યુવાધનને બરબાદ કરનારા ગાંજા કીંગને પકડવા Surat ક્રાઈમબ્રાંચનું સ્પેશિયલ ઓપરેશન
માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરમાં ગાંજાની સૌથી વધુ સપ્લાય કરી યુવાધનને બરબાદ કરનારા તત્વો સામે નાર્કોટિસ્ટ વિભાગે લાલ આંખ કરી છે. અને નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત એવા સુનીલ પાંડીને પોલીસે ઓરિસ્સાથી દબોચી લીધો છે. છેલ્લા પાંચ વર્ષમાં નાકે દમ લાવનારો આ શખ્સ ગોરખધંધો કરી કરોડોની બેનામી સંપતી એકઠી કરી ચૂક્યો છે. જોઈએ આ રિપોર્ટ.
Trending Photos
ઓરિસ્સાનો કુખ્યાત ગાંજા કિંગ સકંજામાં
યુવાધનને બરબાદ કરનારા પાંડી બંધુ
ક્રાઈમબ્રાંચના સ્પેશિયલ ઓપરેશનમાં ઝડપાયો
સુરતઃ સુરત રેલવે સ્ટેશન પર અવારનવાર ગાંજાની હેરફેરનો પર્દાફાશ થતો હોય છે. ટ્રેન મારફતે યુવાધનને બરબાદ કરનારો સામાન લાવવામાં આવતો હોય છે. અને આ જ ગાંજાનો સૌથી મોટો સપ્લાયર અઁતે પોલીસ સકંજામાં આવી હયો છે. જી હાં તમે જેને જોઈ રહ્યા છો તે છે ઓરિસ્સાનો કુખ્યાત ગાંજા સપ્લાયર સુનિલ પાંડી, પોતાના ભાઈ સાથે મળીને તે ગાંજાનું નેટવર્ક ચલાવતો હતો. સુરત પોલીસે ઓરિસ્સાથી આ ગાંજા સપ્લાયરને ઝડપી પાડ્યો છે અને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓરિસ્સામાં પાંડી બંધુનું ગાંજાનું મોટું નેટવર્ક
છેલ્લા ઘણાં સમયથી સુનીલનું ગાંજાનું મોટામાં મોટું નેટવર્ક સુરતમાં ચાલી રહ્યું છે. પોલીસ પણ આ પાંડી બંધુઓને પકડવાની ફિરાકમાં હતી. સુનિલ પાંડી અને અનિલ પાંડી ઓરિસ્સાના ગંજામના રહેવાસી છે. 28 વર્ષની ઉંમરથી સુનીલ પાંડી ગાંજાનું નેટવર્ક ચલાવતો હતો. સુનીલનો ભાઈ અનિલ પાંડી ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો અન્ય રાજ્યોમાં સપ્લાય કરતો હતો. સુનીલ પાંડી સામે ગાંજાના ચાર અને અનિલ પાંડી સામે છ ગુના નોંધાયા છે. ઓરિસ્સામાં પાંડી બંધુઓનો રાજકારણીઓ અને પોલીસ સાથે ઘરોબો હોવાથી ગાંજાની હેરફેર સરળતાથી કરતો હતો. ઓરિસ્સાથી રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં ગાંજાનું સપ્લાય કરતાં હતાં અને ઘણાં સમયથી પોલીસ આ બંનેને શોધતી હતી.
સ્થાનિક પોલીસની મદદથી અગાઉ ભાગી ગયેલો સુનીલ પાંડી
સુરત ક્રાઇમ બ્રાંચ અગાઉ પણ સુનિલને પકડવા માટે તેના વતન ગઈ હતી. ત્યાં સુરત પોલીસે સ્થાનિક પોલીસની મદદ માંગી હતી, જોકે સુનિલ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો, પોલીસ અને રાજનેતાઓ મદદ કરતાં હોવાથી સુરત ક્રાઇમબ્રાંચે આ વખતે સ્થાનિક પોલીસની મદદ લીધી ન હતી. તેથી આ વખતે સુરત ક્રાઈમબ્રાંચની ટીમ ખાનગી વાહનમાં ગઈ હતી. અને ખાનગી વાહનમાં જ સ્થાનિક પોલીસની મદદ વગર ઓરિસ્સામાં સુનીલ પાંડીના ફાર્મ હાઉસ બહાર વોચ ગોઠવી હતી અને જેવો સુનીલ પાંડી બાઈક પર આવ્યો અને મોબાઈલ પર વાત કરવા ઉભો રહ્યો સુરત ક્રાઈમબ્રાંચે તેને દબોચી લીધો હતો.
ક્રાઈમબ્રાંચ સુનીલ પાંડીને તેના જ ઘર આંગણેથી દબોચી પોલીસ સુરત લાવી છે. સાથે જ તેના ભાઈ અનિલ પાંડીને પણ પકડી પાડવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. હજુ પણ આ ગાંજા કિંગ સાથે શહેરમાં જોડાયેલા અન્ય મોટા વ્યક્તિઓના નામ બહાર આવે તેવી આશા સેવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે