8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયું, જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ માટે ખાસ ગાઇડલાઇન જાહેર

રાજ્ય સરકારે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ વધારવાની જાહેરાત કરી છે. તો આવનારા દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખી સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. 
 

8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયું, જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ માટે ખાસ ગાઇડલાઇન જાહેર

ગાંધીનગરઃ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. આ શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે.

હવે 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યું છે. હવે આ શહેરોમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. આ દરમિયાન લોકો રાત્રે 11થી સવારે 6 કલાક સુધી બિનજરૂરી બહાર નિકળી શકશે નહીં. તો આ આઠ મહાનગરોમાં માત્ર જન્માષ્ટમી એટલે કે 30 ઓગસ્ટ, સોમવારે એક દિવસ પૂરતો રાત્રી કર્ફ્યૂમાં વધારાની એક કલાકની છૂટછાટ મળશે. 

કૃષ્ણજન્મોત્સવ અને ગણેશ મહોત્સવને લઈને રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન
રાજ્યમાં તહેવારો આવી રહ્યાં છે. 30 ઓગસ્ટે જન્માષ્ટમી છે. તો 9 સપ્ટેમ્બરથી 19 ,સપ્ટેમ્બર રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ માટે પણ રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યરભમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

કૃષ્ણ જન્મોત્સવની ગાઇડલાઇન
રાજ્યભરમાં લોકો જન્માષ્ટમીના રોજ રાત્રે 12 કલાકે ઉજવાતા પરંપરાગત કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકશે. મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે. તો મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. તો તહેવારમાં નિકળતી શોભાયાત્રામાં પણ મર્દાયિત વાહનો અને મર્યાદિત રૂટ પર તેનું આયોજન કરી શકાશે. આ શોભાયાત્રામાં પણ વધુમાં વધુ 200 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. તો રાજ્યમાં તહેવારો દરમિયાન મટકીફોડનું આયોજન કરવામાં આવશે નહીં.

ગણેશ મહોત્સવની ગાઇડલાઇન
રાજ્યભરમાં 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થવાની છે. આ માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તે પ્રમાણે જાહેર ગણેશ ઉત્સવમાં 4 ફૂટ અને ઘરમાં બે ફૂટી ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. જાહેર ગણેશ મહોત્સવમાં પંડાલ શક્ય તેટલા નાના રાખવાનું પણ જણાવાયું છે. ગણેશ ઉત્સવમાં આવતા લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે તે પણ એસઓપીમાં કહેવામાં આવ્યું છે. તો ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને અને એક વાહનને છૂટ આપવામાં આવી છે. તો ઘરમાં સ્થાનપ કરેલા ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે આ 8 મગહાનગરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન રાત્રે 12 કલાક સુધી છૂટછાટ આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news