શાંઘાઈ બનાવવાના ચક્કરમા અમદાવાદના માથે કરોડો રૂપિયાનું દેવુ થઈ ગયું, ડઝનેક પ્રોજેક્ટ્સનું સૂરસૂરિયું નીકળ્યું

Ahmeabad Projects Fail : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના સ્માર્ટ સીટી બનાવવાના નામે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતા. પણ મોટાભાગના પ્રોજેક્ટમાં પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવ્યા બાદ પડતા મૂકવામાં આવ્યા છે, જે પ્રોજેક્ટને આગળ વધારવામાં આવ્યા છે તે પ્રોજેક્ટ પણ બંધ હાલતમાં છે
 

શાંઘાઈ બનાવવાના ચક્કરમા અમદાવાદના માથે કરોડો રૂપિયાનું દેવુ થઈ ગયું, ડઝનેક પ્રોજેક્ટ્સનું સૂરસૂરિયું નીકળ્યું

Ahmedabad Budget 2023 અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટ બનાવવામાં આવે છે અને દર વર્ષે બજેટમાં અમદાવાદની આગળ એક નામ જોડી દેવામાં આવે છે પણ જે નામ જોડ્યું છે તેનો અમલ થાય છે ખરો તે મહત્વનો સવાલ છે. એક દાયકા પહેલાં અમદાવાદ શહેરને ‘ડસ્ટ ફ્રી સિટી’ બનાવવાની જાહેરાત કરાઇ હતી, પછી અમદાવાદ શહેરને શાંધાઇ બનાવવા માટે લિવેબલ અને લવેબલ સિટી બનાવવાની જાહેરાત કરાઇ હતી. પછી બજેટમાં અમદાવાદ શહેરને ગ્રીન સીટી બનાવવાની વાત કરાઇ હતી. છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરાઇ રહી છે, પણ આ વખતના બજેટમાં સ્માર્ટ સિટી શબ્દ શોધ્યો જડતો નથી. હવે અમદાવાદને સ્માર્ટ સિટી કહેવાનું પણ બંધ કરી દેવાયું છે.

સ્માર્ટ ટોયલેટ સ્કીમનું મરણ
સ્માર્ટ સિટીના નામે કરાયેલી જાહેરાતોથી માત્ર ચોક્કસ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે, બીજું કશું જ થઇ રહ્યું નથી. ઉદાહરણ તરીકે, સ્માર્ટ ટોયલેટ સ્કીમ. અમદાવાદ શહેરમાં સ્માર્ટ ટોયલેટના નામે ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરીને ચોક્કસ માનીતી કંપનીને કામ આપી દેવાયું છે. રાજ્ય સરકારે મંજુર કરેલા કોમ્પ્રેહેન્સિવ જીડીસીઆરમાં હોર્ડિગ્સને લઇને સ્પષ્ટ જોગવાઇ છે કે, કોઇપણ જાહેરાતના હોર્ડિગ્સ ગ્રાઉન્ડ ક્લીયરન્સ ત્રણ મીટર હોવું જોઇએ એટલે કે, ગ્રાઉન્ડથી ત્રણ મીટર ઉપર હોર્ડિગ્સ ઉભા કરી શકાય છે. જોકે, સ્માર્ટ સિટી કંપની દ્વારા સ્માર્ટ ટોયલેટના નામે હોર્ડિગ્સ ઉભા કરવામાં ખુલ્લેઆમ જીડીસીઆરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ ટોયલેટ ઉભા કરાયા છે. જેની પાછળના ભાગે એટલે કે, બેકસાઇડમાં મોટા હોર્ડિગ્સ લાગ્યા છે, જે જીડીસીઆરનો ભંગ કરે છે. પણ આજદિન સુધી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રોડની તરફ દેખાય તે રીતે હોર્ડિગ્સ લાગેલા છે, જ્યારે પાછળના ભાગે સ્માર્ટ ટોયલેટ ઉભા કરાયા છે. આ ટોયલેટનો ઉપયોગ થાય છે કે નહીં તે મોટો સવાલ છે. કેમ કે, પાંચ રુપિયાનો સિક્કો હોય તો આ સ્માર્ટ ટોયલેટનો ઉપયોગ થાય છે. જેથી સામાન્ય નાગરિકો તો ઉપયોગ કરતાં નથી. પણ સ્માર્ટ ટોયલેટના નામે ગેરકાયદેસર હોર્ડિગ્સ લગાડીને કોન્ટ્રાક્ટર કરોડો રુપિયા કમાઇ રહ્યાં છે તે વાસ્તવિકતા છે. ગેરકાયદે હોર્ડિગ્સના નામે કરોડો રુપિયાની કમાણી થઇ રહી છે.

આ પણ વાંચો : 

અનેક પ્રોજેક્ટ મૃતપાય હાલતમાં
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના સ્માર્ટ સીટી બનાવવાના નામે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતા. પણ મોટાભાગના પ્રોજેક્ટમાં પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવ્યા બાદ પડતા મૂકવામાં આવ્યા છે, જે પ્રોજેક્ટને આગળ વધારવામાં આવ્યા છે તે પ્રોજેક્ટ પણ બંધ હાલતમાં છે. સ્માર્ટ ટોયલેટની જેમ વોટર એટીએમનો કોન્સેપ્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. શહેરના નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે, કોમર્સ છ રસ્તા પાસે, વસ્ત્રાપુર તળાવ પાસે સહિત 17 સ્થળોએ વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. જેમાં નાગરિકોને રસ્તા ભાવે શુદ્ધ પીવાનું પાણી આપવાનો આશય હતો. જોકે, આ પ્રોજેક્ટ પણ બંધ છે. હાલમાં વસ્ત્રાપુર તળાવ, નવરંગપુરા બસ સ્ટેન્ડ, કોર્મર્સ છ રસ્તા સહિતના મોટાભાગના વોટર એટીએમ બંધ હાલતમાં છે. 

પાર્કિંગ પ્રોજેક્ટનું સૂરસૂરિયું નીકળ્યું
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્માર્ટ પાર્કિગની સિસ્ટમનો પ્રોજેક્ટ અમલી બનાવ્યો હતો. જેમાં શહેરના તમામ સ્ટ્રીટ પાર્કિગ, પે એન્ડ પાર્ક અને મલ્ટીલેવલ પાર્કિગને જોડતી એક પે એન્ડ પાર્ક મોબાઇલ એપ્લીકેશન વિકાસ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ તબક્કામાં ચાર મોલને જોડવામાં આવ્યા હતા. નાગરિક આ એપ્લીકેશન ડાઉનલોડ કરે એટલે તેને સ્પોટ ઉપર પાર્કિગની જગ્યા ખાલી છે કે નહીં તેની માહિતી મળી શકે તેવો આશય હતો. જોકે, ચાર મોલના પાયલોટ પ્રોજેક્ટ બાદ આ પ્રોજેક્ટનું સુરસીરીયું થઇ ગયું હતુ. હાલમાં માત્ર પે એન્ડ પાર્ક મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કોન્ટ્રાક્ટરો કરે છે જેમાં પે એન્ડ પાર્ક પ્રમાણે નાગરિકો પાસે પાર્કિગ ચાર્જ વસુલાય છે. પાર્કિગ ખાલી છે કે નહીં તેવી કોઇ માહિતી મળતી નથી. આ પ્રોજેક્ટ પણ સદંતર ફેલ ગયો હતો. 

આ પણ વાંચો : 

આ પ્રોજેક્ટ્સ પણ ફેલ
આ પ્રકારે આરટીઓથી 132 ફુટના રિંગ રોડ ઉપર 12 કરોડના ખર્ચે એક કિ.મી.ના પટ્ટામાં સ્માર્ટ રોડ બનાવવાનું આયોજન કરાયું હતું. પણ ક્યારેય આ પ્રોજેક્ટની અમલવારી થઇ શકી ન હતી. શહેરમાં 150થી વધુ સ્થળોએ ફ્રી વાઇફાઇ પ્રોજેક્ટ અમલી બનાવ્યો હતો જેમાં પહેલાં દૈનિક 15 હજારથી વધુ યુઝર્સ ઉપયોગ કરતા હતા. પણ હાલમાં આ સંખ્યા ઘટીને માત્ર 5 હજારની આસપાસ થઇ ગઇ છે. કેટલાંક સ્થળોએ તો સ્માર્ટ વાઇફાઇ પણ બંધ હાલતમાં છે. શહેરના સીજીરોડ, પરિમલ રોડ, ગુલબાઇ ટેકરા રોડ અને લોગાર્ડન રોડને જોડતાં પંચવટી જંકશન ઉપર સ્માર્ટ ટ્રાફિક સિગ્નલનો પાયલોટ પ્રોજેક્ટ કર્યો હતો પછી વધુ 10 ટ્રાફિક સિગ્નલને સ્માર્ટ કરવાનું આયોજન હતુ પણ પછી આ પ્રોજેક્ટ કોઇ કારણોસર પડતો મૂકાયો હતો. હવે સ્માર્ટ સિટીનું પીલ્લુ વળી ગયું છે. અમદાવાદ શહેરમાં સ્માર્ટ વોટર એટીએમ ચાલતા નથી. સ્માર્ટ ટોયલેટ માત્ર જાહેરાતના બોર્ડ બની ગયા છે. સ્માર્ટ ટ્રાફિક સિગ્નલવાળા જંકશન બન્યા નથી.

સ્માર્ટ સિટીનો એકપણ પ્રોજેક્ટ સફળ રહ્યો નથી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ માત્ર સ્માર્ટ સિટીના નામે જુઠ્ઠાણા ફેલાવ્યા છે. શહેરમાં એકપણ સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ સફળ રહ્યો નથી. સ્માર્ટ વોટર એટીએમની વાત કરીએ તો, તમામ 17 સ્થળોએ સ્માર્ટ વોટર એટીએમ બંધ છે. સ્માર્ટ બીયુ કાર્ડ, સ્માર્ટ ડેવલપર કાર્ડ, સ્માર્ટ પ્રોપર્ટી કાર્ડ જેવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી પણ આજદિન સુધી કોઇને અપાયા નથી. સ્માર્ટ સીટીના નામે મૂકાયેલા તમામ પ્રોજેક્ટોનો નાગરિકોને લાભ મળ્યો નથી. કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ નાગરિકોની સુખાકારીમાં કોઇ વધારો થયો નથી. માત્ર સ્માર્ટ સીટીના નામે નાગરિકો સાથે છેતરપીંડી કરાઇ છે.

આ પણ વાંચો : 

87 કરોડના સિટી કાર્ડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે, સ્માર્ટ પેમેન્ટ કાર્ડનો પ્રોજેક્ટ પણ ફેલ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સીટી કાર્ડ પેમેન્ડ સિસ્ટમનો રુ.87 કરોડનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. અમદાવાદ મ્યુનિ.ની દરેક સેવાઓનો લાભ સ્માર્ટ પેમેન્ટ કાર્ડથી કરી શકાશે તેવો ઉદેશ્ય હતો. સ્માર્ટ સિટી અંતર્ગત પહેલાં જનમિત્ર કાર્ડના નામે આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો જેમાં નાગરિકો સ્માર્ટ કાર્ડમાં બેલેન્સ કરાવે પછી મ્યુનિ.ની સેવાઓનો લાભ માટે આ કાર્ડથી પેમેન્ટ કરી શકે તેવો કોન્સેપ્ટ હતો પણ આ પ્રોજેક્ટ સદંતર ફેલ ગયો છે. અમદાવાદ મ્યુનિ.એ આ પ્રોજેક્ટ અંતર્ગત 4.50 લાખ સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરવાનો ટારગેટ મુક્યો હતો પણ હાલમાં અધિકારીઓના દાવા પ્રમાણે એક લાખ એક્ટિવ યુઝર્સ છે. સ્માર્ટ પેમેન્ટ કાર્ડ એટલે કે, જનમિત્ર કાર્ડના નામે કરોડોનો ખર્ચ કરાયા પછી પણ નાગરિકો આ કાર્ડ લેવામાં ઉત્સાહ દાખવી રહ્યાં નથી

અમદાવાદ શહેર સ્માર્ટ સીટી બન્યું નહીં પણ દેવાદાર સીટી બન્યું, 4,000 કરોડથી વધુનું દેવું
કોરોના મહામારી બાદ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ નબળી પડી છે, કેમ કે, રાજ્ય સરકારે જોઇએ તેવી મદદ કરી નથી. એક તરફ કોરોના મહામારીમાં કરોડો રુપિયાનો ખર્ચ કરાયો છે અને બીજી તરફ રાજ્ય સરકારે જોઇએ તેવી આર્થિક મદદ કરી નથી. હવે રોજિંદા ખર્ચ કરવા માટે પણ દેવું કરવામાં આવી રહ્યું છે. આ દેવું ભરવા માટે લોકો ઉપર કરોડો રુપિયાનો પ્રોપર્ટી ટેક્સનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રુ. 1317.67 કરોડનું દેવું દર્શાવવામાં આવ્યું છે પણ તેમાં વર્લ્ડ બેંક પાસેથી લીધેલી રુ.3,000 કરોડની લોન ઉમેરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વર્લ્ડ બેંકની લોનથી 3,000 કરોડ પૈકી રુ.1200 કરોડના ટેન્ડર બહાર પાડી દીધાં છે પણ જ્યાં સુધી વર્લ્ડ બેંકની લોનની રકમ મળે નહીં ત્યાં સુધી તે દેવામાં દર્શાવવામાં આવશે નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે વર્લ્ડ બેંકની સાથે ગણીએ તો, કુલ રુ. 4,317.67 કરોડનું દેવું થશે પણ વર્લ્ડ બેંકની રકમને દેવાની રકમમાં આવતા વર્ષના બજેટમાં ઉમેરવામાં આવશે.

આ પણ વાંચો : 

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે દેવું વધી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની સામે આવતી ગ્રાંટની રકમ વધારવામાં આવી રહી નથી. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટ્રોયની બદલામાં આપવાની થતી ગ્રાંટ બંધ કરવાની તૈયારી કરી રહી છે જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નવા ટેક્સ જાહેર કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને થોડા મહિના પહેલાં રોજિંદા ખર્ચ ઉપાડવા માટે પણ GSFS પાસેથી 350 કરોડની લોન લીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ના કામ માટે પણ 350 કરોડની લોન લેવાઇ હતી. આ સિવાય ગ્રીન બોન્ડના નામે 200 કરોડનું દેવું કરવામાં આવ્યું છે

લોનનો પ્રકાર - દેવું
A. વર્ષ 2023-24ના બજેટમાં દર્શાવેલી દેવાની રકમ
1. સરકારી લોન - 80.11 કરોડ
2. બોન્ડ - 200 કરોડ
3. GSFS લોન - 677.56 કરોડ
4. GRCP લોન - 160 કરોડ
5. ગ્રીન બોન્ડ - 200 કરોડ
કુલ - 1317.67 કરોડ

B. વર્લ્ડ બેંકની લોન - 3,000 કરોડ ( રકમ મળી નથી)
A Bનો સરવાળો કુલ - રુ. 4,317.67 કરોડ

ઉદાહરણ તરીકે જોઇએ તો, ગત તા.31 માર્ચ 2022 ની સ્થિતિએ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે રુ. 280.11 કરોડની લોન હતી જે તા. 31 માર્ચ 2023ની સ્થિતિએ, વધીને રુ. 982.67 કરોડની લોન થઇ ગઇ છે. જ્યારે અગામી તા. 31 માર્ચ 2024ની સ્થિતિએ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની લોનની રકમ વધીને રુ. 4,317.67 કરોડ લોન થઇ જશે.

વર્ષ 2015-16ના બજેટમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પણ વર્ષ 2023-24માં અમદાવાદ શહેર દેવાદાર સીટી બની ગયું છે, ગુજરાતમાં સૌથી વધુ દેવું કરનારી સંસ્થા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news