શોભાના ગાંઠિયા બન્યા રેલવેના કોવિડ આઈસોલેશન કોચ, ત્રીજી લહેરમાં શું ખાક કામમાં આવશે?
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે તેવામાં રાજ્ય સરકારે હોસ્પિટલમાં બેડની સુવિધા વધારવા સહિતની તૈયારીઓ કરી છે. બીજી લહેર દરમિયાન રેલવે વિભાગે કોવિડ આઈસોલેશન કોચ તૈયાર કર્યા હતા. ZEE 24 કલાકની ટીમે જાણવાનો પ્રયાસ કર્યો કે હાલમાં આ આઈસોલેશન કોચની શું સ્થિતિ છે, ZEE 24 કલાકની ટીમના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું કે તમામ કોચમાં ધૂળ જામી ગઈ છે, ગંદકી જોવા મળી રહી છે. કોચમાં રાખેલા ઓક્સિજન સિલિન્ડર ધૂળ ખાઈ રહ્યા છે. કોચની બારીઓ પર લગાવેલી નેટ તૂટી ગઈ છે. બીજી લહેર વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આઈસોલેશન કોચ ઉપયોગમાં લેવાયા નહોંતા. આ કોચની સિક્યોરિટી માટે પણ રેલવે વિભાગે કોઈ વ્યવસ્થા કરી નથી..
ત્રીજી લહેરની દસ્તક વચ્ચે રેલ મંત્રાલય દ્વારા બનાવાયેલા કોવિડ19 આઇસોલેશન કોચની સ્થિતિ જાણવા ઝી 24 કલાક આઇસોલેશન કોચની અંદર પહોંચ્યુ હતું. કોવિડ19 આઇસોલેશન કોચની રિયાલિટી ચેક કરતા રેલવે વિભાગની ઘોર બેદરકારી આવી સામે હતી. કોરોનાના કેસો વધે, હોસ્પિટલમાં બેડ ખૂટી પડે એવા સમયે દર્દીઓને સારવાર મળે એ હેતુથી કેન્દ્ર અને રેલ મંત્રાલય દ્વારા ટ્રેનના કોચમાં કોવિડ19 આઇસોલેશન કોચ તૈયાર કરાયા હતા. 24 જેટલા કોચની આ કોવિડ 19 આઇસોલેશન કોચમાં માત્ર ધૂળ અને ગંદકીના થર જામેલા જોવા મળ્યા.
આ પણ વાંચો : પ્રેમિકાની દાટેલી લાશે ખાડામાંથી ડોકિયુ કર્યું, અને સનસનાટીભરી પ્રેમકહાનીનો થયો પર્દાફાશ
કોચમાં પડેલા ઓક્સિજન સિલિન્ડર પર ધૂળ, કોચમાં બારીઓ પર લગાવેલી નેટ તૂટી ગઈ, હેન્ડ વોશ માટે સેનેટાઇઝરની બોટલ, સીટ પાસે મુકેલી ડસ્ટબીન જેવી સમગ્ર વ્યવસ્થા નક્કામી સાબિત થઈ હતી. કોરોનાની ખતરનાક બીજી લહેર સમયે પણ લાખો-કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ કોવિડ19 આઇસોલેશન કોચ ઉપયોગમાં પણ લેવાયા ન હતા. હવે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના કારણે અમદાવાદ સહિત રાજ્યમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પણ આ આઇસોલેશન કોચ શોભાના ગાંઠિયા સમાન યાર્ડમાં પાર્ક કરી દેવાયા છે.
હાલ આ કોવિડ 19 આઇસોલેશન કોચ DRM ઓફિસની પાછળના ભાગમાં આવેલ યાર્ડમાં ધૂળ ખાવા મૂકી દેવાયા છે. તમામ કોચમાં ટ્રોલી સાથે બે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા સાથે તૈયાર આ આઇસોલેશન કોચની સિક્યોરિટી માટે પણ રેલવે વિભાગે કોઈ ખાસ વ્યવસ્થા નથી કરી. ઓમિક્રોન વેરિયન્ટના કેસો વધે, અને હાલ સામે આવેલા ડેટા મુજબ દર્દીઓમાં કોઈ ખાસ લક્ષણો નથી જોવા મળતા એવી પરિસ્થિતિમાં આ આઇસોલેશન કોચ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ લાખો-કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તમામ કોચની હાલત દયનિય બની, સાફ સફાઈ અને યોગ્ય જાળવણીના અભાવે રેલવેના કોવિડ19 આઇસોલેશન કોચ નકામા સાબિત થઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે