વટ પડશે પણ વોટ જશે : રૂપાલા તો 5 લાખની લીડથી જીતશે પણ લાખો મત તૂટશે, ગામડાઓ ગણિત તોડશે

Parsottam Rupala : રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી પછી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે રાજ્યના અનેક જિલ્લાઓમાં જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે.... રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સિવાય નમતું જોખવા તૈયાર નથી, હવે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા 16મીએ જંગી સભા સાથે ફોર્મ ભરવાના સમાચાર છે. જે મામલો આગામી દિવસોમાં વકરે તો નવાઈ નહીં...
 

વટ પડશે પણ વોટ જશે : રૂપાલા તો 5 લાખની લીડથી જીતશે પણ લાખો મત તૂટશે, ગામડાઓ ગણિત તોડશે

Loksabha Election 2024 : ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન હવે ગામડાઓ સુધી પહોંચ્યું છે ભલે શહેરમાં જુવાળ ન હોય પણ ગામડાઓમાં પોસ્ટર વોર શરૂ થયું છે. હવે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલું થયા છે. ભાજપ આ તમામ બાબતો પર નજર રાખી રહી છે પણ ઝૂકવાના મૂડમાં નથી. હાલમાં આ આંદોલન એ ફક્ત ગરાસિયા રાજપૂતો સાથે જ જોડાયેલું છે પણ ગુજરાતના ગરાશિયા સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કારડિયા, કાઠી, નાડોદા, જાગીરદાર અને પાલવી ક્ષત્રિયો સુધી પહોંચ્યું તો ગુજરાતના સમીકરણો બદલાઈ શકે છે. ક્ષત્રિયો ભલે એક પણ બેઠક ન હરાવી શકે પણ ભાજપના ટાર્ગેટને નુક્સાન કરશે એ વાસ્તવિકતા છે... હાલમાં રાજપૂત સમાજ એ ફ્કત 4થી 5 ટકાની આસપાસ છે પણ ક્ષત્રિયો એક થાય તો તેઓ 17 ટકાની આસપાસ પહોંચે છે.  જુઓ આ સ્પેશ્યલ રિપોર્ટ

  • ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગ્યા
  • ભાજપને વોટ ન આપવા માટે ગામે ગામ ક્ષત્રિયો લઈ રહ્યાં છે કુળદેવીના સોગંધ
  • સોશિયલ મીડિયામાં ભાજપના વોટ તોડવા રીતસરના કેમ્પેઈન ચાલુ
  • શહેરમાં હલચલ નહીં પણ ગામડાઓમાં ક્ષત્રિય આંદોલનનો જબરો જુવાળ
  • લોકસભાની 5 બેઠકો પર ક્ષત્રિય અને ઠાકોર સમાજનું વર્ચસ્વ
  • ગુજરાતની 10 બેઠકો પર 5થી 15 ટકા મતદારો ક્ષત્રિયો
  • ગુજરાતની દરેક બેઠક પર ક્ષત્રિયોના 15થી 40 હજાર મત
  • ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન થવાની આશંકા
  • ગુજરાતમાં રાજપૂતો માત્ર 4થી 5 ટકા પણ ક્ષત્રિયોની 17 ટકા વોટબેંક એટલે અંદાજિત 75 લાખ મત ભાજપને નુક્સાન ન કરાવી શકે પણ ટાર્ગેટ તોડશે
  • ક્ષત્રિયોમાં 2 ભાગલા પડતાં ભાજપને આ આંદોલનથી નુક્સાન થવાનો નહિવત ડર
  • ભાજપનો લોકસભામાં 55 લાખ મત વધારવાનો લક્ષ્યાંક પણ લાખો મત તૂટશે
  • પાટીદારોને નજીક લાવવામાં ક્ષત્રિયોની કમિટેડ વોટબેંક ભાજપથી દૂર થશે
  • લોકસભામાં અસર નહીં દેખાય પણ તાલુકા, જિલ્લા અને વિધાનસભા ચૂંટણીમાં અસર પડશે
  • ક્ષત્રિયો કોંગ્રેસ તરફ વળ્યા તો આપના 40 લાખ, કોંગ્રેસની 80 લાખ વોટબેંકમાં વધારો થશે
  • ભલે ક્ષત્રિયો ભાજપના મતદારો રહ્યાં પણ વિવાદ વધ્યો તો આ મત કોંગ્રેસમાં પલટાશે
  • દેશમાં આંદોલન ચાલ્યું તો 22 કરોડ ક્ષત્રિય મતદારો

ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વકરતું જાય છે. ભાજપ 26માંથી 12 બેઠકો પર દબદબો ધરાવતા પાટીદાર સમાજના રૂપાલાને રાજકોટથી લડાવવાના મૂડમાં છે ત્યાં આ આંદોલન દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં. આજે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આ મામલાનો જલદી ઉકેલ આવશે તેવી બાંહેધરી આપી છે પણ ક્ષત્રિયોનો વિવાદ દેશમાં પહોંચ્યો તો 22 કરોડ મતદારો સુધી આ મામલો પહોંચશે. હવે ક્ષત્રિય સમાજ આરપારની લડાઈ લડે તો નવાઈ નહીં...

ગુજરાતમાં ક્ષત્રિયોમાં ભાગલા પડ્યા હોવાથી ભાજપને આ આંદોલનથી નુક્સાન જવાનો નહિવત ડર છે પણ હવે વટનો સવાલ હોવાથી ક્ષત્રિયો પણ ઝૂકવાના મૂડમાં નથી. ક્ષત્રિયો એ ભાજપની કમિટેડ વોંટબેંક છે પણ હવે આ વિવાદ એક બે નેતાઓના હાથમાં ન હોવાથી આ બાબતનો ઉકેલ આવે તેવી સંભાવના ઓછી છે. શહેરમાં ભલે આ આંદોલનની અસર દેખાતી ન હોય પણ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.

ગામે ગામ ભાજપ વિરોધી પોસ્ટરો લાગવાના શરૂ થયા છે અને ક્ષત્રિયો ભાજપને વોટ ન આપવા માટે કુળદેવીના સોગંધ લઈ રહ્યાં છે. રાજકોટમાંથી રૂપાલા 16મીએ ફોર્મ ભરવાના છે એ પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટા નિર્ણયો લેવાય તો પણ નવાઈ નહીં કારણ કે ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ છે. રૂપાલા ભલે 5 લાખની લીડથી જીતી જાય પણ રૂપાલાને કારણે લાખો વોટ તૂટશે એ પણ હકિકત છે. આ આંદોલન તમામ ક્ષત્રિયો સુધી પહોંચ્યું તો ભાજપ માટે ખતરો બની શકે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 8, 2024

 

50 લાખ મતો પણ વિરોધમાં પડ્યા તો અસર કરશે...

ક્ષત્રિયોએ હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને ભાજપના વોટ તોડવા માટે રીતસરનું કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. હાલમાં સોશિયલ મીડિયાના ગ્રૂપો ક્ષત્રિયોના આંદોલનથી ભરાયેલા છે. હવે આ વિવાદનો ઉકેલ ન આવ્યો તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન થવાની પૂરી સંભાવના છે. સીઆર પાટીલ લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતવા માટે 50થી 55 લાખ મત વધારવાનો ટાર્ગેટ મૂકી રહ્યાં છે પણ આ આંદોલન સરકારના હાથમાંથી નીકળી ગયું તો અંદાજિત 50 લાખ વોટનો ભાજપને ફટકો પડશે. ભાજપે લોકસભામાં 2.30 કરોડ મતનો ટાર્ગેટ મૂક્યો છે.

ગત વિધાનસભામાં ભાજપને 1.67 કરોડ, આપને 40 લાખ અને કોંગ્રેસને 80 લાખ મત મળ્યા હતા. ક્ષત્રિયો ભાજપની કમિટેડ વોટબેંક ગણાય છે. જો ગુજરાતના ક્ષત્રિય સમાજના 75  લાખમાંથી 50 લાખ મતો પણ ભાજપ વિરોધી પડ્યા તો કોંગ્રેસ અને આપના ગઠબંધન વચ્ચે આ આંકડો ભાજપની નજીક પહોંચી જશે. એ યાદ રાખવું જરૂરી છે કે વિધાનસભામાં મતદાન એ હંમેશાં ઓછું રહેતું હોય છે. આમ છતાં ભાજપને 26માંથી કોઈ પણ બેઠકમાં હરાવવા માટે ક્ષત્રિયો પાસે પૂરતી વોટબેંક નથી એ કડવી વાસ્તવિકતા પણ છે એટલે જ ભાજપ કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના મૂડમાં નથી. 

રૂપાલાની ટિકિટ નહીં કપાય ભલે કોઈ પણ સમાજ નારાજ થાય...

ગુજરાતની 26 લોકસભાની બેઠકો પર પાટીદાર સમાજનો દબદબો છે. પાટીદાર આંદોલન બાદ કેટલાક પાટીદારો ભાજપથી વિમુખ થઈ જતાં ભાજપને અપેક્ષા છે કે ક્ષત્રિય આંદોલનને પગલે લેઉવા અને કડવા મતબેંક ફરી એક થઈ જશે અને ભાજપના હાથ મજબૂત થશે. જે માટે ભાજપ ક્ષત્રિય આંદોલનને મહત્વ આપી રહી નથી. હાઈકમાન્ડમાંથી સૂચના છે કે રૂપાલાની ટિકિટ નહીં કપાય ભલે કોઈ પણ સમાજ નારાજ થાય...

હવે સ્થિતિ એવી છે કે પાટીદારોને નજીક લાવવામાં ભાજપ ક્ષત્રિયોની કમિટેડ વોટબેંકને નજર અંદાજ કરી રહી છે. હાલમાં આ આંદોલન ગુજરાત પુરતું છે પણ આ આંદોલન વકર્યું તો દેશના 22 કરોડ ક્ષત્રિયોને સીધી અસર કરશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતની ખેડા, આણંદ પર ક્ષત્રિય અને ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. આ સિવાય ગુજરાતની 5 બેઠકો પર ક્ષત્રિય સમાજના 5થી લઈને 15 ટકા મતો છે. ગુજરાતમાં વિકાસના રાજકારણને બદલે હાલમાં જ્ઞાતિવાદનું રાજકારણ હાવી થઈ રહ્યું છે.

રાજ્યમાં રાજપૂત સમાજ વહેંચાયેલો છે

  1. ગરાસિયા રાજપૂત
  2. કારડિયા રાજપૂત
  3. કાઠી રાજપૂત
  4. નાડોદા રાજપૂત
  5. જાગીરદાર રાજપૂત
  6. પાલવી રાજપૂત આ તમામ સમાજો એક થાય તો આ આંદોલન વકરી શકે છે. 

રાજ્યમાં પાટીદાર સમાજ એ 17 ટકા મતો સાથે સૌથી પાવરફૂલ સમાજ છે. રૂપાલા એ કડવા પાટીદાર છે. ભાજપને ડર છે કે રૂપાલાને હટાવવા જતાં પાટીદાર સમાજ નારાજ થશે. હાલમાં ચાલતું આંદોલન એ ફક્ત ગરાસિયા સુધી જ સીમિત છે. ગુજરાતમાં રાજપૂત સમાજની વાત કરીએ તો કારડિયા રાજપૂતોની સંખ્યા ભાવનગર, અમરેલીથી લઈને સૌરાષ્ટ્રમાં છે. કાઠી દરબારો એ જસદણથી લઈને વીંછિયા સુધી છે. નાડોદા રાજપૂત સમાજ એ વઢિયાળ પ્રાંતમાં વિરમગામથી લઈને પાટણ સુધી ફેલાયેલો છે. ઉત્તર ગુજરાતથી લઈને ખેડા, આણંદમાં પાલવી રાજપૂતો અને મધ્યમાં બારૈયાનો દબદબો છે.

હાલમાં આ આંદોલન ફક્ત ગરાસિયા સમાજ પૂરતું મર્યાદિત છે. જો ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજ એક થાય તો ભાજપને ભારે પડી શકે છે. ગુજરાતના દરેક જિલ્લામાં 10થી 15 હજારથી લઈને 40થી 50 હજાર વોટબેંક ક્ષત્રિય સમાજની છે. હાલમાં ચાલી રહેલા આંદોલનમાં કેટલાક રાજપૂત સમાજ હજુ સક્રિય નથી. જેઓ ભાજપ સાથે જોડાયેલા છે. આ આંદોલન એમની સુધી પહોંચ્યું પણ નથી, જો હાલની સંકલન સમિતી દરેક રાજપૂત સમાજના મોભીઓ સુધી પહોંચી અને આંદોલનને જગાડે તો આગામી લોકસભામાં મોટા સમીકરણો બદલાઈ શકે છે.  

ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વોટબેંક

રાજકોટ

7 ટકા

સુરેન્દ્રનગર 11 ટકા
જામનગર  ટકા
ભાવનગર 10 ટકા
કચ્છ  10 ટકા
પોરબંદર 5 ટકા
વડોદરા  6 ટકા
સાબરકાંઠા 6 ટકા
ખેડા 15 ટકા
આણંદ  12 ટકા

શું કહ્યું હતું રૂપાલાએ?
રૂપાલાએ થોડા દિવસ પહેલાં એક સભામાં કહ્યું હતું કે બ્રિટિશ શાસન દરમિયાન રાજાઓ અને મહારાજાઓએ પોતાનું માથું ઝુકાવી દીધું હતું અને તેમની સાથે રોટી-બેટીનો સંબંધ બનાવી લીધો હતો, પરંતુ દલિત સમાજથી આવનારા રુખી સમાજે પોતાનું માથું નહોતું નમાવ્યું. એટલા માટે તેમને હું સલામ કરું છું અને આ જ વાત હતી, જેણે સનાતન ધર્મને જીવિત રાખ્યો… 

રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. રૂપાલા 3 વાર માફી માગી ચૂક્યા છે પણ ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ કાપવાની વાત પર અડગ રહ્યો છે. જેને પગલે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિયો પણ નારાજ છે. હવે આ આંદોલન ક્ષત્રિય સમાજને તો એક કરી દેશે પણ ક્ષત્રિય સમાજના નેતા કોણ એ પર સીધો સવાલ ઉઠાવશે, રાજનાથસિંહનું આ મામલમાં નિવેદન સાબિત કરી રહ્યું છે કે ભાજપને પણ અંદરો અંદર ડર છે કે આ વિવાદ દેશમાં ન વકરે.. ક્ષત્રિય સમાજ ભાજપને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં નુકસાન કરી શકે છે.

ગુજરાતમાં સમાજના મતની તાકાત

પાટીદાર 17 ટકા
રાજપૂત 5 ટકા
એસસી  6 ટકા
એસટી 11 ટકા
બ્રાહ્મણ 4.50 ટકા
મુસ્લિમ  3 ટકા
જૈન  1.50 ટકા
ઓબીસી 52 ટકા

પેટા ચૂંટણીમાં ભાજપને કરશે અસર..
જન સંઘ વખતથી સૌરાષ્ટ્ર આંદોલનનું એપી સેન્ટર બન્યું છે.પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી અને રાજકીય નુકસાન પણ સૌરાષ્ટ્રમાં થયું હતું.  ક્ષત્રિય આંદોલન પણ રાજકોટમાં જ વેગવંતુ બન્યું હતું ત્યારે ફરી સૌરાષ્ટ્ર ચર્ચામાં છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય અને પાટીદારોમાં મનમેળને લઇને પાતળી દિવાલ છે ત્યારે આ મુદ્દાને કારણે દિવાલમાં તિરાડ ન પડે અને વર્ગ વિગ્રહ ન પડે તે ભાજપ અને બંન્ને સમાજના મોભીઓ માટે ચિંતાનો વિષય છે.

ગુજરાતના ગામડે ગામડે ભાજપ વિરોધી પોસ્ટરો લાગવાના શરૂ થતાં ભલે ભાજપ બુથ મેનેજમેન્ટ અને પેજ પ્રમુખના સહારે ચૂંટણી જીતવાના મદમાં હોય પણ આ આંદોલન ભાજપના ટાર્ગેટને જરૂર અસર કરશે. ભાજપે હાલમાં દરેક સીટ પર 5 લાખની લીડનો ટાર્ગેટ મૂક્યો છે એ કેટલીક સીટો પર અસર કરી શકે છે. સૌથી મોટી બાબત એ પણ છે કે વિધાનસભાની ચૂંટણી લડી રહેલા સી જે ચાવડા અને ધર્મેન્દ્રસિંહને આ વિવાદ અસર કરશે. આ બંને સીટો પર ક્ષત્રિયોનું વર્ચસ્વ છે. આ વિધાનસભાની પેટા ચૂંટણી છે અને બંને પર આયાતી ઉમેદવારનો થપ્પો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 8, 2024

 

ભાજપને કેમ નથી ડર..

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 182માંથી 156 બેઠકો પર જીત મેળવી હતી. આમ છતાં ભાજપ 5,000 થી ઓછા મતોના માર્જિનથી 20 બેઠકો પર ચૂંટણી હારી ગઈ હતી. ભાજપ પાસે 1.13 કરોડ પ્રાથમિક સભ્યો અને 74 લાખ પેજ કમિટી સભ્યોની ફોજ છે. મતલબ ગુજરાતના ૭૪ લાખ ઘરમાં ભાજપનો એક સભ્ય છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષે માત્ર 3 લાખ મતને કારણે 26 બેઠક ગુમાવી છે. જેમાં પોરબંદર અને માણાવદર જેવી 20 બેઠકો માત્ર 5 હજારની અંદરના માર્જીનથી ગુમાવી છે. નહીં તો ભાજપ પાસે 176 બેઠક હોત અને એક નવો રેકોર્ડ હોત.. પાટીલ આ મામલે દરેક બેઠકમાં અફસોસ કરી રહ્યાં છે. આમ ભાજપને એ વિશ્વાસ છે કે કોઈ પણ બેઠકમાં ભાજપ ધારે એ કરી શકે છે. ક્ષત્રિયોમાં પણ 2 ભાગલા પડી જતાં ભાજપને હવે કોઈ ટેન્શન નથી એ સારી રીતે જાણે છે કે 5 ટકા વોટબેંક ધરાવતો સમાજ એક પણ સીટ હરાવી નહીં શકે. જોકે, તમામ ક્ષત્રિયો એક થાય તો આ વોટબેંક 17 ટકા પહોંચે એ ભાજપને ડર પણ છે આ સાથે ભાજપ એ પણ જાણે છે કે જુદા જુદા ક્ષત્રિય સમાજો ક્યારેય એક નહીં થાય..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news