પાંડવો સમયના મંદિર પર કોનો હક? જેસોર અભ્યારણ્યના કેદારનાથ મંદિરની માલિકી હકનો ગૂંચવાયો મામલો
Jessore Sloth Bear Sanctuary : બનાસકાંઠાના જેસોર અભ્યારણ્યમાં પહાડો પર આવેલા કેદારનાર મંદિરની માલિકી હક મામલે હોબાળો.... ગામ લોકોએ કહ્યું કે, જો ટ્રસ્ટ રદ નહિ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના જેસોર અભ્યારણમાં આવેલા પાંડવો વખતના કેદારનાથ મંદિર પર ટ્રસ્ટ બનાવી કબજો કરવાની હિલચાલ શરૂ થવાના આક્ષેપ થતાં વિવાદ સર્જાયો છે. જેને લઈને આજે કેદારનાથ મંદિરના નીચે 10થી વધુ ગામોના લોકો એકઠા થઈને કેદારનાથ મંદિરનો કબજો મેળવવા નોંધાયેલ ટ્રસ્ટની મંજૂરી રદ કરવાનો ઠરાવ કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ટ્રસ્ટ રદ નહિ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે.
બનાસકાંઠાના જેસોર વન્ય અભ્યારસણમાં જયરાજ પહાડ ઉપર વર્ષો જૂનું કેદારનાથ ભગવાનનું અતિ પ્રોરાણિક મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ મહિનામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. તો વર્ષ દરમિયાન અનેક મેળાઓ ભરાય છે. જોકે પહાડ ઉપર આવેલ કેદારનાથ મંદિરનો વહીવટ વર્ષોથી મંદિરના પૂજારી કરતા હતા. જોકે અચાનક કેટલાક લોકોએ કેદારનાથ મંદિર આવીને તેવોએ ટ્રસ્ટ બનાવ્યું હોવાનું પૂજારીને કહેતા અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ઘાટા સહિતના ગામ લોકો આ ઘટનાથી રોષે ભરાયાં હતા અને મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને મળી તાત્કાલિક અસરથી ટ્રસ્ટની નોંધણી રદ કરવા માંગ કરી હતી.
જોકે આજે અમીરગઢ સહિત 10 થી 15 ગામના લોકો મોટી સંખ્યામાં કેદારનાથ મંદિરના નીચે એકઠા થયા હતા અને મંદિર ઉપર કબજો મેળવવાના ઇરાદે સરોત્રા ગામના લોકોએ બનાવેલ ટ્રસ્ટ રદ કરવાની માંગ કરી હતી અને તેને લઈને ઠરાવ કર્યો હતો ,કેદારનાથ મંદિરના પૂજારી સહિત મોટી સંખ્યામાં એકઠા થનાર લોકોનું કહેવું છે કે પુરાતન કેદારનાથ મંદિરના સંચાલન બાલુન્દ્રાના બ્રાહ્મણ પરિવાર વંર્ષોથી કરે છે. મહાદેવ મંદિરના સંચાલનની વ્યવસ્થાઓ વગેરે બાલુન્દ્રા ગામના ગ્રામજનો વર્ષોથી કરતા આવ્યા છે. બાલુન્દ્રા, વેરા, ઘાંટા ગામનું જ આ મંદિર છે. જેથી સરોત્રા ગામના લોકોએ બનાવેલ આ ટ્રસ્ટના રજિસ્ટ્રેશનને રદ કરવામાં આવે. અને જો રદ કરવામાં ના આવ્યુ તો અમે સમગ્ર ગ્રામજનોએ અને મહાદેવ ભક્તોએ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે
ભક્ત શૈલેષભાઇ વ્યાસે જણાવ્યું કે, આ વર્ષો જૂનું મંદિર છે જેને કોઈ ગામના લોકો ટ્રસ્ટ બનાવીને કબજે કરવા માંગે છે જો ટ્રસ્ટ નહિ થાય તો અમે આંદોલન કરીશું. તો સ્થાનિક બાબુભાઈ ગમારે જણાવ્યું કે, આ મંદિર ઉપર કોઈ એક ગામનો અધિકાર નથી આ મંદિર ટ્રસ્ટ હસ્તક ન જવું જોઈએ નહીં તો અમેં ઉગ્ર આંદોલન કરીશું.
કેદારનાથ મંદિરના મહારાજ ભરતભાઈ કહે છે કે, અમે વર્ષોથી અહીં પૂજા કરીયે છીએ કેટલાક લોકોએ અમને આ મંદિર ટ્રસ્ટ બનાવીને તેનો વહીવટ કરવાનું કહ્યું જોકે તે યોગ્ય નથી.
વર્ષો જુના પૌરાણિક કેદારનાથ મંદિરને લઈને સરોત્રા ગામના લોકોએ ટ્રસ્ટ બનાવ્યું હોવાનો આક્ષેપ થતા સરોત્રા ગામના ટ્રસ્ટ બનાવનાર લોકોનું કહેવું છે કે કેદારનાથ મંદિર એ બધા લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અમારે કોઈ મંદિર પડાવી નથી લેવાનું,વર્ષોથી મંદિરમાં કોઈ સુધારા વધારા થયા નથી જોકે ટ્રસ્ટ હોય તો મંદિરનો સારી રીતે વિકાસ થાય ત્યાં આવનાર ભક્તોને રહેવા જમવા સહિતની સારી સુવિધાઓ મળી રહે તેમજ કેદારનાથ ધામમાં ભક્તોને કોઈ અવગડતા ન પડે જેથી અમે ટ્રસ્ટ બનાવ્યું છે અમારે કોઈનો વિરોધ નથી જોકે ટ્રસ્ટમાં અન્ય ગામના લોકોનો પણ અમે સમાવેશ કરીને વિકાસ કરીશું. અમે મંદિરના વિકાસ માટે ટ્રસ્ટ બનાવ્યું છે અમારે કોઈ મંદિર ઉપર કબજો નથી કરવાનો.. ટ્રસ્ટ હશે તો જ મંદિરનો વિકાસ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે