રથયાત્રાની તૈયારી શરૂ : ભગવાન જે રથમાં બેસી નગરચર્યા કરે છે તેનું સમારકામ શરૂ કરાયું
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :કોરોનાની બીજી લહેરમાં રથયાત્રા યોજાશે કે નહિ તે અંગે હજી નિર્ણય લેવાયો નથી. ગત વર્ષે મંદિરના પ્રાંગણમાં સેવકોની હાજરીમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ભક્તોની લાગણી છે કે રથયાત્રા (rathyatra) નીકળે. આ અંગે અનેક લોકોએ રથયાત્રા નીકળે તેવી માંગણી પણ કરી છે. ત્યારે
ભગવાન જગન્નાથ ની 144 મી રથયાત્રાને લઈને અમદાવાદ જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાનના રથનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ભગવાન જે રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે તે રથનું સમારકામ શરૂ કરવામાં આવ્યુ છે. ભગવાનના રથના સમારકામની કામગીરી દર વર્ષ કરતા મોડી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે અખાત્રીજે મુહૂર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે મોડુ કામ શરૂ કરાયુ છે.
આ વર્ષે કોરોનાના કારણે 3 મજૂરો જ કામ કરી રહ્યા છે. રથના સમારકામમાં 5 થી 7 દિવસ લાગશે. કેમ કે રથને ખોલી ગ્રીસ અને ઓઈલીગ કરવાનું છે. સાથે જ કલર કામ પણ કરવાનું છે. બીજી તરફ, સમારકામનું કામ પણ ખલાસી મિત્રો દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે 1 રથ ખેંચવા માટે 400 ખલાસી મિત્રો જોડાય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે માત્ર 50 ખલાસીઓ રથ ખેંચશે તેવી તૈયારી પણ બતાવી છે. જ્યારે બીજી તરફ ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળશે કે નહીં તે અંગેનો કોઈ જ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી.
રથયાત્રા નીકળવી જોઈએ - મહંત લક્ષ્ણદાસજી
સરસપુર વાસણ શેરી ખાતે આવેલ રણછોડરાય મંદિરમાં મહંત લક્ષ્મણદાસજીએ રથયાત્રા નીકળે તેવી માંગણી કરી છે. મહંત લક્ષ્મણદાસજી મહારાજે કહ્યુ કે, મને મૃત્યુ આવતું હોય તો ભલે આવે પણ રથયાત્રા નીકળવી જોઈએ. રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે. સરકારી નિયંત્રણ ઓછા થયા છે. મોલ મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલને ખોલવાની સરકારે પરમિશન આપી છે, તો રથયાત્રા પણ નીકળવી જોઈએ. સરકારે કર્ફ્યુ કે જનતા કર્ફ્યુ જે મૂકવું હોય એ મૂકે પણ રથયાત્રા કાઢે. જો સરકાર રથયાત્રાને પરમિશન નહિ આપે તો કડક પગલાં લેવા પડશે. શું પગલાં લેવા તે સંતો ભેગા મળીને નક્કી કરીશું. કોરોનાને કારણે મંદિરો ગૌશાળા અને તેના પૂજારી તથા સંચાલકોની હાલત કફોડી છે. હજી સરકારે કોઇ મંદિર કે ગૌ શાળાની મુલાકાત નથી લીધી કે, તેમની શુ સ્થિતિ છે. પૂજારીનો પગાર કેમ થાય છે તે ચિંતા કરી નથી. જો રથયાત્રા નીકળશે તો મંદિર સાથે સંકળાયેલા ફુલ, હારતોરા અને પૂજાપા જેવા નાના વ્યવસાયકારોને રોજગારી મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે