દુકાનદારો વસ્તુઓનો સંગ્રહ ન કરે, લોકો પણ સંગ્રહખોર ન બને: ધર્મેન્દ્રસિંહ જાડેજા
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે, હાલારવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો છે લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે
Trending Photos
મુસ્તાક દલ, જામનગર: ગુજરાત રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ સમયે આજે જામનગરના સરકીટ હાઉસ ખાતે ગુજરાત રાજયના અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજયભરમાં અન્ન અને પુરવઠાની સ્થિતિ સંબંધે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અનાજનો પુરવઠો પર્યાપ્ત રીતે મળી રહે અને લોકોને કોઇ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી સતત નિરીક્ષણ કરી અને સંપૂર્ણ પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પાર પાડી લોકોની સેવા કરવા રાજય સરકાર તત્પર છે.
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે, હાલારવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો છે લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે અને જ્યારે સસ્તા અનાજની દુકાનો પર પહોંચે ત્યારે વ્યવસ્થિત અંતરે ઊભા રહી દુકાન પરથી પરિવાર માટે અનાજ પ્રાપ્ત કરે. જેથી કોરોનાના સંક્રમણની સાંકળ પણ આગળ ન વધે અને દરેક પરિવારોને પોતાની જીવનજરૂરી આવશ્યક વસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ય બની રહે. સાથે જ દુકાનદારો કોઈપણ પ્રકારની અનાજ, કરીયાણાની અન્ય વસ્તુઓનો સંગ્રહ ન કરે અને લોકો પણ પોતે સંગ્રહખોર ન બને, જીવનજરૂરી તમામ આવશ્યક વસ્તુઓ સરકાર દ્વારા આ સંપૂર્ણ લોકડાઉનના સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી ખાતરી રાજ્યમંત્રીએ આપી હતી.
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 60 લાખ રેશનકાર્ડધારક પરિવારોના 3 કરોડ 25 લાખ લાભાર્થી પરિવારોને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય હેઠળ સસ્તા અનાજના દરોની દુકાન પરથી મફત અનાજ આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ પ્રકારે રાશનકાર્ડ ધારક પરિવારોને અનાજ પૂરું પાડવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે