રાજ્ય સરકારની મોટી જાહેરાત, 27 એપ્રિલથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ
મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન શરૂ કરવામાં આવશે. ગ્રામ્ય અને શહેરો કક્ષાએ ચેકડેમો, નદીઓ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
Trending Photos
ગાંધીનગરઃ એક તરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર આ કોરોના વાયરસને રોકવાની સાથે ખેડૂતો, મજૂરો સહિતના લોકોને પણ વધુ મુશ્કેલી ન પડે તે માટે અનેક નિર્ણયો લઈ રહી છે. આજે પણ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની જાણકારી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી હતી.
રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન થશે શરૂ
મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન શરૂ કરવામાં આવશે. ગ્રામ્ય અને શહેરો કક્ષાએ ચેકડેમો, નદીઓ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્ય 10 જૂન સુધી કરવામાં આવશે. ખેડૂતો પણ કોઈપણ જાતની કિંમત વગર ખેતર માટે માટી લઈ શકશે. આ કામગીરી દરમિયાન કોરોના ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ યોજનામાં ખેડૂતોને માટી, શ્રમિકોને રોજગારી મળશે તથા રાજ્યમાં પાણી સંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે.
ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરશે રાજ્ય સરકાર
રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉન વચ્ચે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 27 એપ્રિલથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. તેના માટે 27 એપ્રિલથી 10 મે સુધી રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલશે. આ માટે નોંધણી કરાયેલા ખેડૂતોને અગાઉથી જાણ કરવામાં આવશે તે તારીખે ખેડૂતોએ આવીને ઘઉંનું વેચાણ કરવાનું રહેશે.
ગુજરાતમાં પહેલા દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું : વિજય નહેરા
તો અશ્વિની કુમારે માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં ગઈકાલથી ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી 29 હજાર 800 જેટલા ઉદ્યોગો ગુજરાતમાં કાર્યરત થઈ ગયા છે. તેનાથી 1 લાખ 80 હજાર લોકોને રોજગારી મળશે. તેમણે કહ્યું કે, મોટાભાગના ઉદ્યોગ, અમદાવાદ, રાજકોટ, કચ્છ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં છે.
તો તેમણે કહ્યું કે, આજે એન.એફ.એસ.એના કેટલાક લાભાર્થીઓના ખાતામાં એક હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. જેમાં ડાંગ, ગીર સોમનાથ, નર્મદા, દ્વારકા, નવસારી, પોરબંદર, તાપી, વલસાડ જેવા જિલ્લાનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે