ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ; જાણો શું બોલાઈ રહ્યા છે મણદીઠ ભાવ?

વેપારીઓની ખરીદી કરતા ટેકાના ભાવ 300 થી 400 રૂપિયા વધારે મળતા ખેડૂતોને આંશિક રાહત થશે. ખેડૂત દીઠ 200 મણ જેટલી મગફળી સરકાર ખરીદશે.

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ; જાણો શું બોલાઈ રહ્યા છે મણદીઠ ભાવ?

રઘુવીર મકવાણા/બોટાદ: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઈ છે, મગફળીની ₹1356 ના ભાવથી ખરીદી કરવામાં આવી હતી. વેપારીઓની ખરીદી કરતા ટેકાના ભાવ 300 થી 400 રૂપિયા વધારે મળતા ખેડૂતોને આંશિક રાહત થશે. ખેડૂત દીઠ 200 મણ જેટલી મગફળી સરકાર ખરીદશે.

બોટાદ માર્કેટીંગયાર્ડમાં મગફળીના ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત થઈ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલા 15 જેટલા ખેડૂતોને મગફળી વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા હતા. મગફળીમાં ટેકાના ભાવના ખરીદીમાં એક મણના 1356ના ભાવથી મગફળીની ખરીદી થઈ હતી.

સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવની ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરવા ખેડૂતોને જણાવાયું હતું. જ્યારે જિલ્લાના રાણપુર બરવાળા ગઢડા સહિતના આસપાસના તાલુકા અને ગામના 2100 જેટલા ખેડૂતોએ મગફળીના પાકને ટેકાના ભાવથી વેચાણ કરવા ઓનલાઇન અરજી કરી હતી. ત્યારે આજે 15 જેટલા ખેડૂતોને મગફળીના પાક સાથે હળદડ કોટન યાર્ડ ખાતે બોલાવાયા હતા. મગફળીની ખરીદીમાં એક મણ દીઠ બજારભાવ 900 થી 1000 રૂપિયા આસપાસ બોલાય છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ 300 થી 400 રૂપિયા વધારે આપી મગફળીની ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીથી ફાયદો થશે તેમ ખરીદ વેચાણ સંઘના વહિવટ કર્તાઓ માની રહ્યા છે.

સરકારના નિયમ મુજબ ખેડૂત દીઠ બસો મણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે આજે 1,200 બોરી જેટલી મગફળીની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ ખરીદી પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે ત્યારે વહેલી તકે તમામ ખેડૂતોનો ટેકાના ભાવથી માલ ખરીદી શકાય તેવી વ્યવસ્થા ખરીદ વેચાણ દ્વારા કરવામાં આવી રહી છે તેવું ખરીદ વેચાણ સંઘના મેનેજર તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news