12 લાખ નહીં આપે તો જાનથી મારી નાખીશ! પત્ની સાથે આડા સંબંધોની શંકામાં યુવકનું અપહરણ
ગત 25 તારીખે પલસાણાના તાતીથૈયા પાસેથી રાજા ભૈયા નામના યુવક અને તેના મિત્રનું અપહરણ કરાયું, બાઈક પર આવેલા 2 લોકોએ છરી બતાવી અપહરણ કર્યુ, તો થોડે દૂર ગયા બાદ રાજા ભૈયાને મિત્રને છોડી દેવાયો.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતના પલસાણામાં આવેલા તાતીથૈયામાંથી યુવકનું અપહરણ કરનારા આરોપીને પોલીસે પકડ્યા પાડ્યા છે, સાથે જ અપહરણ થયેલા યુવકને સહી-સલામત બચાવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે અપહરણ કરનાર અને અપહૃત યુવક બંને એકબીજાને ઓળખે છે. ગત 25 તારીખે પલસાણાના તાતીથૈયા પાસેથી રાજા ભૈયા નામના યુવક અને તેના મિત્રનું અપહરણ કરાયું, બાઈક પર આવેલા 2 લોકોએ છરી બતાવી અપહરણ કર્યુ, તો થોડે દૂર ગયા બાદ રાજા ભૈયાને મિત્રને છોડી દેવાયો. અપહરણ બાદ રાજા ભૈયાના ભાઈ પાસે અપહરણકારોએ 12 લાખની ખંડણી પણ માગી. બે દિવસ સુધી ભાઈનો કોઈ પત્તો ન લાગતા આખરે રાજા ભૈયાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી.
યુવકનું અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાતા પલસાણા પોલીસ પણ એક્શનમાં આવી અને પોતાના બાતમીદારોને એક્ટિવ કર્યા, ત્યારે બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે અપહૃત રાજા ભૈયાને જીવતો છોડાવી લીધો, જ્યારે બે અપહરણકાર ભરત મિશ્રા અને રવિ સિંહ ઉર્ફે લકી બહાદુર સિંહની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજા ભૈયાનું અપહરણ આડા સંબંધોની આશંકામાં થયું હતુ. જીહાં...અપહરણકારો અને પીડિત એકબીજાના ઓળખીતા હતા. આરોપી ભરત મિશ્રાની પત્ની તેને છોડીને જતી રહી હતી. રાજા ભૈયા સાથે પત્નીનું અફેર હોવાની ભરત મિશ્રાને શંકા હતી. અને રાજાને કહેવાથી જ પત્ની જતી રહી હોવાની તેને ખાતરી હતી. પોતાની પત્ની સાથે આડા સંબંધના કારણે જ અપહરણનો પ્લાન ઘડાયો. ભરત મિશ્રાએ મિત્ર સાથે મળી રાજાનું અપહરણ કર્યું. જ્યાં એક ઓરડીમાં ગોંધી રાખીને તેને ઢોર માર્યો, જ્યારે રાજાના ભાઈ પાસે 12 લાખની ખંડણી માગી હતી. અને જો 12 લાખ ન આપે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી.
- પલસાણા વિસ્તારમાંથી યુવકનું કરાયું અપહરણ
- અપહરણ બાદ 12 લાખની માગવામાં આવી ખંડણી
- પત્ની સાથે આડા સંબંધોની શંકામાં અપહરણ કરાયું
- પૈસા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી
- અવાવરું જગ્યાએ ગોંધી રાખી ઢોરમાર પણ મારવામાં આવ્યો
અપહરણની ઘટના બાદ એક્ટિવ થયેલી પોલીસની સમયસૂચકતાના કારણે બંને આરોપી પકડાઈ ગયા છે. જ્યારે ભોગ બનનારને પોલીસે સહીસલામત બચાવી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ભરત મિશ્રા કડોદરાનો માથાભારે અને રીઢો ગુનેગાર છે. એટલું જ નહીં તેની સામે મારામારી અને પ્રોહીબિશન સહિતના 25થી વધુ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આડાસંબંધોની આશંકામાં થયેલા અપહરણની ઘટનામાં પોલીસની સરાહનિય કામગીરીના કારણે એક યુવકનો જીવ બચી ગયો છે, જ્યારે રીઢો ગુનેગાર પણ પોલીસના હાથે ચડી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે