મગફળીમાં ઢેફાંકાંડનો મુદ્દો ગરમાયો, કોંગ્રેસનો આરોપ કરોડોનું કૌભાંડ, સીએમે કહ્યું ગુનેગારોને થશે સજા

ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બાદ સરકાર પર એકબાદ એક મગફળી ખરીદી અંગે કૌભાંડના છાંટા ઉડી રહ્યા છે. 

  મગફળીમાં ઢેફાંકાંડનો મુદ્દો ગરમાયો, કોંગ્રેસનો આરોપ કરોડોનું કૌભાંડ, સીએમે કહ્યું ગુનેગારોને થશે સજા

અમદાવાદઃ જેતપુરના પેઢલા ગામે મગફળીના ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ધૂળ અને ઢેફાં નીકળતા ફરી એકવાર સરકાર પર ગંભીર આરોપ થયા છે. વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના નેતાઓએ પેઢલા ગામે ધરણાં કરીને તમામ ગોડાઉનમાં રાખેલી મગફળીની તપાસ કરવા માગ કરી છે. સરકાર પર કરોડોનું કૌભાંડ આચર્યાનો આરોપ મુક્યો છે.

ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બાદ સરકાર પર એકબાદ એક મગફળી ખરીદી અંગે કૌભાંડના છાંટા ઉડી રહ્યા છે. ત્યારે હવે જેતપુરના પેઢલા ગામે મગફળીના ગોડાઉનમાં મગફળીમાંથી ધૂળ અને ઢેફાં નીકળતા સરકાર ફસાઈ છે. મગફળી ખરીદીમાં ગોટાળાના આરોપોને લઈ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી નેતાઓએ પેઢલા ગામના જયશ્રી ગોડાઉન ખાતે ધરણાં કર્યા. પરેશ ધાનાણીએ આરોપ મુક્યો કે મગફળી ખરીદીમાં સરકારે 3500 કરોડનું કૌભાંડ આચર્યું છે અને મગફળી કૌભાંડની તપાસ ઉચ્ચ ન્યાયાધીશની સીટિંગ જજ દ્વારા તપાસ થાય તેવી માગ કરાઈ છે. તો આ મામલે મુખ્યપ્રધાને કહ્યું કે ગુનેગારોને કડક સજા કરાશે.

મગફળી કૌભાંડને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ દોઢ લાખ ગુણીનો હિસાબ માગી કલેક્ટર કાર્યવાહી ન કરતા હોવાનો આરોપ મુક્યો છે તો ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરતી હોવાનું કહ્યું છે.

પેઢલા ગોડાઉનમાં મગફળીમાં ઢેફાં નીકળવા મામલે ગુનો પણ દાખલ થયો છે અને 3 લોકોની ધરપકડ પણ કરી લેવાઈ છે. વધુ તપાસ આ મામલે ચાલી રહી છે.

મગફળી કૌભાંડમાં સરકાર અને સ્થાનિક તંત્ર ઢાકપિછોડો કરી રહી હોવાના આરોપ સાથે કોંગ્રેસ હવે આક્રમક બની છે અને સરકાર પર દબાણ વધાર્યું છે. ચીમકી પણ ઉચ્ચારાઈ છે કે આગામી સમયમાં ન્યાયિક તપાસ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news