કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત

Rahul Gandhi Controversial statement on Rajput : રાહુલ ગાંધીના રાજા રજવાડાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધી સામે ભાજપ આક્રમક મોડમાં આવી છે. રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ પર નિવેદન પર પ્રધાનમંત્રી મોદીએ પ્રહાર કરતા કહ્યું હતું કે, શહેજાદાએ રાજા-મહારાજાઓનું અપમાન કર્યું છે. મુગલો પર બોલતા કેમ અચકાય છે રાહુલ? તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધીની વાતથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે. હડપ કરવાનું કામ કોંગ્રેસનું છે. 

રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના રાજ રજવાડાઓ પરના નિવેદનનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા-રજવાડાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. એક સભામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે રાજા-મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ તેમને જે ઈચ્છા પડે તે લઈ લેતા હતા. તેમને કોઈની જમીન જોઈએ તો પણ લઈ લેતા હતા. આ નિવેદનનો વીડિયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી સવાલ કર્યા છે. સંઘવીએ ટ્વીટમાં લખ્યું કે, કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું છે. 

ભાજપની ટીમે તોડી-મરેડીને વીડિયો જાહેર કર્યો
રાહુલ ગાંધી દ્વારા રાજા-મહારાજા પર નિવેદનનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો દાવો કરતા કહ્યું કે, રાહુલ ગાંધીનો વીડિયો એડિટ કરેલો છે. ભાજપની ટીમે તોડી-મરેડીને વીડિયો જાહેર કર્યો છે. હર્ષ સંઘવી લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. 

પીએમ મોદીનો રાહુલ ગાંધી પર પલટવાર
પીએમ મોદીએ આજે એક સભામાં રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના શહેઝાદા કહે છે કે ભારતના રાજા-મહારાજાઓ અત્યાચારી હતા, તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા. કોંગ્રેસના રાજકુમારે છત્રપતિ શિવાજી મહારાજ, રાણી ચિન્નમ્માનું અપમાન કર્યું છે. કોંગ્રેસ રાજકુમારનું નિવેદન મતબેંકની રાજનીતિ કરવા અને તુષ્ટિકરણ માટે જાણીજોઈને અપાયેલું નિવેદન છે.

ભાજપના હુમલાનો કોંગ્રેસ દ્વારા જવાબ 
રાજા મહારાજાઓ પર રાહુલ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ભાજપના શાબ્દિક હુમલાનો શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યો. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ભાજપે બહેન-દિકરીઓનું અપમાન કર્યું છે. અહંકાર રાખીને ભાજપે ઉમેદવાર બદલ્યા નહીં. જે વાત ન થઈ હોય તેને વિકૃત્ત રીતે ભાજપ રજૂ કરે છે. સમાજ ભોળો છે, પરંતુ મૂર્ખ નથી. 

શક્તિસિંહે પીએમ મોદીનો જૂનો વીડિયો જાહેર કર્યો 
એક તરફ રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમક બન્યું છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પલટવાર માટે મોદીનો વીડિયો બતાવ્યો છે. શક્તિસિંહે એવો વીડિયો દર્શાવ્યો, જેમા પીએમ મોદી રાજા-મહારાજાઓ અને અંગ્રેજો વચ્ચે સારા સંબંધ હોવાની વાત કરતા હતા.  જોકે શક્તિસિંહના આ નિવેદનને સીઆર પાટીલે પાપ છૂપાવવાનો પ્રયાસ ગણાવ્યું.

ક્ષત્રિયોમાં ભાગલા પાડવાનો પ્રયાસ - ક્ષત્રિયોનો આરોપ
રાહુલ ગાંધી મુદ્દે ક્ષત્રિય સમાજના અગ્રણી ભારતીબાએ કહ્યું કે, ભાજપ દ્વારા કોંગ્રેસની જૂની પોસ્ટ ટ્વિટ કરી ક્ષત્રિઓમા ભગલા પાડવાનો પ્રયાસ કર્યો છૅ પણ તે અમને જાણ છૅ. તેમનો ઈરાદો અમે પાર પાડવા નહિ દઈએ. તમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની અમારી માંગણી સ્વીકારી નથી તે તમારી મોટી ભૂલ છૅ. જેનું પરિણામ તમારે ભોગવવું પડશે. આ ભગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી રહી છૅ. ભાજપ સરકાર ગમે તેવા પેતરા કરી ભગલા પાડવા માંગે છૅ. પણ અમે તે થવા નહિ દઈએ અને લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજ પણ સો ટકા મતદાન કોગ્રેસ તરફી કરી ઘર ભેગા કરશે. ભાજપે તેમની ભૂલ સુધારી નહિ પણ હવે અમે અમારી ભૂલ સુધારીશું. અત્યાર સુધી ભાજપ સાથે હતા પણ હવે નહિ મજબૂતાઈથી લડત આપશું. 

ભાજપનો સ્ટાર પ્રચારક છે રાહુલ ગાંધી
સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજના આગેવાન યુવાન કુલદીપસિંહ જાડેજાએ રાહુલ ગાંધી પર આક્રોશ વ્યકત કરતા કહ્યું કે, ભાજપનો સ્ટાર પ્રચારક છે રાહુલ ગાંધી. કોંગ્રેસ પાસે જે નાની મોટી વોટબેંક હતી તે પણ આ નિવેદનથી પૂરુ થઈ જશે. રાજા-રજવાડાએ લૂંટ નહોતી ચલાવી.રાહુલ ગાંધીની પ્રાથમિક સમજણ ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ક્ષત્રિય સમાજ હવે કોંગ્રેસના વિરોધનો સામનો કરવો પડશે. ક્ષત્રિય સમાજ હવે રાહુલ ગાંધીનો વિરોધ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news