માતા હીરાબાને મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થયા
સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ વડા પ્રધાને રાજભવનમાં મનપસંદ શુદ્ધ ગુજરાતી ભોજન લીધું
- વડા પ્રધાને વલસાડમાં ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો
- મોદીએ જુનાગઢમાં મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું
- ગાંધીનગર ખાતે FSUના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી
- પીએમએ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લીધો
- માતા હીરાબાની મુલાકાત
Trending Photos
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યની એક દિવસની મુલાકાત લીધા બાદ રાત્રે 8.30 કલાક બાદ નવી દિલ્હી જવા નિકળ્યા હતા. જોકે, તેમણે અચાનક જ પોતાનો કાર્યક્રમ બદલીને તેઓ માતા હીરાબાને મળવા સરગાસણ પહોંચ્યા હતા. દિલ્હી રવાના થતાં પહેલાં મોદીએ રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લીધો હતો અને ત્યાર બાદ રાજભવનમાં જ ભોજન પણ લીધું હતું
માતા હીરાબાને મળવા પહોંચ્યા મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમમાં દિલ્હી જતાં પહેલાં અચાનક જ ફેરફાર કર્યો હતો. તેઓ ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા વૃંદાવન બંગ્લોઝમાં તેમના મોટાભાઈના ઘરે રહેતા માતા હીરાબાને મળવા માટે વડા પ્રધાન પોતાના કાફલાને લઈને પહોંચી ગયા હતા. સોસાયટીમાં સુરક્ષાની કોઈ ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હોવા છતાં વડા પ્રધાન ત્યાં પહોંચી ગયા હતા. તેમના કોનવોયમાંથી વડા પ્રધાનની ગાડીએ અચાનક રસ્તામાંથી વળાંક લઈ લીધો હતો. વડા પ્રધાનની કાર સાથે માત્ર ત્રણ કાર જ હતી. બાકીનો કોનવોય આગળ રવાના થઈ ગયો હતો. વડા પ્રધાને માતા હીરાબા સાથે 25થી 30 મિનિટનો સમય ગાળ્યો હતો.
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી સભ્યો એવા સાંસદ લાલકૃષ્ણ આડવાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, પરિમલ નથવાણી અને પી.કે. લહેરી હાજર રહ્યા હતા.
વડા પ્રધાને લીધું ગુજરાતી ભોજન
રાજભવનમાં વડા પ્રધાનના પસંદગીનું ભોજન બનાવવામાં આવ્યું હતું. પીએમ મોદીના ભોજનમાં તેમને ભાવતી કઢી-ખીચડી ઉપરાંત ફરસાણ, મિઠાઈ, કોળાનું શાક અને કઠોળનું શાક પીરસવામાં આવ્યું હતું. મોદી રાજભવનમાં ડીનર લીધા બાદ દિલ્હી જવા રવાના થયા હતા.
વડા પ્રધાન રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેતાં પહેલાં ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરટરીનાં વિદ્યાર્થીઓનાં પદવિદાન સમારોહમાં હાજરી આપી હતી. તેમણે 40થી વધુ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા બાદ સમારોહમાં સંબોધન કર્યું હતું.
વડા પ્રધાન મોદી સવારે સુરત ખાતે આવી પહોંચ્યા બાદ વલસાડ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને ત્યાંથી તેઓ જૂનાગઢ ગયા હતા. જૂનાગઢમાં મેડિકલ કોલેજ સહિત અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને ત્યાંથી તેઓ ગાંધીનગર આવી પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે