આજે વાળીનાથે વટ પાડી દીધો, મોસાળમાં આવીએ ત્યારે આનંદ અનેરો હોય : PM મોદી
PM Modi Gujarat Visit : અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતીમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિર પહોંચ્યા છે, જ્યાં તેઓએ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી
Trending Photos
Mehsana Valinath Mahadev Pran Pratishtha Mohotsav : અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદીએ હાજરી આપીને અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ. તેઓએ GCMMFની સુવર્ણ જયંતી પર તમામને શુભકામના આપી. તેમજ ડેરી ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ લોકોનું અભિવાદન કર્યું. ત્યારે અમદાવાદથી તેઓ સીધા મહેસાણાના વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચ્યા છે. ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન ઝીલતા પીએમ મોદી મંદિર સુધી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીની મહાશિવલિંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરીથી માહોલ ભક્તિમય બન્યો છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થયા છે.
પોતાના સંબોધનની શરૂઆતમા જ વડાપ્રધાને કહ્યું કે, આજે વાળીનાથે વટ પાડી દીધો. પહેલા અનેકવાર અહી આવ્યો છું, પણ આજે અનેરો ઉત્સાહ છે. મોસાળમાં આવીએ ત્યારે આનંદ અનેરો હોય. દુનિયા માટે આ વાળીનાથ તીર્થ છે, પરંતુ રબારી સમાજે માટે તે પૂજ્ય ગુરુગાદી છે. દેવ સેવા અને દેશ સેવા આજે એક સાથે થઈ રહી છે. પાવન કાર્ય સંપન્ન થયું છે, તો વિકાસ સાથે જોડાયેલા પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. જે રેલ, રોડ, પોર્ટ, ટ્રાન્સપોર્ટ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ, ટુરિઝમ જેવા અનેક વિકાસકાર્યો સાથે જોડાયેલા છે. તેનાથી લોકોનુ જીવન સરળ થશે.
તેમણે આગળ કહ્યું કે, મારા પરિવારજનો આજે હું આ પવિત્ર ધરતી પર એક અલગ દિવ્ય ઊર્જા અનુભવી. આ ઉર્જા હજારો વર્ષોથી ચાલતી આવતી આધ્યાત્મિક ચેતના સાથે જોડે છે. ભગવાન કૃષ્ણ અને મહાદેવ સાથે જોડાયેલી ધરતી છે. ગાદીપતિ જયરામ ગીરી બાપુને દિલથી પ્રણામ જેમને બળદેવ ગિરિ બાપુ ના સંકલ્પને વધાવ્યો છે. મુખ્યમંત્રી હતો ત્યારે અનેકવાર તેમને મળ્યો છું. આજે તેમના સપનાને સિદ્ધ થતા જોઉ છું તો મારી આત્મા કહે છે કે તેઓ આ સિદ્ધિને જોઈને પ્રસન્ન થયા હશે.
રબારી સમાજનુ આસ્થા ધામ
મહેસાણાના વિસનગર તાલુકાના ગામ તરભમાં લોકોના આસ્થાનું પ્રતીક સમા શ્રી વાળીનાથ અખાડો આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. આજથી લગભગ 900 વર્ષ પહેલાં હાલની જગ્યા ઉપર વિરમગીરીજી બાપુનું આગમન થયેલું. પૂજ્ય શ્રી વિરમગીરીજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા. તેઓ ઉત્તર ગુજરાતમાં લોકોમાં પરસ્પર પ્રેમ ભક્તિ અને ધાર્મિક શ્રધ્ધા જાગૃત કરી રહ્યા હતા. આ ભવ્ય શિવમંદિર આશરે 40 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચામાં બનીને તૈયાર કરાયું છે. વાળીનાથ ધામમાં આવેલ પૌરાણિક મંદિર અને આશ્રમ 900 વર્ષથી અડીખમ ઊભેલી રાયણ અને તેની નીચે આવેલ અખંડ ધૂણીનો આગવો મહિમા રહેલો છે અને લોકો તેનામાં ખાસ આસ્થા ધરાવે છે. આશરે 250 થી 300 એકરમાં ફેલાયેલા વાળીનાથ ધામમાં ભવ્ય ગૌશાળા અને અશ્વ શાળા આવેલી છે. જેના ઇતિહાસમાં ગૌશાળા લાડકી વાછરડીના વંશજ અને અશ્વશાલા રેમી ઘોડીના વંશજ છે, જે વાળીનાથ ધામમાં ખૂબ પૂજનીય છે.
વાળીનાથ નામ કેવી રીતે પડયું
દંતકથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચતા ત્યારે ભગવાન શિવ ગોપીના સ્વરૂપમાં રાસલીલામાં ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને તેમના નાક કે કાનમાં પહેરેલ વાળીના લીધે તેમના સ્વરૂપને ઓળખી લીધા હતા. ત્યારે ભગવાન શિવનું નામ વાળીનાથ તરીકે ઓળખાયું.
માલધારી સમાજની વિશેષ આસ્થા વાળીનાથ ધામમાં કેમ ??
વાળીનાથ ધામની સ્થાપના બાદ મોટી સંખ્યામાં માલધારીઓ ગુરુની સેવા પૂજન કરી વિશેષ આસ્થા ધરાવે છે. વર્ષો પહેલા માલધારી સમાજમાં જ્યારે શિક્ષણનું પ્રમાણ નહિવત હતું ત્યારે શ્રી બળદેવગિરીજી દ્વારા પુસ્તક પરબ શરૂ કરાવી હતી. રબારી સમાજના યુવાનોને શિક્ષિત કરવાનું કાર્ય કર્યું અને કન્યા અને કુમાર છાત્રાલય શરૂ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે