ગુજરાત વિધાનસભા ઘેરાવના કાર્યક્રમથી પ્રભારી રાજીવ સાતવ નારાજ

કહેવાતા સિનિયર નેતાઓએ સામે ચાલીને અટકાયત વ્હોરતા કોંગ્રેસના રાજ્ય પ્રભારી અકળાયા, રાજ્યના નેતાઓએ લાકડીઓ ખાવાની જરૂર હોવાનું સાતવનું માનવું હતું 

 ગુજરાત વિધાનસભા ઘેરાવના કાર્યક્રમથી પ્રભારી રાજીવ સાતવ નારાજ

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા આજથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા સત્રના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ક્રાયક્રમ નિષ્ફળ જતાં ગુજરાત કોંગ્રેસના રાજ્યના પ્રભારી રાજીવ સાતવ નારાજ થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશના સિનીયર નેતાઓ દ્વારા સામે ચાલીને અટકાયત વહોરતાં કોંગ્રેસના પ્રભારી અકળાઈ ગયા છે અને તેઓ આ અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપવાના છે એવું પણ જાણવા મળ્યું છે. 

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓને બોલાવાયા હતા. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે જાહેરસભાના કાર્યક્રમ બાદ કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવાનું આયોજન હતું.  

કોંગ્રેસના આ આયોજનને અનુલક્ષીને સરકાર દ્વારા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. વિધાનસભા તરફ જતા તમામ રસ્તાઓ આગળથી જ બંધ કરી દેવાયા હતા. જેના કારણે, શહેરના નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાહેરસભા પુરી થયા બાદ જેવા વિધાનસભાનો ઘેરાવ કરવા નિકળ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાવી દેવાયા હતા. પોલીસ દ્વારા રોકવાનો વિરોધ કરવાને બદલે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ સામેચાલીને ધરપકડ વહોરી લીધી હતી અને તેઓ પોલીસ વાનમાં હસતા-હસતા બેસી ગયા હતા. 

પોલીસ દ્વારા અટકાવવાનો કોઈ પણ પ્રકારનો કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં ન આવતાં ગુજરાત કોંગ્રેસના પ્રભાવી રાજીવ સાતવ આ જોઈને અકળાઈ ગયા હતા. તેમનું માનવું હતું કે, રાજ્યના નેતાઓએ પોલીસની લાકડીઓનો સામનો કરવો જોઈતો હતો. તેમને લાગ્યું કે, નેતાઓ સરકાર સામેની લડાઈનમાં નબળા પડી ગયા હતા. 

ગુજરાત કોંગ્રેસના નેતાઓના આવા પ્રદર્શનથી નારાજ રાજીવ સાતવ આ અંગેનો રિપોર્ટ હાઈકમાન્ડને પણ સુપરત કરે તેવી સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news