ગુજરાતમાં સૌથી જૂના અને જાણીતા પતંગ બજારને લાગ્યું મંદીનું ગ્રહણ, કોડીના ભાવે ખરીદવા પણ કોઈ તૈયાર નથી

Historic Khambhati Kites Receive Economic Depression :  ખંભાતનો ઐતહાસિક પતંગ ઉદ્યોગ મંદીમાં... આ વર્ષે વેપારીઓ અને ખરીદારો ઓછા આવતા પતંગના વેચાણને બ્રેક લાગી

ગુજરાતમાં સૌથી જૂના અને જાણીતા પતંગ બજારને લાગ્યું મંદીનું ગ્રહણ, કોડીના ભાવે ખરીદવા પણ કોઈ તૈયાર નથી

Anand News બુરહાન પઠાણ/આણંદ : ઐતિહાસિક ખંભાતની સાથે આગવી ઓળખ ધરાવતી ખંભાતી પતંગે પણ પતંગ રસિકોના હૈયે સ્થાન યથાવત રાખ્યું છે. ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, જંબુસર, ભરૂચ, રાજકોટ, આણંદ, નડિયાદ જેવા શહેરોમાં ખંભાતી પતંગની પુષ્કળ માંગ હોય છે. પરંતુ પતંગ બનાવટનાં રોમટીરીયલનાં ભાવમાં વધારો ઝીંકાતા પતંગના ભાવમાં 25 ટકાથી વધુનો ભાવ વધારો થતાં પતંગના વેચાણમાં મંદી જોવા મળી રહી છે. જો કે ઉત્તરાયણ પહેલા ઘરાકી સારી નીકળવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે.

ખંભાતના ઉત્પાદકો વર્ષે રૂ.૫ કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રિટેઈલમાં વેચાણ કરતા હતા. પરંતુ આ વર્ષે પતંગનાં ભાવમાં વેપારીઓ અને ખરીદીદારો ઓછા પ્રમાણમાં આવતા પતંગનાં વેચાણમાં બ્રેક વાગી છે. આ વર્ષે પતંગ બજાર મંદ રહેતા ઉત્પાદકો તેજીની આશાએ બેઠા છે.

પ્રાચીન નગરી ખંભાતમાં નવાબી કાળથી પરંપરાગત રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે. એક અંદાજ મુજબ સુરતમાં ખંભાતની ૭૦ લાખથી વધુ પતંગોનું વેચાણ થતું હોય છે. આ આંકડો મકરસંક્રાંતિ સુધીમાં એક કરોડને આંબી જાય છે. જ્યારે આ સુરતનાં વેપારીઓની માંગ ઓછી જોવા મળી રહી છે. જ્યારે અન્ય જિલ્લાઓનાં વેપારીઓ પંતગોની ગાડીઓ ભરી લઈ જતા હતા. પણ આ વખતે ગાડીઓ ભરી પતંગો લઈ જનારા ગ્રાહકો દેખાતા નથી. પતંગના રો-મટીરિયલ્સનાં ભાવમાં વધારો થતા. પતંગના વેચાણ ભાવમાં પણ ગત વર્ષ કરતા 25 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેનાં કારણે પતંગનાં વેચાણ પર અસર જોવા મળી રહી છે.

ખંભાતની પતંગોની વિશેષતાએ છે કે તેમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવે છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. હાલ ખંભાતમાં સાત હજાર જેટલાં પતંગના કારીગરો છે. જેમાં ચાર હજાર જેટલી મહિલાઓ પણ સામેલ છે.

ગત વર્ષે ખંભાતમાં જે પતંગ 80 રૂપિયા કોડીનાં ભાવ વેચાતી હતી તે પતંગનાં ભાવ આ વર્ષે 100 રૂપિયા થયા છે. જ્યારે જે પતંગ 120 રૂપિ્યા કોડીનાં ભાવે વેચાતી હતી, તે પતંગનાં ભાવ વધીને 150 રૂપિયા થયા છે. જ્યારે 37 ઈંચની પતંગો જે પ્રતિ નંગ 10 રૂપિ્યાનાં ભાવે વેચાતી હતી. તેમાં વધારો થતા આ પતંગ 15 રૂપિયાનાં ભાવે વેચાઈ રહી છે,આમ પતંગનાં ભાવમાં ગત વર્ષ કરતા 25 ટકાનો વધારો થતા પતંગનાં વેચાણમાં મંદી જોવા મળી રહી છે,જો કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ફોટા વાળી પતંગની માંગ જોવા મળી રહી છે,અને લોકો મોદીનાં ફોટા કે સુત્રો લખેલી પતંગોની માંગ કરી રહ્યા છે.

પતંગ ઉત્પાદકો કલકત્તાથી કમાન મંગાવે છે. જે ચીડિયો પાડેલી આવે છે. ગયા વર્ષે ૧૦૦૦ કમાનનો ભાવ 450 હતો. આ વર્ષે 650 છે. ખંભાતમાં કાગળ પણ દિલ્હી મુંબઈથી આયાત થાય છે. જેનો ભાવ પણ વધતા બનાવટ બાદ પણ ઉત્પાદકો નફો રળી નહિ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પતંગ ઉદ્યોગમાં વાંસ, સળિયો, કાગળ પર લાગેલ ટેક્સ નાબુદ કરે તેવી માંગ ઉત્પાદકોની રહી છે. રાજ્ય સરકાર પતંગ ઉદ્યોગ માટે પાયાની સુવિધાઓ, આર્થિક સહાય તથા પ્રોત્સાહન પુરુ પાડે તો ખંભાતનો પતંગ ઉદ્યોગ નામના મેળવી શકે છે. આ ઉપરાંત મહિલાઓ-યુવાનોને રોજગારી વધુ તકો ઉભી કરી શકાય છે. 

જો કે ઉત્તરાયણ નજીક આવશે તેમ ખંભાતમાં પતંગ રસીકો પતંગની ખરીદી કરવા ઉમટી પડશે તેમ લાગી રહ્યું છે. હાલમાં છુટા છવાયા ગ્રાહકો પતંગ ખરીદવામાં આવી રહ્યા છે. જેમાં વિદેશથી ઉતરાયણ મનાવવા વતનમાં આવેલા પતંગ રસીયાઓની પણ પહેલી પસંદ ખંભાતી પતંગ રહેલી છે, જેથી એનઆરઆઈઓ પતંગ ખરીદવા ખંભાતમાં આવેલા જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news