ચોટિલા પાસે અમદાવાદની મહિલા ટીવી પત્રકાર સામે પોલીસે અશ્લીલ ઈશારા કર્યા
તરણેતરના મેળાનું રિપોર્ટિંગ કરીને પરત ફરતી મીડિયા ટીમ સાથે પોલીસનો ખરાબ વ્યવહાર, પોલીસજીપમાં બેસેલા 4 કર્મચારી નશાની હાલતમાં હતા
Trending Photos
સુરેન્દ્રનગરઃ ચોટિલા પાસે હાઈવે ઉપર પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમ દ્વારા અમદાવાદની મહિલા ટીવી પત્રકાર સાથે બેહૂદું વર્તન કરવામાં આવ્યું હતું. શુક્રવારે રાત્રે તરણેતરના મેળાનું રિપોર્ટિંગ કરીને પરત ફરી રહેલી મીડિયા ટીમની સાથે પોલીસ દ્વારા અત્યંત ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. મીડિયા ટીમે જ્યારે પીછો કરીને પોલીસ જીપને રસ્તામાં રોકી તો જીપમાં બેસેલા ચારેય પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાયા બાદ નશાખોર પીઆઈ સહત 4 પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક ખાનગી ટીવી ચેનલની અમદાવાદની મીડિયા ટીમ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા તરણેતરના મેળાનું રિપોર્ટિંગ કરવા ગઈ હતી. ટીમની સાથે એક મહિલા પત્રકાર પણ કારમાં હતી. આ ટીમ શુક્રવારે મોડી રાત્રે પરત ફરી રહી હતી ત્યારે ચોટીલા નજીક હાઈવે ઉપરથી પસાર થઈ રહેલી પોલીસની જીપમાંથી મહિલા પત્રકાર સામે અશ્લિલ ઈશારા કરવામાં આવ્યા હતા.
નાગરિકોની રક્ષક એવી પોલીસ દ્વારા અશ્લીલ ઈશારા કરાતાં ચોંકી ગયેલી મહિલા પત્રકારે પોલીસ જીપનો પીછો કરાવીને તેને માર્ગમાં અટકાવીને પુછવામાં આવ્યું હતું. જ્યારે પોલીસજીપને અટકાવી ત્યારે ચારેય પોલીસ કર્મચારી સંપૂર્ણપણે નશાની હાલતમાં હતા અને સારી રીતે બોલી શકવાની સ્થિતીમાં પણ ન હતા. પોલીસને જ્યારે ખબર પડી કે આ મીડિયાના માણસો છે ત્યારે પોલીસે જીપ ભગાવી મુકી હતી.
આથી મીડિયા ટીમે ફરીથી પોલીસનો પીછો કરવાની સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. આગળ જઈને જ્યારે ફરીથી આ પોલીસજીપને મીડિયા ટીમ દ્વારા રોકવામાં આવી તો અશ્લીલ ઈશારા કરનારા પીઆઈએ ફરીથી ગેરવર્તણુક કરી હતી. મીડિયા અને કેમેરા જોઈને તેણે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નશાની હાલત સ્પષ્ટપણે જણાતી હતી.
(મહિલા ટીવી પત્રકાર સામે અશ્લીલ ઈશારા કરનારો પોલીસ કર્મચારી)
આ પોલીસને શોધવા માટે મીડિયાને ધારાસભ્યની મદદ લેવાની ફરજ પડી હતી. તેમણે પોલીસ જીપનું પગેરું શોધી આપ્યું હતું. આ સમગ્ર મામલો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસે પહોંચતા ગૃહમંત્રીએ કડક પગલા લેવા આદેશ આપ્યા હતા.
ત્યાર બાદ ચોટીલા પોલીસના પીઆઈ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને મીડિયા સાથે ખરાબ વર્તન કરનાર નશાખોર PI સહિત 4 પોલીસકર્મીની ધરપકડ કરી લેવામાં આવી છે. સબસલામતની ગુલબાંગો પોકારતી સરકારની પોલીસ જ જ્યારે મા-દીકરીઓ સાથે આવો દુર્વ્યવહાર કરતી હોય ત્યારે સામાન્ય માણસની સુરક્ષા કેટલી મજબુત છે તે બાબતની આ ઘટના પોલ ખોલે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે