હવે ગમે તેવી લહેર આવે ગુજરાતમાં ઓક્સિજનની નહી પડે અછત, અમિત શાહે કર્યું મોટુ કામ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના ૯ એક્સિજન પ્લાન્ટના ઇ લોકાર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. તિલકવાડા-સાગબારા જેવા દુર્ગમ વિસ્તાર સહિત અમદાવાદ-સોલા-દસક્રોઇ-કાલાવાડ-કપડવંજ- મહેસાણા- ભાણવડ અને પોરબંદરમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થયા. વી.વાય.ઓ. એ ગુજરાતમાં રૂ. ૭ કરોડના ખર્ચે ર૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરી સમયની માંગ મુજબનું જન સેવાકાર્ય કર્યુ હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું. કોરોના સંક્રમણ સામે આખો દેશ એક બનીને લડયો-સુદ્રઢ આયોજન-ધૈર્યતા અને સરકાર-દેશવાસીઓના સહિયારા પ્રયાસોથી કોરોના સામે ભારતે લડાઇ લડી વિશ્વને ઉદાહરણ પુરૂં પાડયું હોવાનું તેમણે સંબોધનમાં જણાવ્યું હતું. 
હવે ગમે તેવી લહેર આવે ગુજરાતમાં ઓક્સિજનની નહી પડે અછત, અમિત શાહે કર્યું મોટુ કામ

વડોદરા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYOના ૯ એક્સિજન પ્લાન્ટના ઇ લોકાર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. તિલકવાડા-સાગબારા જેવા દુર્ગમ વિસ્તાર સહિત અમદાવાદ-સોલા-દસક્રોઇ-કાલાવાડ-કપડવંજ- મહેસાણા- ભાણવડ અને પોરબંદરમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થયા. વી.વાય.ઓ. એ ગુજરાતમાં રૂ. ૭ કરોડના ખર્ચે ર૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરી સમયની માંગ મુજબનું જન સેવાકાર્ય કર્યુ હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું. કોરોના સંક્રમણ સામે આખો દેશ એક બનીને લડયો-સુદ્રઢ આયોજન-ધૈર્યતા અને સરકાર-દેશવાસીઓના સહિયારા પ્રયાસોથી કોરોના સામે ભારતે લડાઇ લડી વિશ્વને ઉદાહરણ પુરૂં પાડયું હોવાનું તેમણે સંબોધનમાં જણાવ્યું હતું. 

ગુજરાતે હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્લાન્ટસ સ્થાપીને ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ઓક્સિજન માંગમાં પગભર બનવાની દિશા લીધી હોવાની ટકોર મુખ્યમંત્રીએ કરી હતી. કોરોના કાળમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવાના ભારત સરકાર-રાજ્ય સરકારના પ્રયાસોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જેવા સંગઠનોનો સહયોગ પ્રસંશનીય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી  વિજય રૂપાણીની ઇ-ઉપસ્થિતીમાં કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન, ધૈર્યતાથી સરકાર સાથે દેશ આખાએ કોરોના સંક્રમણ સામે સફળ લડાઇ લડીને દુનિયાને ઉદાહરણ પુરૂં પાડયું છે. 

આ સંદર્ભમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી દુનિયા આખી કોરોના સામે સંઘર્ષ કરે છે. કુદરતે ભારતની વિશેષ કસોટી આ સમયમાં બે-બે વાવાઝોડાથી કરી છે. આમ છતાં, આ સંઘર્ષ સામે નેતૃત્વ શક્તિ, સેવા સંગઠનો અને જનસહયોગથી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણે સફળ થયા છીયે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજ્યમાં તિલકવાડા, સાગબારા, દસક્રોઇ, સોલા, કપડવંજ, કાલાવાડ, પોરબંદર, મહેસાણા અને ભાણવડમાં સ્થપાયેલા કુલ-૯ ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યા હતા. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં ર૯ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી કોરોનાની આ બીજી લહેરમાં જન સેવાનું ઉમદા કાર્ય થયું છે એમ પણ  અમિત શાહે ઉમેર્યુ હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન એ સૌથી મોટી ચૂનૌતી આપણા માટે હતી. ઓક્સિજનની રોજિંદી જરૂરિયાત ૧ હજાર ટનથી વધીને ૧૦ હજાર મે.ટન થઇ ગઇ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, આ ચેલેન્જને સ્વીકારી લઇને રાજ્યોએ પણ સહયોગ આપ્યો, કાયોજેનિક ટેન્કર લગાવીને સરકારે ટ્રેન દ્વારા ઓક્સિજન દેશના રાજ્યોમાં મોકલ્યો અને ઓક્સિજનની ઘટ પડવા દીધી નથી. અમિત શાહે ઉમેર્યુ કે, હવે આપણા સહિયારા પ્રયાસો, તબીબો, પેરામેડિકલ, વોરિયર્સ સૌના અવિરત યોગદાનથી કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ લાવી શકાયું અને ઓક્સિજનની માંગ રોજના ૩પ૦૦ મે.ટન પર આવી ગઇ છે. તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી  વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં મળેલી સફળતાને પણ આ તકે બિરદાવી હતી. 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોરોના સામેના વેક્સિનેશનમાં પણ વધુને વધુ લોકોને ત્વરાએ આવરી લઇ કોરોનાથી રક્ષણ આપવાની પ્રધાનમંત્રીની મનસા વ્યકત કરી હતી. ગુજરાત વેક્સિનેશનમાં પણ અગ્રેસર છે તેની તેમણે સરાહના કરી હતી. અમિત શાહે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને વૈષ્ણવ યુવાઓને એક સેવા છત્ર નીચે આવરી લઇ ૧પ દેશોના ૪૬ શહેરોમાં સેવા ફલક વિસ્તાર્યુ છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. વી.વાય.ઓ દ્વારા ગુજરાતમાં શરૂ થયેલા ર૯ ઓક્સિજન પ્લાન્ટ રાજ્યમાં ઓક્સિજન ખપત પૂર્ણ કરવામાં ઉપયુકત બનશે એવો વિશ્વાસ ગૃહ મંત્રીએ વ્યકત કર્યો હતો. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વ્રજરાજ કુમારજી મહારાજની પ્રેરણાથી સમાજસેવા, રાષ્ટ્રભક્તિ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ થાય તેવા કાર્યો કરી રહ્યું છે તેને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના કાળમાં વી.વાય.ઓ. એ રાજ્યની સેવામાં ર૯ ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરીને આ સેવા પરંપરા વધુ ઉજ્જવળ કરી છે.તેમણે ઉમેર્યુ કે, ગુજરાતે કોરોનાની પ્રથમ લહેરમાં સફળતાપૂર્વક સંક્રમણ નિયંત્રણ કર્યુ હતું બીજી લહેરને પણ એ જ આક્રમકતાથી નિયંત્રણમાં લાવ્યા છીયે. હવે તજજ્ઞો જ્યારે ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે ત્યારે એના માટે પણ ગુજરાત પૂર્ણત: સજ્જ છે. 

 વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રધાનમંત્રી  નરેન્દ્રના મુખ્યમંત્રી કાળથી જે ઔદ્યોગિક વિકાસ થયો તેને પરિણામે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન આ સંક્રમણ કાળમાં ઉપલબ્ધ થયો અને ઓક્સિજનની કમી રહી નહિ. તેમણે કહ્યું કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે હવે હવામાંથી સીધો ઓક્સિજન મેળવવાના પ્લાન્ટસ રાજ્યમાં સ્થાપીને ૩૦૦ ટન PSA ઓક્સિજન મેળવી પગભર થવાની નેમ છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન સપ્લાયના કાર્યમાં વી.વાય.ઓ જેવા સંગઠનો પણ સમયની માંગને અનુસરીને જોડાયા છે તે અભિનંદનીય છે. 

આ પ્રસંગે  વ્રજરાજ કુમારજી મહારાજે આશીર્વચન આપતાં વૈષ્ણવ સંપ્રદાયની સેવા પરંપરા અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના યુવાઓની રાષ્ટ્રસેવા ભાવનાની વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે આઝાદીના ૭પ વર્ષમાં પહેલીવાર વી.વાય.ઓ.ના કાર્યક્રમમાં દેશના ગૃહ મંત્રી જેવા વરિષ્ઠ અગ્રણીની ઉપસ્થિતીનો આનંદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રમુખ અને સાંસદ  સી. આર. પાટીલ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યોઓ-અગ્રણી વગેરે સંબંધિત સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news