BREAKING: રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત, જાણો ક્યાં સુધી લંબાવાયો
ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ (Coronavirus) નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો (Corona Guidelines) અમલ આગામી તા. 30 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો છે
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ (Coronavirus) નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો (Corona Guidelines) અમલ આગામી તા. 30 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા. 30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ (Night Curfew) અમલમાં છે તે પણ આગામી તા. 15 એપ્રિલ 2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 2220 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 1988 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 10 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 3,05,338 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,88,565 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,510 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 47,45,494 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,43,855 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું. આમ કુલ 53,89,349 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,59,057 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 11,107 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં કોવિડ-19 ના 2220 દર્દીઓ નોંધાયા છે અને રાજ્યભરમાંથી 1988 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 94.51 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,263 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 147 છે. જ્યારે 12,116 લોકો સ્ટેબલ છે. 4,510 લોકોનાં મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે