ભાવનગર : સર ટી. હોસ્પિટલમાં શરૂ કરાઈ પોસ્ટ કોવિડ ઓપીડી

ભાવનગર : સર ટી. હોસ્પિટલમાં શરૂ કરાઈ પોસ્ટ કોવિડ ઓપીડી
  • આ ઓ.પી.ડી.માં કોરોના થયા બાદની સમસ્યાઓનું નિદાન અને સારવાર કરાશે
  • અગાઉથી નિદાન અને ઝડપથી સારવાર મળવાથી દર્દીઓને લાંબા ગાળાની તકલીફથી બચાવી શકાશે

નવનીત દલવાડી/ભાવનગર :કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓના ડિસ્ચાર્જની સંખ્યા વધી છે. ત્યારે ભાવનગરની સર.ટી હોસ્પિટલના ટીમની આગવી સૂઝબૂઝ ફરી એક વખત કોરોના મુક્ત દર્દીઓની સાર સંભાળ કેવી રીતે લઈ શકાય તે માટે આગળ આવી છે. 

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ અજગરી ભરડો લીધો છે. ત્યારે ગુજરાતમાં પણ બીજી લહેરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો અને હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં હતાં. અનેક હોસ્પિટલોએ કોરોનાની બીજી લહેરને ટાળવા મોટી કામગીરી કરી. ભાવનગરની સરટી હોસ્પિટલમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. હવે વાત એ છે કે, એક વખત કોરોના પોઝિટિવ આવ્યા પછી દર્દીએ પ્રાઇવેટ કે સરકારી દવાખાનામાં દાખલ થઇ કે હોમ આઇસોલેટ થઈને સારવાર લીધી હોય તેવાં તમામ દર્દીઓમાં કોવિડ પછી પણ તકલીફો ઉભી થતી હોય છે જે નીચે મુજબ હોઇ શકે છે. 

કોવિડ રોગનાં કારણે થતી પોસ્ટ કોવિડ સમસ્યાઓ 

• કોવિડ દરમ્યાન સારવારમાં આપવામાં આવતી અલગ- અલગ દવાઓની નજીકની તેમજ દૂરોગામી અસરો અને આડઅસરો જે ગંભીર પ્રકારની હોય શકે અને અમુક સંજોગોમાં જીવલેણ હોઇ શકે. 

• કોવિડ સાથે અન્ય રોગો (કો=મોર્બિડ કંડિશન્સ) દા. ત. બ્લડ પ્રેશર, ડાયબિટીસ, કેન્સર તેમજ અન્ય ગંભીર રોગથી પીડાતા હોવાના કારણે ઉભી થતી તકલીફો તથા તેનાં નિયંત્રણ અંગેની સમસ્યાઓ 

• આ ઉપરાંત અન્ય કોમ્પ્લીકેશન્સ જેવાં કે Fungal Infection, Neurological Issues, Psychological Issues, રુધિરાભિસરણ પ્રક્રિયામાં કોઇ અવરોધ ઉભો થવો વગેરે. 

આ તમામ દર્દીઓના સમય સર ફોલોઅપ કરી તપાસ અને નિદાન કરવામાં આવે તો તાત્કાલિક નિદાન થઇ શકે અને તેને અનુરૂપ સારવાર તાત્કાલિક શરૂ કરી શકાય. અગાઉથી નિદાન અને ઝડપથી સારવાર દ્વારા દર્દીઓને લાંબા ગાળાની તકલીફથી બચાવી શકાય. આ માટે કોરોનામાં સારવાર લઈને સાજા થયેલા દર્દીઓને સમયસર જાણકારી મળે અને યોગ્ય તપાસ થાય તેવા આશય સાથે સર ટી. હોસ્પિટલ ખાતે આગામી સોમવારથી પોસ્ટ કોવિડની ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી રહી છે. 

જેમાં કોરોના મુક્ત દર્દીઓને તપાસી તેને યોગ્ય સારવાર અને સલાહ આપવામાં આવશે. જેથી ભૂતકાળમાં જે દર્દીઓને કોરોના હતો તેવા દર્દીઓએ આ ઓ.પી.ડી. નો લાભ લેવો જેથી ભવિષ્યમાં થતાં મ્યુકોરમાયકોસિસ, ફુગ, લોહી ગંઠાઈ જવું, શરીરમાં રહેલી નબળાઈ, ટી.બી. જેવી બીમારીથી બચી શકાય. આ માટે જરા પણ ડર રાખ્યા વિના ઓ.પી.ડી. નો લાભ લેવા હોસ્પિટલ ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઓ.પી.ડી.માં તજજ્ઞ ફિઝિશયન, ઇ.એન.ટી. સર્જન, આંખનાં સર્જન તેમજ જરૂર જણાય બીજા નિષ્ણાંત તજજ્ઞ દ્વારા સેવા આપવામાં આવશે. 

કોવિડ બાદ રજા આપવામાં આવેલ દર્દીઓને પ્રથમ માસ દરમ્યાન દર અઠવાડીયે અને પછીથી દર પંદર દિવસે ત્રણ માસ સુધી આ સ્પેશિયલ પોસ્ટ  કોવિડ ઓ.પી.ડી. ખાતે તપાસ માટે આવવાં સલાહ આપવામાં આવશે.  ઉપરાંત જો તાત્કાલિક સારવારની જરૂર પડે તો ૨૪ X ૭ સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર ઉપલબ્ધ રહેશે.  જેનો જાહેર જનતાનો લાભ લેવાં સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબી અધિક્ષક એ અનુરોધ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news