ખરેખર ગુજરાતમાં બન્યો સ્પેશ્યલ-26 જેવો કેસ! રેડના નામે પાવીજેતપુરમાં જુઓ કેવી થઈ દિલધડક લૂંટ

ફતેહસિંગભાઈ ને લાગ્યું કે આ લોકો દવા લેવા માટે આવ્યા હશે તેથી તેઓ ઘરે જઈને જોયું તો બે કાર તેમજ એક બુલેટ જેવું ઘરની બહાર પાર્ક કરેલું હતું અને ૭ જેટલા માણસો તેઓના ઘરના ઓટલા ઉપર બેઠેલા હતા. 

ખરેખર ગુજરાતમાં બન્યો સ્પેશ્યલ-26 જેવો કેસ! રેડના નામે પાવીજેતપુરમાં જુઓ કેવી થઈ દિલધડક લૂંટ

છોટાઉદેપુર: અક્ષયકુમારની ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે એક આદિવાસીના ઘરે ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં બે કાર અને એક બુલેટ લઈ 7 માણસો આવી નકલી ઇન્કમટેક્સની રેડ કરી તિજોરીઓ તેમજ મગફળીના ગોતામાં મુકેલા રોકડા રૂપિયા 4 લાખ તેમજ એક મોબાઈલ મળી કુલ 4,05,000/-ની લૂંટ કરી ઈસમો ફરાર થયા હતા.

પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે રહેતા ખેડૂત ફતેસિંગભાઈ લાલસીંગભાઇ રાઠવા રવિવારે અને ગુરુવારે બહાર ગામના માણસોને આયુર્વેદિક દવાઓ આપે છે. ગઈ કાલે સાંજના સમયે ૪:૩૦ વાગ્યાના અરસામાં તેઓ પોતાના ભાઈ મેઘાભાઈના ઘરે ગયા હતા ત્યારે તેઓની પુત્રવધુ ફતેસિંગભાઈ ને બોલાવવા આવી હતી અને કહેવા લાગેલ કે સાહેબો જેવા માણસો આવ્યા છે. ફતેહસિંગભાઈ ને લાગ્યું કે આ લોકો દવા લેવા માટે આવ્યા હશે તેથી તેઓ ઘરે જઈને જોયું તો બે કાર તેમજ એક બુલેટ જેવું ઘરની બહાર પાર્ક કરેલું હતું અને ૭ જેટલા માણસો તેઓના ઘરના ઓટલા ઉપર બેઠેલા હતા. 

ફતેસિંગભાઈએ આવવાનું કારણ પૂછતા તેમાંથી એક ભાઈએ જણાવેલ કે તમે આયુર્વેદિક દવા આપો છો ? અમે દવા લેવા આવ્યા છે. ફતેસિંગભાઈએ રવિવારે અને ગુરુવારે જ દવા આપું છું તે દિવસે આવજો એમ જણાવ્યું હતું. તેઓએ પૂછ્યું હતું કે તમારી પાસે આયુર્વેદિક દવા આપવાનું લાયસન્સ છે? ત્યારે ફતેસિંગભાઈએ પોતાનું લાયસન્સ બતાવ્યું હતું. ત્યારબાદ તેઓ કહેવા લાગ્યા કે અમે ઇન્કમટેક્સ વિભાગમાંથી દિલ્હી અને ગાંધીનગરથી આવ્યા છે. તમારા વિરુદ્ધ અરજી આવેલ છે. તમે ઇન્કમટેક્સ ભરતા નથી અને તમારા ઘરમાં રૂપિયા છે તેમ કહી ઘરના સભ્યોના બધાના મોબાઈલ લઈ લીધા હતા તેમજ ફતેસિંગભાઈ ના મોટાભાઈ તેમજ તેમનો પુત્ર ઘરમાં આવ્યા ત્યારે તેઓને કહેલ કે તમારી કોઈ જરૂર નથી ઘરની બહાર નીકળો તેમ કહી તેઓને ઘરની બહાર કાઢી દીધા હતા.

ત્યારબાદ નકલી ઇન્કમટેક્સના સાહેબોએ અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26 ની જેમ રેડ ચાલુ કરી હતી. ઘરની બધી તિજોરીઓ તેમજ મગફળીના ગોતા નીચેથી મળી કુલ ચાર લાખ રૂપિયા રોકડા બહાર કાઢ્યા હતા તેમજ એક મોબાઈલ ૫૦૦૦ ની કિંમતનો લઈ લીધો હતો. ફતેસિંગભાઈ ને કહેવા લાગ્યા કે હવે તમારું ઘર ખોદીને ચેક કરવું પડશે ત્યારે ફતેસિંભાઈએ કહેલ કે તમે કદવાલ પોલીસ સ્ટેશનમાંથી માણસો આવે ત્યાર પછી જ મકાનને ખોદજો. તેમ કહેતાં નકલી સાહેબોએ જણાવ્યું કે આ રૂપિયા દિલ્હી જમા કરાવવા પડશે તેમ કહી ઘરની બહાર નીકળી ગયેલા અને કદવાલ પોલીસ સ્ટેશન જઈએ છીએ તેમ જણાવેલ.

તેઓની પાછળ જતા તેઓએ ફતેસિંગભાઈના પરિવારને રોકી દીધા હતા. ગામના એક સભ્યને સાથે લઈ કદવાલ પોલીસ સ્ટેશન જવાનું છે તેમ કહી પોતાની સફેદ કારમાં બેસાડી લઈ ગયા હતા. જે ભાઈને રસ્તામાં ઉતારી ઘરના સભ્યોના મોબાઈલ આપી ફરાર થઈ ગયા હતા. ફતેસિંગભાઈ ના મોટાભાઈ પોલીસ સ્ટેશન જઈ તપાસ કરતા ત્યાં કોઈ ગાડીઓ હતી નહીં તેમજ કોઈ માણસો પણ ન હતા. 

ફતેસિંગભાઈના મોટાભાઈએ ઘરે જાણ કરતા ખબર પડી હતી કે આ બોગસ માણસો આવી ખોટી ઓળખાણ આપી, નકલી ઇન્કમટેક્સની રેડ કરી, ૪,૦૫,૦૦૦/- ની છેતરપિંડી કરી ગયા હતા જે અંગે કદવાલ પોલીસ સ્ટેશનમાં ફતેસિંગભાઈ રાઠવાએ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ કે.કે. સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

આ બાબતે પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે અક્ષયકુમારના ફિલ્મ સ્પેશિયલ 26મી જેમ નકલી ઇન્કમટેક્ષની રેડ કરી એક ખેડૂતને ત્યાંથી ૪,૦૫,૦૦૦/- છેતરપિંડી કરતા કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news