RAJKOT: આ ખેડૂત વૈજ્ઞાનિકે રણમાં જ ઉગતા ખારેકની સફળ ખેતી કરી બતાવી

RAJKOT: આ ખેડૂત વૈજ્ઞાનિકે રણમાં જ ઉગતા ખારેકની સફળ ખેતી કરી બતાવી

* રાજકોટના પ્રગતિશીલ ખેડૂતનું જશવંતપુર ગામે ૧૦ વિઘાની જમીનમાં ૧૪૦૦૦ કિલો ખારેકનું ઉત્પાદન
* ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી કરેલા વાવેતરને લીધે એક ઝાડ ઉપર ૫૦ થી ૭૦ કિલો ખારેકનો ઉતારો - ડો.રમેશભાઈ પીપળીયા 

રાજકોટ : પ્રાકૃતિક ખેતીથી સૌરાષ્ટ્રના કૃષિ જગતની તાસીર બદલાઈ રહી છે. સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતોના અખતરા અને પ્રાકૃતિક ખેતીના પરિણામો નાના અને સીમાંત ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો કરીને રોજગારીની નવી દિશા આપી રહ્યા છે. રાજકોટના પ્રગતિશીલ ખેડૂત કે જેઓ વ્યવસાયે ડોક્ટર છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખથી પ્રેક્ટિસ મૂકીને તેઓએ રાજકોટ નજીક જશવંતપુર ગામે તેના ૨૦ વીઘા ફાર્મમાં ૧૨થી ૧૫ ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતોને પ્રેરણા મળે તેવા આવિષ્કારો કર્યા છે. પ્રગતિશીલ ખેડૂત ડો.રમેશભાઈ પીપળીયાએ તેમની પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું કે તેઓએ સાત વર્ષ પહેલા જશવંતપુર ગામે ૨૦ વિઘાની જમીનમાંથી ૧૦ વીઘા જમીનમાં જમીનમાં ટિશ્યૂકલ્ચર પદ્ધતિથી ખારેકનું વાવેતર કર્યું હતું. તેઓ ચાર વર્ષથી ખારેકનું ઉત્પાદન મેળવે છે. વધુ વિગત જણાવતાં તેઓએ કહ્યું કે ગાય આધારિત અને સંપૂર્ણ નેચરલ ખાતરનો ઉપયોગ કરવાથી બીજી કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી.

એક એકર વીઘા જમીનમાં ખારેકના ૬૦ ઝાડ ઉભા છે અને દરેક ઝાડ પર માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થાય છે અને જૂન-જુલાઈમાં ખારેક પાકી જતા તેનો ઉતારો લેવામાં આવે છે. હાલ એક ઝાડ પર ૫૦થી ૬૦ કિલો ખારેકનો ઉતારો છે. આ રીતે દસ વીઘા જમીનમાં કુલ ૧૪ હજાર કિલો ખારેકના ઉત્પાદનનો અંદાજ છે. 

અન્ય પાકના પ્રમાણમાં તેઓને ખારેકમાં મબલખ ઉત્પાદન મળ્યું છે.એક ઝાડ દીઠ રૂ.૫ થી ૭ સાત હજારની આવક થાય છે. ખારેકની આવક સાતત્યપૂર્ણ રહે છે અને હવામાનની કોઈ ખાસ અસર થતી નથી તેમ જણાવતા રમેશભાઈ કહે છે કે જો નાનો ખેડૂત તેની ટુંકી જમીનમાં ખારેક વાવે તો એક બે વીઘા જમીનમાં પણ દોઢ બે લાખનું ઉત્પાદન આરામથી મેળવી શકે છે .

કારણ કે પ્રાકૃતિક ખેતી અને સ્ટાન્ડર્ડ કંપનીના ટિશ્યૂકલ્ચર પાકથી બધી જ ખારેકમાં મીઠાશ જળવાઈ રહે છે અને ખેડૂત પોતે મહેનત કરી રીટેલ વેચાણ કરે તો વધારે ફાયદો થાય છે. આ ઉપરાંત ખારેકના બે ઝાડ વચ્ચે વધારે અંતર રહેતું હોવાથી આંતર ખેતીથી પણ પૂરક આવક મેળવી શકાય છે. ઇઝરાયેલી પદ્ધતિથી ખારેકના ઝાડ વચ્ચે હવે આંબાના વાવેતરના પ્રયોગો પણ સફળ થયા છે એમ જણાવતાં રમેશભાઈ પીપળીયા જણાવે છે કે સૌરાષ્ટ્રમાં હવે પાણી અને વીજળીનો વિસ્તાર વધ્યો છે એટલે બાગાયતી પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો માટે નિયમિત અને કાયમી રોજગારીનું માધ્યમ બની શકે છે. 

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખારેકની ખેતીમાં એક રોપા દીઠ નોંધપાત્ર સબસીડી પણ મળે છે અને ૩૩ ટકા જેટલા ખર્ચમાં પણ રાહત મળે છે, તેમ જણાવી તેઓએ ખારેકની ખેતીમાં બહુ પાણીની પણ જરૂર રહેતી નથી, તેમણે ઉમેર્યું હતું. 

રાજકોટના બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ ખારેકના વાવેતર માટે એક રોપા દીઠ રૂ.૧૨૫૦ મહતમ એક હેકટર સુધી સબસીડી સહાય આપવામાં આવે છે. રાજકોટના આ પ્રગતિશીલ ખેડૂત તેના રાધીકા ફાર્મમાં ૧૨થી ૧૫ ગીરગાય પણ રાખે છે અને આ ગાય શુદ્ધ અને સાત્વિક દૂધ તો આપે છે પરંતુ તેના ગોબર અને ગૌ-મૂત્ર થી દેશી ખાતર બનાવી ખેતીમાં ઉપયોગ કરે છે. તેઓએ જંતુનાશક દવાના ઉપયોગ વગર તેમજ દૂધનો છંટકાવ કરી શાકભાજીના પાક પર રોગના નિયંત્રણ પર પણ સફળ પ્રયોગ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news