હવે તમે પણ પાવાગઢ મંદિરના શિખર પર ધજા ચઢાવી શકશો, મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય

Dhaja Offering At Pavagadh Temple : માઈ ભક્તો હવે દક્ષિણા ચૂકવીને આવનારી આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકશે. આ માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણાની રકમ પણ જાહેર કરી

હવે તમે પણ પાવાગઢ મંદિરના શિખર પર ધજા ચઢાવી શકશો, મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :સદીઓ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢ નિજ મંદિર પર ધ્વજારોહણ કરાયુ હતું. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. ત્યારે હવે ભક્તો પણ નવરાત્રિમાં પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકો છો. આ માટે મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. માઈ ભક્તોને ધજા ચડાવવા પાવાગઢ મંદિર ટ્રસ્ટે એક નિર્ણય લીધો. જેમાં હવે માઈભક્તો દક્ષિણા આપીને મંદિર પર ધજા ચઢાવી શકે છે. આ માટે દક્ષિણાના અલગ અલગ ચાર્જ રાખવામાં આવ્યા છે, જે ધજાની અલગ અલગ સાઈઝ મુજબ રાખવામાં આવ્યા છે.  

નવરાત્રિમાં પાવાગઢની મહાકાળી માતાનું ખાસ મહત્વ હોય છે. નવરાત્રિના નવ દિવસોમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો મહાકાળીના દર્શને આવતા હોય છે. ત્યારે હવે મહાકાળીનું મંદિર જીર્ણોદ્વાર બાદ ભક્તોની સંખ્યા વધી ગઈ છે. તેથી શ્રી કાલિકા માતાજીના ટ્રસ્ટ દ્વારા ભક્તોને ધજા ચઢવવાની સુવિધા આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે. માઈ ભક્તો હવે દક્ષિણા ચૂકવીને આવનારી આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર પર ધજા ચઢાવી શકશે. આ માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણાની રકમ પણ જાહેર કરી છે.  

અલગ સાઈઝની ધજા માટે મંદિર ટ્રસ્ટે દક્ષિણા જાહેર કરી છે. માઈ ભક્તો 11 ફૂટથી લઈને 51 ફૂટની ધજા માટે દક્ષિણા જાહેર કરાઈ છે. ભક્તો હવે દક્ષિણા આપી પોતાની મરજી મુજબની ધજા પાવાગઢ મંદિર પર ચડાવી શકશે. ભક્તોમાં ધજારોહણને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાઈડલાઇન જાહેર કરાઈ છે. ધજારોહણ માટે ભક્તોએ દક્ષિણા ચૂકવવી પડશે.

  • 11 ફૂટની ધજા માટે 3100 રૂપિયા દક્ષિણા
  • 21 ફૂટની ધજા માટે 4100 રૂપિયા દક્ષિણા
  • 31 ફૂટની ધજા માટે 5100 રૂપિયા દક્ષિણા
  • 41 ફૂટની ધજા માટે 6,100 રૂપિયા દક્ષિણા
  • 51 ફૂટની ધજા માટે 11000 રૂપિયા દક્ષિણા

26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થતી આસો નવરાત્રીના પહેલા દિવસથી તેનો અમલ કરવામાં આવશે. જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા માંગતા હોય તે યજમાન ભક્તોને મંદિર તરફથી ધજા અને પ્રસાદી, પૂજાપો, ધૂપ આપવામાં આવશે. મંદિરમાં પૂજા કરાવવામાં આવશે અને મંદિર દ્વારા ધજાજીને શિખર ઉપર ચડાવવામાં આવશે. આ ધજા લાલ કલરની અને શ્રી કાલિકા માતાજીના લખાણવાળી હશે. 

મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો કે, મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિના 9 દિવસ દરમિયાન રોજ 5 ધજા ચઢાવાશે. આ સાથે જ જે માઈભક્તે ધજા ચઢાવી હોય તે બાદમાં ધજા પોતાના ઘરે પણ લઈ જઈ શકશે. તેમજ ધજા રાખવા માટેના પણ કેટલાક નિયમો રાખવામા આવ્યા છે. જેમ કે, ધજા ચઢાવનાર યજમાને સાત દિવસ માંસાહારનો ત્યાગ કરવો પડશે. સાથે જ પગપાળા આવતા સંઘોએ ધજા મંદિર પાસેથી જ લેવાની રહેશે. ઘરેથી લાવવામાં આવેલી ધજા ચડાવવા દેવામાં આવશે નહીં. વધુમાં જણાવવામાં આવ્યું છે કે નવરાત્રી સિવાય અન્ય ધાર્મિક દિવસોએ ધજા ચડાવવા ભક્તો ઈચ્છે તો તેની નોંધણી પણ મંદિર શરૂ કરશે. નવરાત્રીના આઠમા નોરતે અને દેવ દિવાળીના બે દિવસે માત્ર એક જ ધજા જે મંદિર દ્વારા ચડાવવામાં આવશે તે જ ધજા આખો દિવસ રહેશે અન્ય કોઈ ધજા ચડાવવમાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news