હવે પેપર લીક કરનારને થશે આકરી સજા, બિલને રાજ્યપાલે આપી મંજૂરી, જાણો સજા અને દંડની જોગવાઈ

ગુજરાત જાહેર પરીક્ષા બિલ આજે વિધાનસભામાં પાસ થઈ ગયું છે.  બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સુધારા સાથે વિધેયક વિધાનસભામાં પાસ કરાયું હતું. હવે આ બિલને રાજ્યપાલે પોતાની મંજૂરી આપી દીધી છે. 

હવે પેપર લીક કરનારને થશે આકરી સજા, બિલને રાજ્યપાલે આપી મંજૂરી, જાણો સજા અને દંડની જોગવાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી પરીક્ષા દરમિયાન થઈ રહેલા પેપરલીકને અટકાવવા માટે રાજ્ય સરકારે વિધાનસભામાંથી બિલ પસાર કર્યું હતું. હવે આ બિલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપી દીધી છે. ત્યારે રાજ્યમાં આજથી કાયદો અમલી બન્યો છે. 23 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં બિલ સર્વાનુંમતે પસાર થયું હતું. 

ગૃહમાંથી બિલ સર્વાનુમતે થયું હતું પસાર
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટીમ 182 એ આ નિર્ણય લીધો છે. ગુજરાતના યુવાનો માટે આજે તમામે એક સૂરે નિર્ણય કર્યો છે. તેમના ભવિષ્ય માટે આ બિલ સર્વાનુમતે પસાર કર્યું. તમામ પરીક્ષાઓ આ કાયદો બન્યા બાદ જ લેવાશે. નવો કાયદો અસ્તિત્વમાં આવે એ બાદ જ પરીક્ષાઓ લેવામાં આવશે. છેલ્લે રદ્દ થયેલી પરીક્ષા અને પોલીસ કાર્યવાહીમાં નવો કાયદો લાગુ થઇ શકે નહીં. હસમુખ પટેલને આવનારી પરીક્ષાની જવાબદારી આપી છે.

કોના માટે શું જોગવાઇ રહેશે

1 પેપર ફોડનારાં ખાનગી તત્ત્વોને 1 કરોડનો દંડ, 10 વર્ષની કડક જેલની સજા.

2 પરીક્ષા સાથે સંકળાયેલી એજન્સી અને સરકારી ઇસમો- ત્રણ વર્ષની કડક સજા, બિનજામીનપાત્ર ગુનો, આજીવન ભરતી પરીક્ષા કે અન્ય સરકારી કામો મળવા પર પ્રતિબંધ

3 પેપર ખરીદનારાં ઉમેદવારો- 1 લાખનો દંડ, ત્રણ વર્ષની કડક જેલ, બિનજામીનપાત્ર ગુનો, કોઇપણ ભરતી પરીક્ષામાં બેસવા પર કાયમી પ્રતિબંધ

મહત્વનું છે કે, લોકોમાં દાખલો બેસે તે માટે ગુનાઇત કાવતરા રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે તેથી જામીન સરળતાથી નહીં મળે અને ગુનો ગંભીર કક્ષાનો ગણાશે. કેસ ચલાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાશે, જેથી તેની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય.

ડીવાયએસપી સ્તરના અધિકારી તપાસ કરશે
ગુજરાત વિધાનસભા ગૃહમાં પાસ થયેલા બિલમાં જોગવાઈ કરવામાં આવી હતી કે પેપર લીક કાંડમાં અધિનિયમ હેઠળ કરવામાં આવેલા કોઈ ગુનાની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટરના દરજ્જાથી નીચે નહીં ઉતરતા અથવા તો નાયબ પોલીસ અધીક્ષક એટલે કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news