ગુજરાતમાં PM મોદી : સભામાં કહ્યું, 2014 પહેલા કેન્દ્ર સરકારમાં કોઈ પ્રોજેક્ટ જાય તો યોજના નહિ, પણ મોદી જ દેખાતો...

PM Modi In Gujarat : ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટના આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જેના બાદ તેઓએ જંગી સભાને સંબોધન કર્યુ હતું

ગુજરાતમાં PM મોદી : સભામાં કહ્યું, 2014 પહેલા કેન્દ્ર સરકારમાં કોઈ પ્રોજેક્ટ જાય તો યોજના નહિ, પણ મોદી જ દેખાતો...

PM Modi In Gujarat :ભાજપના મિશન સૌરાષ્ટ્ર પર આજથી કામ શરૂ થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટના આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જેના બાદ તેઓએ જંગી સભાને સંબોધન કરી હતી. જાહેર સભા સ્થળ પર પહોંચીને પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતુ. જનમેદની તરફ નમન કરી અભિવાદન સ્વીકાર્યું. તો સાધુ સંતો તરફ હાથ જોડી નમસ્કાર કર્યું હતું. કે.ડી.પી મલ્ટી-સ્પેશ્યલિટી હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ પીએમ મોદીને પાઘડી પહેરાવી અને રેતી ચિત્ર આપી સ્વાગત કર્યું. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું. 

પોતાના સંબોધનના શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યુ કે, આજે કેડી પરવાડીયા હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થય સેવાને ઉત્તમ બનાવવા મદદ કરશે. કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની એનડીએ સરકાર રાષ્ટ્ર સેવાના 8 વર્ષ પૂરા કર્યા છે. 8 વર્ષ પહેલા તમે મને વિદાય આપી હતી. પરંતુ તમારો પ્રેમ વધતો જાય છે. ગુજરાતની ધરતી પર આવ્યો છું તે માથુ ઝૂકવીને તમામ નાગરિકોનો આદર કરવા માંગુ છું. તમે મને જે સંસ્કાર, શિક્ષા, સમાજ માટે જીવવાની શક્તિ આપી તેના કારણે જ 8 વર્ષ માતૃભૂમિની સેવામાં મેં કોઈ કસર બાકી નથી રાખી. 8 વર્ષમાં એવુ કંઈ નથી કર્યું કે દેશના નાગરિકોને માથુ ઝૂકવવુ પડે. 8 વર્ષમાં પૂજ્ય બાપુ અને સરદાર પટેલના સપનાનુ ભારત બનાવવા ઈમાનદાર પ્રયાસ કર્યાં. બાપુ એવુ ભારત ઈચ્છતા હતા કે દરેક ગરીબ-દલિત-વંચિત-પીડિત-આદિવાસી-માતા-બહેનોને સશક્ત બનાવે. જ્યાં સ્વચ્છતા અને સ્વાસ્થય જીવન પદ્ધતિનો હિસ્સો બને, અર્થતંત્ર સ્વદેશી હોય.

પીએમ મોદીએ સભામાં લોકોને પૂછ્યુ હતુ કે, તમારુ વેક્સીનેશન થયુ, શુ તમને એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો છે? ત્યારે જનમેદનીએ ના માં જવાબ આપ્યો હતો. આગળ તેમણે કહ્યુ કે, આજે દેશ જોઈ રહ્યો છે કે ગરીબોની સરકાર કેવી રીતે કામ કરે છે. કોરોના મહામારીમાં પણ દેશે આ અનુભવ કર્યો છે. અમે ગરીબ કલ્યાણ સર્વોદયને પ્રાથમિકતા આપી. ગરીબો માટે અન્નના ભંડાર ખોલી આપ્યા. અમારી સરકાર સુવિધાને નાગરિકો સુધી પહોંચાડવા અભિયાન ચલાવી રહી છે. દરેકને હક મળવો જોઈએ. અમારી સરકાર સુવિધા અને યોજનાને પહોંચાડવાના કામમાં લાગી છે. રાજ્ય સરકારોને પણ આ કરવા પ્રેરિત કરી રહ્યાં છીએ. અમારો પરિવાર ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત કરશે. આજે જસદણમાં પહેલુ સુપરસ્પેશયાલિટી હોસ્પિટલ બન્યુ છે. મને હોસ્પિટલ જોવાનો, દાતાને જોવાનો મળવાનો મોકો મળ્યો. ટ્રસ્ટીઓએ મને કહ્યુ કે, પાછુ વળીને જોતા નહિ, અહી આવનાર પાછો નહિ જાય. તેમની આ ભાવના જોઈ. ભરત બોધરા અને પટેલ સેવા સમાજે જે કામ કર્યુ છે, તેના માટે તમે સૌ અભિનંદનના અધિકારી છો. આમાઁથી પ્રેરણા લઈ અનેક લોકો સમાજ માટે કંઈને કંઈ કરવાની ઈચ્છા રાખશે. 

પીએમ મોદીએ કહ્યુ કે, મેં હોસ્પિટલનુ ઉદઘાટન તો કર્યુ, પણ એવુ તો ન કહુ ને કે ભરેલી રહે. દર્દી સાજો થઈને પાછો જાય એ કામ આ હોસ્પિટલમાં થશે. ગુજરાતમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયુ છે, જે કામ થઈ રહ્યુ છે, તેના માટે ગુજરાતની ટીમને અભિનંદન. આનો લાભ ગુજરાતના સામાન્ય માનવીને મળશે. રાજકોટમાં એઈમ્સનુ કામ તેજ ગતિથી ચાલી રહ્યુ છે. જામનગરમા વિશ્વનું ટ્રેડિશનલ મેડિસીનનુ મોટુ સેન્ટર બનશે. બાપુડી લોકોને મોજ પડી જશે. બે દાયકા પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી, અને ડોક્ટર બનવાની અનેકની ઈચ્છા હોય ત્યાં માંડ 1100 બેઠક હતી. 2001 પહેલા આ સ્થિતિ હતી, આજે 30 મેડિકલ કોલેજ એકલા ગુજરાતમાં છે અને 8000 મેડિકલ સીટ છે. ગુજરાત અને દેશમાં દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની મારી ઈચ્છા છે. 

તેમણે કહ્યુ કે, ગરીબ માતાપિતાને પણ દીકરો-દીકરી ડોક્ટર બને તેવી ઈચ્છા થાય. આવામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે કે નહિ તેવુ પૂછવામાં આવે. આ અન્યાય હતો. આપણે નિયમ બદલ્યો. ડોક્ટર કે એન્જિનિયર માતૃભાષામાં ભણીને પણ સેવા કરી શકાય છે. મોસાળમાં જમણ હોય અને મા પિરસનારી હોય તેનો અર્થ સમજાવવો ન પડે. વિકાસની આડે આવતી બધી અડચણો અમે દૂર કરી છે. જેથી આજે તેનો લાભ મળી રહ્યો છે. 2014 પહેલા ગુજરાતમાં એવા અનેક પ્રોજેક્ટ હતા, અને દિલ્હીની સરકારને આપણા પ્રોજેક્ટ દેખાતા ન હતા, તેઓને પ્રોજેક્ટમાં મોદી દેખાતા. તેથી બધા પ્રોજેક્ટ કેન્સલ કરતા. બધાને તાળા વાગી જતા. તેઓ મા નર્મદાને રોકી બેસ્યા હતા, સરદાર પટેલ ડેમ બાંધવા ઉપવાસ કરવા પડ્યા હતા. આજે સરદાર સરોવર પણ બન્યુ, અને નર્મદા કચ્છની ધરતી સુધી પહોંચી. 

વધુમાં કહ્યુ કે, ગુજરાતની ઓળખ સાહસિક સ્વભાવ, ખમીરવંતુ જીવન અને પાણીના અભાવ વચ્ચે જીવનારો ગુજરાતનો નાગરિક ખેતીમાં ડંકો વગાડી રહ્યો છે. આ ગુજરાતની તાકાત છે. તાકાતને પ્રગતિના પંથે લઈ જવા સરકાર દિલ્હી કે ગાંધીનગરમાં ગમે ત્યા બેસી હોય આપણે ચારેતરફ આગળ વધી રહ્યાં છીએ. આજે આરોગ્યની સુવિધા વધી રહી છે ત્યારે મારા તરફથી આ વિસ્તારના નાગરિકોને શુભેચ્છા છે. દિલ્હીમાં એક દીકરો એવો બેસ્યો છે કે માતાઓને દુખ ન પડે. આયુષ્યમાન યોજના તેના માટે ચલાવી છે. મને ખુશી છે કે આ હોસ્પિટલમાં આવનાર દર્દીને આયુષ્યમાન કાર્ડ યોજનાનો ફાયદો મળશે. તમારુ સ્વાસ્થય ઉત્તમ રહે, ગુજરાતનો દરેક બાળક તંદુરસ્ત રહે, આવતીકાલ તંદુરસ્ત રહે તેવા સૌને અભિનંદન. હજારો બહેનો તડકામાં કળશ માથે લઈને મને આર્શીવાદ આપતા હતા, પોતાના ઘરનો અવસર હોય તેમ આવ્યા તે તમામ માતા-બહેનોને પ્રણામ.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યુ હતું કે, રાજકોટના આટકોટમાં આજે આનંદનો અવસર છે. આટકોટમાં પ્રધાનમંત્રી આજે છે અને 8 વર્ષ તાજેતરમાં જ પૂર્ણ કર્યા છે. આ હોસ્પિટલ સમગ્ર જસદણ માટે આર્શીવાદ સમાન બની રહેશે. આ એક ગરીબોના સ્વાસ્થય સેવાનો યજ્ઞ છે. 
 

No description available.

આટકોટના વિરનગર ગામથી મોટી સંખ્યામાં PM ના સ્વાગત કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિરનગરની મહિલાઓ એક જ ડ્રેસ કોડમાં જોવા મળી હતી. મહિલાઓ ડીજેના તાલે માથે કળશ મૂકી ગરબે ઘૂમી હતી. પીએમના આગમન પ્રંસગે 75 જેટલા ટ્રેક્ટર શણગારાયા છે. તો સાથે બાઈક અને ફોરવ્હીલરના વિશાળ કાફલા સાથે વિરનગરથી રેલી નીકળી હતી.સમગ્ર આટકોટમાં આજે ઉત્સવ જેવો મહોલ છવાયેલો જોવા મળ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news