આ વ્યક્તિએ લુક બદલવા 20 કિલો વજન વધારી નાખ્યું, કારણ છે 'રાહુલ ગાંધી', જાણો સુરતનો રસપ્રદ કિસ્સો
પ્રશાંત શેટી નામનો યુવક જે 2014માં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવો દેખાતો તેણે 2019માં પોતાનો લુક સાવ બદલી નાંખ્યો છે.
Trending Photos
તેજશ મોદી, સુરત: અભિનેતા, ક્રિકેટર હોય કે પછી કોઈ રાજનેતા, જો કોઈ વ્યક્તિનો ચહેરો આવી જ કોઈ સેલિબ્રીટી સાથે મળતો આવતો હોય તો તે વાત તે વ્યક્તિ માટે ખુશી વાત હોય છે, અને તે વ્યક્તિ તેનો ગર્વ પણ લેતો હોય છે, પરતું જો કે કોઈ વ્યક્તિનો ચહેરો કોઈ સેલિબ્રિટી સાથે મળતો આવે પણ તેનાથી તે વ્યક્તિ કંટાળી પોતાનો લુક જ બદલી નાંખવાનો પ્રયાસ કરે તો તેને શું કહી શકાય? જી હાં... આવી ઘટના બનવી આમતો મુશ્કેલ છે, પરતું સુરતમાં કંઇક એવું બન્યું છે. પ્રશાંત શેટી નામનો યુવક જે 2014માં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેવો દેખાતો તેણે 2019માં પોતાનો લુક સાવ બદલી નાંખ્યો છે.
આ અંગે પ્રશાંતે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું અત્યારે 30 વર્ષનો છું. મારો ચહેરો જો તમે ધ્યાન પૂર્વક જુઓ તો તમને લાગશે કે થોડો થોડો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળતો આવે છે. જોકે ખરેખર આ મારો ઓરીજીનલ નથી, હું જ્યારે સ્કુલમાં ભણતો હતો ત્યાર થી જ મને અનેક લોકો કહેતા હતાં કે તમારો ચહેરો રાહુલ ગાંધી સાથે મળતો આવે છે, જોકે આ વાતને સામાન્ય રીતે ગણી હતી, પરતું પાંચ વર્ષ પહેલા એટલે કે 2014ની લોકસભાની ચુંટણી સમયે અચાનક પ્રશાંત ચર્ચામાં આવ્યો હતો, પ્રશાંતના નોનવેજના ફૂડ સ્ટોલ પર આવનારા લોકો તેને રાહુલભાઈ કહીને બોલાવતા હતાં. પ્રશાંતે કહ્યું કે, હું તેનાથી ખુશ, પણ ઉત્સાહી નહીં. કારણ કે સીધી રીતે હું કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી.
પ્રશાંતે કહ્યું કે, મને પહેલા તો રાહુલભાઈ કહીને લોકો બોલાવતા હતાં પરતું ત્યાર બાદ પપ્પુ કહેવા લાગ્યા હતાં, જે મને જરા પણ ગમતું નહીં, આ બધુ વધવા લાગ્યું હતું જેથી મેં વિચાર કર્યો કે હવે થોડું લુક બદલવું જોઈએ, જેથી વર્ષ 2016-17માં લૂક બદલવાનું શરુ કર્યું. જેમાં સૌથી પહેલા મેં મારું વજન વધાર્યું અને ત્યાર બાદ હેર સ્ટાઈલ પણ બદલી નાંખી. વજન છેલ્લા બે વર્ષમાં અંદાજે 20 થી 25 કિલો વધતા અને હેર સ્ટાઈલ બદલાતા મારા લુકમાં થોડો બદલાવ આવ્યો છે, જોકે ધ્યાન પૂર્વક જોવામાં આવે તો રાહુલ ગાંધી જેવો દેખાઉં છું, કારણ કે કેટલીક વસ્તુઓ તમે બદલી શકતા નથી.
પ્રશાંતે એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, લુક બદલવા પાછળના બે કારણ હતાં જેમાં એક તો રાહુલ ગાંધીને પસંદ કરતો નથી. અને બીજું એ કે હું નરેન્દ્ર મોદીને પસંદ કરું છું. આ અત્યારની વાત નથી કે નરેન્દ્ર મોદી મને પસંદ છે, 2014 પહેલા જ્યારે તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે પણ હું નરેન્દ્ર મોદીનો ફેન હતો, અને અત્યારે પણ છું, કારણ કે તેમને ગુજરાત અને ભારત માટે ઘણું સારું કામ કર્યું છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેની તેમની કામગીરી મને ખુબ પસંદ છે.
જોકે જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યું કે રાહુલ ગાંધી 2019માં વડપ્રધાન બને છે તેવો દાવો કોંગ્રેસના લોકો કરે છે, તો શું એવું થાય તો ફરીથી રાહુલ જેવા લુકમાં આવશો? ત્યારે પ્રશાંતે હસતાં હસતાં કહ્યું કે, એવું હવે ક્યારેય નહીં બને, તેઓ રાહુલ જેવો લુક ફરી ક્યારે નહીં અપનાવે. જોકે તેમને એ જરૂર કહ્યું હતું કે વજન વધી જવાથી તેઓ અને પરિવારજનો ચિંતિંત છે, અને હવે ફરી વજન ઘટાડવાની દિશામાં વિચારી રહ્યો છે.
અહીં એ પણ મહત્વની વાત છે કે રાહુલને વડાપ્રધાન પર બની રહેલી પીએમ નરેન્દ્ર મોદી નામની ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. આ અંગે પ્રશાંતે જણાવ્યું હતું કે ગત ઓક્ટોબર 2018માં મુંબઈથી એક વ્યક્તિની નરેન્દ્ર મોદીની ફિલ્મમાં રાહુલ ગાંધીનો રોલ નિભાવવા માટેની ઓફર કરવામાં આવી હતી, જોકે મેં નાં પાડી દીધી હતી, કારણ કે હું કોઈ કોન્ટ્રવર્સીમાં પાડવા માંગતો નથી, સાથે બિઝનેસ સારો ચાલતો હોવાથી સમય નથી, તો અભિનય કરવો ખુબ અઘરું છે. આથી મે ના પાડી હતી, તેમણે એક વખત મુંબઈ આવાનો આગ્રહ પણ કર્યો હતો. પરતું હું ગયો જ ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે