રાજકોટ : સાળી સાથે આંખ મળી જતા પતિએ પત્નીનો કાંટો કાઢ્યો, 44 દિવસ બાદ મળ્યુ પત્નીનું કંકાલ

Rajkot Crime News : રાજકોટના વિંછીયામાં સાળી સાથે પ્રેમ થતા પતિએ મોબાઈલ ચાર્જરના કેબલથી પત્નીની હત્યા કરી અને લાશ દાટી દીધી... 44 દિવસ પછી કંકાલ મળ્યું 

રાજકોટ : સાળી સાથે આંખ મળી જતા પતિએ પત્નીનો કાંટો કાઢ્યો, 44 દિવસ બાદ મળ્યુ પત્નીનું કંકાલ

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના વિંછીયા તાલુકાના દલડી ગામે રહેતી પરિણીતાની તેના જ પતિએ નિર્મમ હત્યા કરી હતી. આ કેસમાં આજે પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. વીંછિયામાં પત્નીને ગંભીર બીમારી થતાં સાળી સાથે પ્રેમ થયો અને નડતરરૂપ પત્નીની ચાર્જરના વાયરથી હત્યા કરી હતી. પત્નીની હત્યા કરી પતિએ જ ગુમ થયાની જાણ કરી હતી. વીંછિયાના દલડી ગામની પરિણીતાનું ચોટીલાના ઢોકળવામાંથી 44 દિવસે કંકાલ મળ્યું હતું. 

પરિણીતા ગત તા. ૨૨મી મેના રોજ ગુમ થઇ હતી. આ અંગે ૩૧ મેના રોજ વિંછીયા પોલીસ મથકે ગુમ થયાની નોંધ પણ થઇ હતી. ત્યારે દલડીની ગુમ થયેલ પરિણીતાની લાશ 44 દિવસ પછી ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની વીડમાંથી મળી આવી છે. કંકાલ મળી આવતા આખરે ભેદ ખૂલ્યો હતો કે, પરિણીતાનું તેના પતિ એ જ મોબાઇલ ચાર્જના કેબલ વડે ગળેફાંસો આપી મોત નિપજાવ્યુ હતુ. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસીયા ગામે રહેતા લખમણભાઇ ભીખાભાઇ જોગરાજીયાની પુત્રી રંજનના લગ્ન તાલુકાના જ દલડી ગામે રહેતા રાજેશ ઓળકીયા સાથે 4 વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને ૩ વર્ષનો પુત્ર પણ છે. લગ્ન બાદ અવાર નવાર સાસરે જતા રાજેશને સાળી ઇન્દુ સાથે આંખ મળી ગઇ હતી. આ વચ્ચે રંજન એક ગંભીર બીમારીથી પીડાઈ હતી. આ વાતની જાણ તેણે પતિથી છુપાવી હતી, પરંતુ પતિને આ વાતની જાણ થઇ ગઇ હતી. આ દરમિયાન રાજેશ એકવાર ઈન્દુને ભગાડીને પણ લઇ ગયો હતો. પરંતુ બંનેના અનૈતિક સંબંધો રાજેશના સાસરી પક્ષવાળાને મંજુર ન હતા. આથી પરિવારજનોએ ઇન્દુને ફઇબાના ઘરે રહેવા મોકલી દીધી હતી અને તેની અન્ય સ્થળે સગાઇ પણ નક્કી કરાઇ હતી. 

No description available.

આ દરમિયાન રાજેશે સાળી સાથેના પ્રેમમાં બાધા બનતી પત્ની રંજનનું કાસળ કાઢવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે તે પત્નીને તારીખ 22 મેના રોજ ઢોકળવાની વીડમાં લઇ જઇ ચાર્જરના કેબલ વડે ગળે ફાંસો દઇ હત્યા કરી હતી. તેના બાદ લાશને પથ્થર નીચે સંતાડી દીધી હતી. 

ત્યારે મહિલાના મોત મામલે કોળી સમાજના આગેવાનો અને મૃતકના પિયરવાળા લોકો આજે સિવિલ હોસ્પિટલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મૃતકના પરિવારજનોની સ્પષ્ટ માંગ છે કે, આરોપી રાજેશને ફાંસીની સજા થાય અને જે પોલીસ કર્મચારીઓએ અરજી લીધા પછી પણ તપાસ ન કરી તેવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે. જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ સામે પગલાં નહિ લેવાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news