વાહકજનય રોગોના નિયંત્રણ માટે રાજયસરકાર કટિબધ્ધ, તંત્રને સાંયોગિત તૈયારી કરવા આદેશ
Trending Photos
* રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં આજે મહાઅભિયાન સંપન્ન
* મહાનગરપાલિકાની ટીમો દ્વારા ૪૧૪૩૫૩ ઘરોની મુલાકાત કરી ૯૫૪૩ ઘરોમાં મચ્છરના પોરાનો સ્થળ ઉપર નાશ કરાયો
ગાંધીનગર : રાજયમા વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે રાજય સરકાર કટિબધ્ધ છે એ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન કરી અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં એક મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું. જેમાં મહાનગરપાલિકાની કુલ ૨૧૫૮ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટીમમાં મલ્ટી પર્પસ વર્કર, સેનેટરી ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર અને આશાબેનો દ્વારા આ અભિયાનહાથ ધરીને પરિણામલક્ષી કામગીરી કરવામા આવી છે એમ આરોગ્ય વિભાગની યાદીમા જણાવાયુ છે.
યાદીમા વધુમા જણાવાયાનુસાર ચોમાસા દરમિયાન સામાન્ય રીતે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા મચ્છર જન્ય રોગોમાં વધારો થતો હોય છે. તેને નિયંત્રણમાં રાખવા માટે મચ્છર નિયંત્રણની કામગીરી ખૂબ જરૂરી છે. જેમાં મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે તકેદારી રાખવાની હોય છે. સામાન્ય રીતે મેલેરિયા અને મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના મચ્છરો ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે એટલે જ્યાં વરસાદી પાણી ભરાતું હોય ત્યાં તેમાં પાત્રોમાં પોરા ઉત્પન્ન ના થાય તે માટે સરકાર દ્વારા નિયમિત કામગીરી હાથ ધરવામાં આવે છે તેમાં જન ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે.
રાજયની મહાનગરપાલિકાઓમા યોજાયેલ આ અભિયાનમાં મહાનગરપાલિકાની ટીમો દ્વારા ૪૧૪૩૫૩ ઘરોની મુલાકાત લેવામાં આવી તે પૈકી ૯૫૪૩ ઘરોમાં મચ્છર ના પોરા જોવા મળ્યા. ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો વધુમાં ૮૧૪૭૧ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો. ૭૫૬૯ તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા. આ મહા અભિયાન દરમિયાન ૩૨૬ સુપરવાઇઝરો દ્વારા સંપૂર્ણ કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવ્યું. તમામ જગ્યાએ વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મચ્છર ઉત્પત્તિ ન થાય તેના માટે પ્રચાર અને પ્રસાર હાથ ધરવામાં આવ્યો. આગામી સમયમાં મચ્છર જન્ય રોગોથી કેવી રીતે બચવું જોઈએ તેના માટે પણ પૂરતી સમજ પૂરી પાડવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે