હેડલાઇન્સમાં હતું. 2024ની લોકસભાની ચૂંટણીમાં જામનગરની બેઠક માટે જબરદસ્ત ટક્કર થવાની શક્યતાઓ છે. આ બેઠક 2014થી ભાજપ પાસે છે. ભાજપે છેલ્લા બે વખતના સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. તેઓ આહીર સમાજના છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક પર સ્થાનિક અને કોંગ્રેસના સામાન્ય નેતા જેપી મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે. અહીં સમીકરણો બદલાયા છે.
ભાજપને કરવી પડશે વધારે મહેનત
ક્ષત્રિય આંદોલનના કારણે આ બેઠક પરના સમીકરણો બદલાઈ ગયા છે. આ બેઠક પર ભાજપને વધુ મહેનત કરવી પડી રહી છે. જેનું કારણ પાટીદાર, ક્ષત્રિય, મુસ્લિમ, દલિત અને સતવારા સમાજના મતો છે. જામનગર બેઠક પર હાલમાં જો અને તો ના સમીકરણો વચ્ચે હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરી રહેલા પૂનમ માડમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે ભાજપ હવે જામનગર બેઠક માટે ચિંતિત જણાય છે. YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા પરિમલભાઈ નથવાણી પણ હવે ભાજપના ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં જોર લગાવી રહ્યા છે. મોદીએ સભા કરીને માસ્ટર સ્ટ્રોક પણ માર્યો છે. પૂનમ માડમને સમર્થન તો મળી રહ્યું છે પણ ક્ષત્રિયોનો રોષ ઓછો થઈ રહ્યો નથી.
સૌથી મોટો ભય ક્ષત્રિયોની નારાજગીનો
ગુજરાતના ભાજપના નેતા અને રાજકોટના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજનો સૌથી વધુ રોષ જામનગરમાં જોવા મળી રહ્યો છે. અનેક કાર્યક્રમોમાં તોડફોડ જ નહીં પરંતુ ભાજપના નેતાઓનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે જો ક્ષત્રિયો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરે છે તો આ બેઠક પર ભાજપને ભારે ટક્કરનો સામનો કરવો પડી શકે છે. ભાજપ હારે નહીં તો પણ અહીં લીડ ઘટી શકે છે. જેપી મારવિયાએ 'આપનો સંસદ' (તમારા સાંસદ) સૂત્ર આપ્યું છે. તેમનું કહેવું છે કે જો તેઓ જીતશે તો જનતા માટે કામ કરશે. હાઇ-ટેક પ્રચારને બદલે, મારવિયા ઘરે-ઘરે જઈ રહ્યાં છે.
મોદીની કેપ્ટનશીપ ઈનિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન કેપ્ટનશીપની ઇનિંગ રમી છે. જામ સાહેબને મળીને તેમણે ક્ષત્રિય સમાજને મોટો સંદેશો આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે છેલ્લી ઘડીએ ગ્રાઉન્ડ ઝીરો પર કેટલો ગુસ્સો ઓછો કરવામાં સફળ રહે છે. જો ક્ષત્રિય કોંગ્રેસની તરફેણમાં રહેશે તો ચોક્કસપણે આકરો મુકાબલો થવાની સંભાવના રહેશે. ક્ષત્રિય આંદોલનની શરૂઆત રાજકોટથી થઈ છે. રાજકોટ આ આંદોલનનું એપી સેન્ટર છે પરંતુ જામનગરથી સામે આવેલી તસ્વીરો ભાજપની મુશ્કેલી વધારી છે. જામનગરમાં જ્ઞાતિના સમીકરણની જો વાત કરીએ તો અહીં લોકસભામાં 1.92 લાખ ક્ષત્રિય મતદારો છે. જે ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે. તેમજ 1.42 લાખ લેઉવા પાટીદાર ઉમેદવારો છે. આથી જ આ સીટ પર પાટીદાર કાર્ડ ચાલ્યુ તો ભાજપની મુશ્કેલી વધી શકે છે.
કોંગ્રેસ કેવી રીતે લડાઈમાં પાછી આવી?
ભાજપે ત્રીજી વખત જામનગરથી પૂનમ માડમના નામની જાહેરાત કરી ત્યાં સુધી આ બેઠક ભાજપ માટે સંપૂર્ણ સલામત બેઠક હતી, પરંતુ ક્ષત્રિય આંદોલન અને પછી કોંગ્રેસે આ બેઠક પરથી પાટીદાર કાર્ડ રમતા સમીકરણો બદલાયા છે. ખોડલધામ ટ્રસ્ટના વડા નરેશ પટેલે પણ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવા બદલ કોંગ્રેસની પ્રશંસા કરી હતી. જો કોંગ્રેસ આ બેઠક પર તેના પરંપરાગત મતો સાથે ક્ષત્રિયો, પાટીદારો અને સતવારા સમાજના મતો એકત્ર કરે તો જામનગરમાં લાંબા સમય બાદ ગાઢ મુકાબલો થાય તેવી પૂરી શક્યતાઓ છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જામનગરની મુલાકાત દરમિયાન રાજવી જામ સાહેબ શ્રી શત્રુશૈલી સિંહને મળીને મોટો સંકેત આપ્યો હતો. જામ સાહેબે પીએમ મોદીને વિજયી થવાના આશીર્વાદ પણ આપ્યા હતા. ભાજપ સામે ક્ષત્રિયોની નારાજગી ઘટાડવાનો પડકાર છે. હવે જોવાનું એ રહે છે કે પૂનમ માડમ આ બેઠક પરથી જીતની હેટ્રિક ફટકારે છે કે પછી મારવિયા કોંગ્રેસને કમબેક કરે છે.
લઘુમતી મતદારોની જો વાત કરીએ અહીં 2.59 લાખ લઘુમતી મતદારો છે. આ ઉપરાંત અહીં સતવારા સમાજના 1.76 લાખ મતો છે અને સતવારા સમાજના બે અપક્ષ ઉમેદવારો ઉભા છે, જે મતમાં ગાબડું પાડે તો ભાજપને ટેન્શન આવી શકે છે. ક્ષત્રિયો, પાટીદારો, લઘુમતીઓ અને સતવારા સમાજના મતો વહેંચાઈ જાય તો અહીં સમીકરણો બદલાઈ જવાની પૂરી સંભાવના છે.
જામનગર બેઠકનું સમીકરણ
જામનગરમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તારો છે. આ પૈકી કાલાવડ એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે. જામજોધપુર સિવાયની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. કોંગ્રેસે છેલ્લે 2009માં આ બેઠક જીતી હતી. ભાજપના વર્તમાન સાંસદ પૂનમ માડમના કાકા વિક્રમભાઈ માડમ સતત બીજી વખત ચૂંટણી જીત્યા હતા. અગાઉ અહીંથી ભાજપના ચંદ્રેશ પટેલ કોરાડિયા સતત પાંચ વખત ચૂંટણી જીત્યા હતા. જામનગરની બેઠક ભાજપે સાત વખત જીતી છે અને કોંગ્રેસ આઠ વખત જીતી ચુકી છે. જામનગર લોકસભા બેઠકમાં પાંચ બેઠકો જામનગર જિલ્લાની અને બે બેઠકો દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે. કોંગ્રેસ પાર્ટી માટે રાહતની વાત છે કે વિધાનસભાની ચૂંટણીમાં વોટ વિભાજનનો કોઈ ખતરો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે