ગુજરાતમાં વધારે એક ભરતી કૌભાંડ: ભરતીમાં કૌભાંડ છે કે કૌભાંડીઓની ભરતી છે?
ગુજરાતની ભરતીઓ જાણે કે કૌભાંડોના અખાડાઓ બનતું જઇ રહ્યું છે, ફરી એકવાર મોટુ ભરતીકૌભાંડ સામે આવ્યું છે.
Trending Photos
આણંદ : જિલ્લાનાં ખંભાત નગર પાલિકાનું ભરતી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા પૂર્વ મંજૂરી વિના 22 થી વધુ સગા વહાલાઓને નોકરીની લ્હાણી કરી દેતા વિપક્ષ દ્વારા ભરતી કૌભાંડની વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ભરતી કૌભાંડની તપાસની માંગ કરી છે. ખંભાત નગર પાલિકાનાં પૂર્વ સત્તાધીશો દ્વારા 170 જેટલા સફાઈ કામદારોની ભરતીની આડમાં કાઉન્સિલરોના સગા વહાલા અને મળતીયાઓને નોકરીમાં લગાવી દેવામાં આવ્યા છે. નગર પાલિકા દ્વારા આ ભરતી કૌભાંડમાં પૂર્વ કાઉન્સિલરોના ભાઈ ભત્રીજા અને જમાઈઓની ભરતી કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે પૂર્વ ચીફ ઓફિસર જીતેન્દ્ર ડાભીનાં સગા ભાઈની પણ પટાવાળા તરીકે ભરતી કરવામાં આવી હોઇ આ કૌભાંડમાં તેઓની પણ મિલીભગત હતી, પરંતુ ચીફ ઓફિસરની બદલી થતા ઇન્ચાર્જ ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિએ ગેર કાયદેસર ભરતી થયેલા કર્મચારીઓના પગાર બિલ પર સહી કરવાનો ઇનકાર કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
પૂર્વ સત્તાધીશોનાં આ ભરતી કૌભાંડનાં કર્મચારીઓને હાલના સત્તાધીશો દ્વારા વધુ સાડાત્રણ વર્ષ માટે નિમણુંક આપી તેમજ સાડા ત્રણ વર્ષ બાદ કાયમી ગણવાનો ઠરાવ કરી આ ગેર કાયદેસર નિમણુંકોને સમર્થન આપ્યું છે. ધર્મશાળા સમિતિના ચેરમેન ઉષાબેન બારૈયાના જમાઈ દીપકભાઈ બારૈયા, તત્કાલીન ચીફ ઓફિસરનાં નાના ભાઈ મુકેશભાઈ ડાભી, વોર્ડ નં 2 નાં પૂર્વ કાઉન્સિલર મનીશાબેન વાઘરીના સગા રવિભાઈ વાઘરી, પાલિકા કર્મચારી શૈલેષ શાહના પત્ની સ્મિતા શાહ, પૂર્વ એકજીક્યુટિવ ચેરમેન અશોક ખલાસીના સગા સહિતની પટાવાળા, વોચમેન, અને માળી સહિત જુદી જુદી 22 જગ્યાઓ પર ગેરકાયદેસર ભરતી કરી ભરતી કૌભાંડ કરવામાં આવ્યું છે.
પાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા તા. 30 જૂન 2020નાં રોજ અઢી વર્ષ માટે 16,224 નાં ફિક્સ પગારથી કોઈ પણ લેખિત પરીક્ષા. શૈક્ષણિક લાયકાત કે વયમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય નીતિ નિયમોનો ભંગ કરી ભરતી કરવામાં આવી હતી. તેમજ હાલના પાલિકા પ્રમુખ કામિનીબેન ગાંધીએ ડિસેમ્બર 2022માં વધુ સાડાત્રણ વર્ષ માટે રીન્યુ કરી તેમજ ત્યાર બાદ કાયમી નોકરી ગણવાનો ઠરાવ પસાર કર્યો હતો. વિપક્ષ દ્વારા ભરતી કૌભાંડનાં વિરોધમાં આજે પાલિકા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કૌભાંડની તપાસ કરવાની માંગ કરી છે. અને તે અત્યાર સુધીમાં પગાર પેટે ચૂકવાયેલા 72 લાખની રકમ પરત વસુલ કરવા માંગ કરી છે. પાલિકાનું ભરતી કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. આ ભરતી કૌભાંડ બહાર આવતા ઝી 24 કલાકની ટીમ ખંભાત નગર પાલિકામાં પહોંચતા જ પાલિકાના પ્રમુખ સહિત સત્તાધીશો પલાયન થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે