PM Modi Gujarat Visit: મહેસાણામાં PM મોદીએ કહ્યું; 'ઇલેક્ટ્રિક વાહન આવતા જ દુનિયાનું બજાર આ જિલ્લો કબ્જે કરશે'
PM Modi Gujarat Visit: પીએમ મોદી દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિરાટ જનસભા સંબોધશે અને ભાજપનો પ્રચાર કરશે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદી ફરી ઝંઝાવતી પ્રચાર કરશે.
Trending Photos
Gujarat Elections 2022: ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન પીએમ મોદીએ સંભાળી છે, ત્યારે આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ચાર સભા સંબોધશે. આજે પ્રધાનમંત્રી મહેસાણામાં જનસભા સંબોધવાના છે, ત્યારે PM મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા હેલીકોપ્ટર મારફતે સીધા મહેસાણા પહોંચ્યા છે.
મહેસાણાથી PM મોદી Live:
-
પીએમ મોદીએ કહ્યું, આજે મોઢેરા વિશ્વસ્તરે ચમકી રહ્યું છે. યુનાઈટેડ નેશનનાં સેક્રેટરી જનરલ સુર્યમંદિર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. આ માટીએ મને મોટો કર્યો, પાણીએ ઘડ્યો છે. મહેસાણા જિલ્લો રાજકીય રીતે જાગૃત બન્યો છે. મહેસાણા જિલ્લો ભવિષ્ય નક્કી કરે છે.
પીએમ મોદીએ કહ્યું, આટલી મોટી સંખ્યામાં જે આશીર્વાદ આપવા આવ્યા એમને પ્રણામ.. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગયો, આજે ઉત્તર ગુજરાતમાં આવ્યો છું. જ્યાં જવાનું થયું, અને ચારેય તરફથી જે સમાચાર મળે છે. એમ લાગે છે આ ચૂંટણી મોદી નહીં.. ના નરેન્દ્ર ના ભૂપેન્દ્ર નથી લડી રહ્યા. આ ચૂંટણી મંચ પર બેઠેલ નહીં પણ ગુજરાતની જનતા લડે છે. યુવાનોને ધ્વજ હાથમાં લીધો છે, માટે બહેનો મેદાને છે એટલે ફિર એકવાર મોદી સરકારનો નારો છે.
પીએમ મોદીએ કહ્યું, માત્ર ગુજરાતમાં નહીં પણ જ્યાં જઉં છું ત્યાં યુવાનો જે રીતે જાહેર જીવનમાં રસ લેતા થાય છે, એણે દેશના ભવિષ્ય માટે નવો વિશ્વાસ પેદા કર્યો છે. દેશની યુવા પેઢી ભાજપનો ઝંડો લઈને નીકળી છે. આંખે પાટા બાંધીને નથી નીકળ્યા, એ બધું જોઇને સમજીને કરે છે.
પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસનું મોડલ શું હતું, એ એમને ખ્યાલ છે. દેશને આગળ લઈ જવા ભાજપની નીતિ, રીતી અને રણનીતિ કામ આવશે એ એમને ખ્યાલ છે. કોંગ્રેસનું મોડલ એમને ખ્યાલ છે. અરબો ખરાબોનું ભ્રષ્ટાચાર, ભાઈ ભત્રીજાવાદ, પરિવારવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ આજ કોંગ્રેસની ઓળખ.
પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસે સત્તા માટે ભાગલા પાડોની રાજનીતિ કરી. કોંગ્રેસ મોડલ એટલે પરિવારવાદ, કોંગ્રેસના મોડલે ગુજરાતને બરબાદ કરી દીધું. ગુજરાતના યુવાનોને ભાજપ પર ભરોસો છે. બે દાયકા પહેલાની અને ભાજપની પેઢી જુદી છે. સૌનો સાથ સૌનો વિકાસ ભાજપ સરકારનું સૂત્ર સાર્થક બન્યું. બે દાયકા પહેલાની અને આજની પેઢી જુદી છે.
પીએમ મોદીએ કહ્યું, આ જાતિને પેલા સાથે, આ જિલ્લાને પેલા સાથે લડાવો, લોકોને પછાત રાખવાના. ગરીબોને હાથ લાંબા કરીને માગતા રહેવાનું કોંગ્રેસનું મોડલ છે. આ મોડલે ગુજરાતને કર્યું પણ દેશને પણ બરબાદ કર્યું.
પીએમ મોદીએ જણાવ્યું કે, ભાજપ એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતા પક્ષ અને પક્ષ કરતા દેશ મહાન. ભાજપનો મંત્ર છે સૌનો સાથે સૌનો વિકાસ. આ દેશના યુવાનને એટલે જ ભાજપ પર વિશ્વાસ છે. દેશના યુવાનોમાં નવા સપના છે. 20 વર્ષમાં નવી પેઢી બદલાઈ ગઈ, આજની પેઢી જુદી છે. આજે 20, 25 વર્ષના જે છે એમને ખ્યાલ જ નથી કે આ ગુજરાતમાં કેવા અભાવ અને દુષ્કાળના દિવસ હતા.
પીએમ મોદીએ કહ્યું, આ ખાખરીયો પટ્ટો કહેવાય. આ એવી પેઢી છે જેણે વધતા ગુજરાતને જોયો છે. આના માટે કાળી મજૂરી કરી છે. એક એક વસ્તુ માટે ઝઝૂમ્યા છે, કુદરતી પ્રકોપ સાથે ગુજરાતને આગળ વધારી છે. આ નવી પેઢીએ ઉજ્વળ ભવિષ્ય માટે ભાજપ સરકાર ફરી લાવવાનો નિર્ણય કર્યો છે. કોલેજ, સોશિયલ મીડિયા માં આ યુવાનો એક જ વાત બોલે છે, ફાયર એક બાર મોદી સરકાર..
પીએમ મોદીએ કહ્યું, ભૂતકાળમાં ચૂંટણી થાય તો વીજળી, પાણીની વાત થાય. વીજળી, પાણી મુદ્દે સરકારમાં બેઠેલા મોં છુપાવે. કોંગ્રેસ હોય તો ભ્રષ્ટાચાર અને વીજળી, પાણીની અછતની વાત હોય. 20 વર્ષમાં જે કામ કર્યા આપણે એના કારણે આજે વીજળી અને પાણીનો પ્રશ્ન એ નથી પૂછી શકતા. વિધાનસભામાં પૂછવા માટે સવાલ નથી રહ્યા. ગુજરાતની એક એક સમસ્યા દૂર કરતા કરતા આજે અહીં પહોંચ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું, આજે ઉદ્યોગ, મૂડીરોકાણ આવે છે, ત્યારે વીજળી અને પાણીનું જે કામ કર્યું એનું પરિણામ. જીવણ દાદા, કિસાન સંઘ જીવનભર વીજળી માટે લડયું. એ વખતે કોંગ્રેસે વીજળીને બદલે ગોળીઓ દીધી, એ દિવસ તમને ખ્યાલ નહિ હોય, આ કોંગ્રેસનું મોડલ હતું. કોંગ્રેસના રાજમાં લોકો વીજળીના કનેક્શન માગતા. ઠેર ઠેર ડાર્ક ઝોન, પાણી અને વીજળીનું મહાસંકટ. 22 વર્ષ પહેલાં પાવર સેક્ટરમાં જ્યોતિગ્રામ યોજના લાવ્યા.
પીએમ મોદીના ભાષણ દરમિયાન એક સિક્યોરિટીનાં બેન પડી ગયા, એમને પાણી આપીને બેસાડવાની વાત પીએમ મોદીએ સ્ટેજ પરથી કરી હતી. અને કહ્યું, બેન ભાનમાં જ છે, કોઈ ચિંતા જેવું હાલ નથી.
પીએમ મોદીએ કહ્યું, 20 વર્ષ પહેલાં 55 લાખ કનેક્શન આજે વધીને 2 કરોડ કરતાં વધુ થયા. ખેતરમાં વીજ કનેક્શન 5 લાખ હતા. આજે 20 લાખ છે. 55 મેગા વોટથી આપણે 17 હજાર મેગા વોટ સુધી પહોંચ્યા. અંધકાર યુગથી પ્રકાશ યુગમાં આપણે આવ્યા. સૂર્ય શક્તિથી 20 વર્ષ પહેલાં ક્યાંય વીજ નહોતી મળતી, આજે હરણફાળ સ્થિતમાં છીએ. 10 હજાર મેગા વોટ વીજ પવન ઊર્જાથી મળે છે. આજે પાણીથી વીજળી 800 મેગા વોટ પર પહોંચ્યા.
પીએમ મોદીએ કહ્યું, સોલાર રૂફ ટોપમા રાજ્ય આજે પ્રથમ છે. આજે તમે તમારા ઘરમાં વીજળી પેદા કરી વેચી શકો ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. વીજળી ક્ષેત્રે હરણફાળ ભરી એણે ગુજરાતને ઊર્જા આપી, તેજસ્વી બનાવ્યું. આજે જે નેતાઓ ભાષણ કરે છે એમને ઉકેલ કાગળ પર લખતા નાં આવડે. અઠવાડિયામાં એકવાર નળમાં પાણી આવે એટલે એમ થાય કે આજે દિવાળી છે. પાણી એટલું ખરાબ હતું, ઉત્તર ગુજરાતમાં બધાના દાંતમાં ડાઘ હોય, જુવાનીમાં હાડકા નરમ થઈ જાય આ સ્થિતિમાંથી આપણે બધાને બહાર લાવ્યા.
પીએમ મોદીએ કહ્યું, સુજલામ સુફલામ્ યોજના લાવ્યા, બધાને આશંકા હતી, બે વર્ષમાં કાચી કેનાલ બનાવી હતી, ખેડૂતો ત્રણ પાક લેતા થયા હતા. આજે અમે ઘેર ઘેર નળથી જળ લાવ્યા, આ નાની સિદ્ધિ નથી.
પીએમ મોદીએ કહ્યું, ઊંઝા હવે ધમધમી રહ્યું છે. કપાસ અને મગફળીની રેકોર્ડ બ્રેક કિંમત છે. દૂધના ચિલિંગ પ્લાન્ટ નહોતા, વીજળી નહોતી, પણ વીજળી આપી, એટલે આજે દૂધનો ભરાવો થયો. પશુઓની પણ અને ચિંતા કરી. અમે વોટના ભૂખ્યા નથી, પશુ વોટ ના આપે પણ અમે એની પણ ચિંતા કરી, 14 હજાર કરોડનું બજેટ ખર્ચીને પશુને રસી અપાઈ રહી છે. પશુ પાલકને બેંકમાંથી લોન મળે એની ચિંતા આપણે કરી.
પીએમ મોદીએ કહ્યું, ઊંઝા ઉમિયા માતાના ધામમાં ગયો, ખૂબ ઠપકો આપ્યો. રાજકારણમાં કોઈ એવું કહે નહીં પણ તમે મને શીખવાડ્યું. આજે ઊંઝાએ મારી વાત માની દીકરા બરોબર દીકરીઓ આજે જનમે છે. 12 લાખ કરતાં વધુ બહેનો પશુપાલન સાથે જોડાયેલી છે. એમના પૈસા સીધા ખાતામાં જાય છે. બહેનોમાં સામર્થ્ય આવ્યું. આજે ડેરીના વહીવટમાં મહિલાઓ ભાગીદાર છે.
પીએમ મોદીએ કહ્યું, આગામી 25 વર્ષમાં મહેસાણા અને ગુજરાત આત્મનિર્ભર બને. 1930માં અંગ્રેજોએ મહેસાણાથી આબુ રોડ બનાવ્યો, 100 વર્ષથી કોઈને ફાઈલ શોધવાનો સમય નાં મળ્યો. આજે અંબાજીથી તારંગાની નવી લાઈન નાખી. મહેસાણા આટો મારો, શું નથી અહીં? વિકાસ માટે સમૃદ્ધ ક્ષેત્ર ઊભા થયા છે. તમારા આશીર્વાદ મને તાકાત આપે છે.
પીએમ મોદીએ કહ્યું, મારા ઘરે, ગામમાં પરિવારમાં આવ્યો છું ત્યારે મારી એક જ વિનંતી. તમે ચૂંટણી જીતાડવાનું નક્કી કર્યું છે. વધુમાં વધુ મતદાન થાય અને જૂના રેકોર્ડ તૂટે એવું કરશો.
પીએમ મોદીએ કહ્યું, ગામો ગામથી કમળ ખોલાવશો. એક દીકરા પાસે આટલું માગવાનો હકક ખરો કે નહીં. હવે મારું અંગત કામ, કરશો? હજુ 10 દિવસ છે મતદાનને, દરેક ઘરે વડીલોને મળશો. મારો એક સંદેશો આપશો. આપણા નરેન્દ્રભાઈ મહેસાણા આવ્યા હતા, તમને પ્રણામ પાઠવ્યા એટલું કરશો. આ વડીલોના આશીર્વાદ મળે તો મને તાકાત મળશે.
અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરાવવા માટે ધારાસભ્ય જગદીશ પંચાલ, શહેરના કાર્યકારી પ્રમુખ પરેશ લાખણી અને પ્રભારી ધર્મેન્દ્ર શાહ પહોંચ્યા છે. મહત્વનું છે કે, પીએમ મોદી દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિરાટ જનસભા સંબોધશે અને ભાજપનો પ્રચાર કરશે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદી ફરી ઝંઝાવતી પ્રચાર કરશે. આજે પ્રધાનમંત્રી મોદી મહેસાણામાં 12.30 વાગ્યે જનસભા સંબોધશે. આ બાદ તેઓ બપોરે 2.30 વાગ્યે દાહોદમાં, સાંજે 4.30 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં અને 6.30 વાગ્યે ભાવનગરમાં સભાને સંબોધશે.
મહેસાણામાં સભા
આજે મહેસાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાશે. મહેસાણા એરપોર્ટ ખાતે પીએમની જાહેર સભા યોજાશે. વડાપ્રધાન મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોના ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા સંબોધશે. મહેસાણા એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે પીએમની જાહેર સભા માટે જિલ્લા ભાજપ સંગઠન દ્વાર તૈયારીઓને અંતિમ ઓપઅપાઈ રહ્યો છે. ચૂંટણી પૂર્વે આ સભા મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે ખૂબ મહત્વની સાબિત થશે.
મહેસાણા બેઠકનો ઈતિહાસ
- 1962માં સૌપ્રથમ વખત ચૂંટણી યોજાઈ..
- અત્યાર સુધી 14 વખત ચૂંટણી યોજાઈ...
- 2 મહિલા સહિત 9 ધારાસભ્ય મળ્યા..
- 1962થી 1990 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો..
- 1990થી ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ..
મહેસાણા બેઠકનો મતદારો
- 1,12,658 પુરુષ મતદારો
- 1, 03,497 મહિલા મતદારો
- 2,16,149 કુલ મતદારો
- 22.6 ટકા પાટીદાર મતદારો
- 15.8 ટકા ઠાકોર મતદારો
- 12.9 ટકા સવર્ણ મતદારો
- 2.3 ટકા ક્ષત્રિય મતદારો
- 14.2 ટકા ઓબીસી મતદારો
- 5.6 ટકા મુસ્લિમ મતદારો
- 11.7 ટકા દલિત મતદારો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે