Ahmedabad RathYatra: અમદાવાદની રથયાત્રાનો ખુબ જ રસપ્રદ છે ઈતિહાસ, ખાસ જાણો
કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે. દેશમાં પુરીમાં મોટા પાયે રથયાત્રાનું આયોજન થાય છે. અમદાવાદમાં યોજાતી રથયાત્રાનો ઈતિહાસ પણ એકદમ રોમાંચક છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદ: કોરોનાએ ગ્રહણ લગાવ્યા બાદ આજે બે વર્ષ પછી જગતના નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્ર સાથે આજે નગરચર્યાએ નીકળ્યા છે. દેશમાં પુરીમાં મોટા પાયે રથયાત્રાનું આયોજન થાય છે. અમદાવાદમાં યોજાતી રથયાત્રાનો ઈતિહાસ પણ એકદમ રોમાંચક છે. અમદાવાદમાં એક દાયકા કરતા પણ વધુ સમયથી આ રથયાત્રાનું આયોજન થતું આવ્યું છે. જગન્નાથપુરીમાં યોજાતી રથયાત્રા પછીની દેશમાંની આ રથયાત્રા સૌથી મોટી રથયાત્રા કહી શકાય.
રથયાત્રાની શરૂઆત ક્યારથી થઈ?
અમદાવાદમાં 1878ની અષાઢી બીજથી રથયાત્રાની શરૂઆત થઈ. પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. સાથે સાથે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી નગરચર્યાએ નીકળે છે. અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુર જગન્નાથ મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજીએ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓની વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારબાદ મંદિર જગન્નાથ મંદિર તરીકે ખ્યાતિ પામ્યું. ત્યારબાદ મહંતની ગાદી પર બાલમુકુંદદાસજી આવ્યા અને ત્યારબાદ નરસિંહદાસજી આવ્યા. એવું કહેવાય છે કે નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સ્વપ્નમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે અષાઢી બીજે રથયાત્રાની શરૂઆત કરાવી. પહેલી જુલાઈ 1978ની અષાઢી બીજે અમદાવાદમાં પહેલીવાર રથયાત્રા યોજાઈ હતી.
વર્ષ 1878માં મંદિરના મહંત નરસિંહદાસજીએ પહેલીવાર રથયાત્રા યોજી. ત્યારે રથયાત્રા નાના પાયે યોજાતી હતી. પણ ધીમે ધીમે તેનો વ્યાપ વધ્યો અને પછી તો આ રથયાત્રા અમદાવાદના જનજીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઈ. દર જેઠ પૂનમે રથયાત્રાના એક ભાગ સ્વરૂપે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળે છે. જે પ્રારંભિક પ્રસંગ ગણવામાં આવે છે. ત્યારબાદ પરંપરાગત માન્યતા મુજબ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓના નેત્રો પર રેશમી પાટા બાંધી દેવાય છે. કહેવાય છે કે આંખો દુખતી હોવાના કારણે પાટા બાંધવામાં આવે છે. આ પાટા અષાઢી બીજ રથયાત્રાના દિવસે ખોલવામાં આવે છે.
રથનો પણ છે આ ઈતિહાસ
લોકવાયિકા મુજબ ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ તે સમયે રથયાત્રાની જવાબદારી પોતાના માથે લીધી હતી. ત્યારે તેમણે નારિયેરીના ઝાડમાંથી ભગવાનના રથ તૈયાર કર્યા હતા. જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાયા હતા. આ રથને ખલાસી ભાઈઓએ ખેંચીને રથયાત્રા કરાવી હતી. ત્યારથી લઈને આજ સુધી રથ ખેંચવાનું કામ ખલાસી ભાઈઓ કરે છે.
મોસાળા પાછળથી રસપ્રદ યાદો
રથયાત્રા પહેલા ખુબ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે શરૂ કરેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા. તે રથયાત્રામાં સાધુ સંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં આવેલા રણછોડજી મંદિરમાં ભાગ લેનારા તમામ સાધુ સંતોનું રસોડું રાખવામાં આવ્યું હતું. ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. સરસપુરની પોળોના રહિશો રથયાત્રામાં ભાગ લેનારા ભાવિક ભક્તોને પ્રેમથી જમાડે છે. લાખોની સંખ્યામાં આવેલા રથયાત્રીકોને પ્રેમથી પ્રસાદી અપાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે