રાજકોટ પોલીસ પર તોડકાંડ બાદ વધુ એક આરોપ, પોલીસને વચ્ચે રાખીને 32 કરોડની મિલકતો લખાવી લેવાઈ!!!
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિરૂદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલે ફોડેલા તોડકાંડ લેટર બોમ્બ પછી પોલીસનાં હવાલાકાંડનાં રોજે રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ધનંજય ક્રેડિટ સોસાયટીનાં માલિક ધનશ્યામ પાંભર પાસેથી ભાજપનાં પૂર્વ કોર્પોરેટર સ્વ. ભીખાભાઇ વસોયાએ પોલીસને વચ્ચે રાખીને 32 કરોડની મિલકતો લખાવી લીધાનો આરોપ લગાવ્યો છે. જેમાં રાજકોટ પશ્ચિમ ઝોનનાં એસીપી પી. કે. દિયોરા અને તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઇ જે. વી. ધોળા સામે આરોપો લગાવ્યા છે.
ધનંજય ક્રેડિટ સોસાયટીના નામે પોલીસે કરોડોની જમીન લખાવી લીધી હોવાનો આક્ષેપ ધનશ્યામભાઇ પાંભરનાં માતા કંચનબેન પાંભર અને એડવોકેટ સુરેશ ફળદુએ લગાવ્યો છે. જેમાં એડવોકેટ સુરેશ ફળદુએ કહ્યું હતું કે, ખોટી રીતે મારા અસિલને દબાવીને ખોટા કેસ દાખલ કરીને ફસાવી પોલીસે 32 કરોડની મિલ્કતો લખાવી લીધી છે તેવો આરોપ કર્યો છે. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના એસીપી, પીઆઇ અને ડી-સ્ટાફના કોન્સટેબલ તથા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ સ્વ.ભીખા વસોયા સામેલ છે. જોકે ધનશ્યામભાઇ પાંભર પાસે થી ૪ કરોડની ઉધરાણી હોવાનું કહીને પોલીસે પ્રોમિસરી નોટ લખાવી લીધી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. પોલીસે ધાક ધમકી આપવાનો આક્ષેપ પણ પરિવારે કર્યો છે. એટલું જ નહિં કંચનબેન પાંભરે ન્યાય ન મળે તો ઇચ્છામૃત્યુની માંગ કરી છે.
બીજી તરફ સ્વ ભીખા વસોયાના પુત્ર જયદિપ વસોયાએ આક્ષેપોને ફગાવ્યા હતા. ધનંજય ફાયનાન્સ કંપનીમાં તેના પિતા સ્વ. ભીખાભાઇ વસોયા પાર્ટનર થયા હતા. જેમાં તેને ૪ કરોડ રૂપિયા આપ્યા હોવાનો જયદિપ વસોયાએ દાવો કર્યો છે. રૂપિયા ન આપવા પડે તે માટે ધનશ્યામભાઇ પાંભર તરખટ રચતા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ અને તેમના પર લગાવેલા આક્ષેપોને ફગાવાયા હતા. જોકે સ્વ. ભીખાભાઇ વસોયાનાં પુત્ર જયદિપે કોઇપણ જમીન ન લખાવી હોવાનો દાવો કર્યો હતો.
આ મામલે રાજકોટ પશ્ચિમ ઝોનનાં એસીપી પી. કે. દિયોરા અને ધનશ્યામ પાંભર વચ્ચેની ઓડિયો ક્લિપ એડવોકેટ સુરેશ ફળદુએ જાહેર કરી છે. જેમાં એસીપી પી. કે. દિયોરા અને પીઆઇ જે. વી. ધોળા ઉલ્લેખ કરવામાં આવે છે અને સેટલમેન્ટ કરવાની અને સમજાવટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ વિરુદ્ધ ઈન્દ્રનીલ રાજ્યગુરુનો લોકદરબાર
રાજકોટ પોલીસ તોડકાંડ મામલે કોંગ્રેસના પૂર્વ MLA મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ પોલીસનો ભોગ બનેલા લોકો માટે લોક દરબાર યોજશે. 10 ફેબ્રુઆરીએ 1થી 5 કલાક સુધી લોક દરબાર યોજાશે. ત્યારે ભોગ બનનાર લોકોને લોક દરબારમાં આવવા ખુલ્લું આમંત્રણ અપાયુ છે. CP અને ક્રાઈમ બ્રાન્ચનો ભોગ બનેલા લોકોને ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાઁભળશે અને રાજકોટ પોલીસનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશે. આ માટે તેણે 94262 24612 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. જે લોકો માહિતી ગુપ્ત રાખવા માંગતા હોય તે મોબાઈલ પર સંપર્ક કરે તેવુ જણાવ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે