રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે કરી આગાહી
Rain Alert: ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખુબ સારો વરસાદ થયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનામાં ખુબ ઓછો વરસાદ પડ્યો હતો. રાજ્યના ખેડૂતો એક તરફ વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ થશે. 5 અને 6 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ થશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેથી રાજ્યમાં વરસાદ રહેશે.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થશે. હવામાન વિભાગ પ્રમાણે 5 અને 6 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થશે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં વરસાદ થશે. ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય
હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેથી રાજ્યમાં વરસાદ થશે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ બે દિવસ બાદ સામાન્ય વરસાદ થશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ખુબ ઓછો વરસાદ થયો છે. એટલે હવે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ઓગસ્ટમાં વરસાદ ન થતાં ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે.
લાંબા વિરામ બાદ વરસાદની આગાહી
દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6 થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10 થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે