મુખ્યમંત્રી સાથે સ્વામીનારાયણ સંતોની બેઠક પૂર્ણ, જલદી આવી શકે છે વિવાદનો ઉકેલ

સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રો મુદ્દે ઉભા થયેલા વિવાદમાં આજે સરકારની એન્ટ્રી થઈ હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મહત્વની બેઠક મળી હતી. 

મુખ્યમંત્રી સાથે સ્વામીનારાયણ સંતોની બેઠક પૂર્ણ, જલદી આવી શકે છે વિવાદનો ઉકેલ

ગાંધીનગરઃ સાળંગપુર વિવાદ હવે આગ પકડી રહ્યો છે. લીંબડી મોટામંદિર ખાતે સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિના વિવાદને લઈને આવતીકાલે સાધુ સંતો અને મહંતોનુ મહાસંમેલન યોજાનાર છે. ત્યારે આ વિવાદને હવે સરકારે હાથે લીધો છે. આજે બપોર બાદ સ્વામિનારાયણના સંતોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે યોજાયેલી સંતોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને આ મુદ્દે ઉકેલ આવી શકે છે.

મુખ્યમંત્રી સાથે યોજાઈ બેઠક
આજે મુખ્યમંત્રીના નિવાસ્થાને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, વડતાલના ડો.સંત વલ્લભદાસજી સ્વામી સરધાર મંદિરના સ્વામી સહિતના સંતો હાજર રહ્યાં હતા. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે.

શું છે સમગ્ર વિવાદ?
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે. વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ.

સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરાયો 
અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો નિર્ણય લીધો છે. સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા. આજથી એકપણ સ્વામીનારાયણ મંદિરે ન જવાનો નિર્ણય કરાયો. તમામ સાધુ-સંતોએ એકસાથે પ્રતિજ્ઞા લઈ બહિષ્કાર કરાયો છે. વડોદરાના જ્યોતિન્દ્રનાથ મહારાજે કહ્યું કે, અમે શાંતિ જ ઈચ્છીએ છીએ. આજથી કોઈ પણ સાધુ સંતો એ સ્વામિનારાયણ મંદિરે નહીં જવાનું. તેમના સ્ટેજ ઉપર એક પણ સનાતન સાધુએ નહી જવાનું. આજથી અમે કોઈ પણ દિવસ તેમના ધર્મસ્થળોએ ગમે તેટલા પ્રલોભન આપે તો પણ નહી જઈએ. આજથી સ્વામિનારાયણ ધર્મનો બહિષ્કાર કરીયે છીએ. નવી પેઢી ધર્મને બદનામ કરી રહી છે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખબર નથી હોતી કે આ વસ્તુઓ સનાતન ઉપર કલંક લગાડી રહ્યા છે. બે પાંચ મહિલા થાય, બ્રહ્માજીને, માતાજીને લઇ વિવાદ ઉભા કરવાની આ લોકોને કુટેવ પડી ગઈ છે. દરેક તાલુકા લેવલે સનાતનને જાગ્રત થવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news