Breaking News: પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે નહીંઃ સૂત્રો
છેલ્લા કેટલાક સમયથી પાટીદાર નેતા નરેશ પટેલને લઈને ચાલી રહેલી અટકળો પર ગુરૂવારે પૂર્ણવિરામ લાગી શકે છે. પ્રાપ્ત વિગત અનુસાર નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના નથી.
Trending Photos
ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા રાજ્યમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે પાટીદાર આગેવાન નરેશ પટેલ છે. છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી લઈને ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે, કે આમ આદમી પાર્ટી કે ભાજપમાં જોડાશે? પરંતુ હવે નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રી મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
નરેશ પટેલ રાજકારણમાં જોડાશે નહીંઃ સૂત્રો
નરેશ પટેલની રાજનીતિમાં એન્ટ્રીને લઈને છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જે અટકળો ચાલી રહી છે તેના પર ગુરૂવારે વિરામ લાગી શકે છે. સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના નથી. આ અંગે ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ખોડલધામની ત્રણેય સંસ્થાઓની ગુરૂવારે કાગવડમાં બેઠક યોજાવાની છે.
ખોડલધામની બેઠકમાં લેવાશે નિર્ણય
ગુરૂવાર એટલે કે 16 જૂને ખોડલધામની ત્રણેય સંસ્થા જેમાં ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિ ભવન સોમનાથના હોદ્દેદારોની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહેવાના છે. આ બેઠક બાદ નરેશ પટેલ રાજનીતિમાં ન જોડાવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
નરેશ પટેલ યોજી શકે છે પત્રકાર પરિષદ
મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજનીતિમાં એન્ટ્રી કરશે તેવી અટકળો ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને પાર્ટીમાં આવકારવા માટે તૈયાર છે. તો અનેક વખત નરેશ પટેલ આ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ હવે ખોડલધામની ત્રણેય સંસ્થાઓ સાથે બેઠક યોજી નરેશ પટેલ પત્રકાર પરિષદ યોજશે. જેમાં તે તમામ જાહેરાત કરે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે