નવા મેયર બિજલબેન પટેલે હોદ્દો સંભાળ્યો, ભાજપે લોકસભાની ચૂંટણીનું ગણિત સાચવી લીધું

આખરે તમામ અટકળોના અંત સાથે હેરીટેજ સિટીની સાથે સ્માર્ટસિટી બની રહેલા અમદાવાદના 34મા મેયર તરીકે જેનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું એવા પાલડી વોર્ડના કોર્પોરેટર બિજલબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.

નવા મેયર બિજલબેન પટેલે હોદ્દો સંભાળ્યો, ભાજપે લોકસભાની ચૂંટણીનું ગણિત સાચવી લીધું

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: આખરે તમામ અટકળોના અંત સાથે હેરીટેજ સિટીની સાથે સ્માર્ટસિટી બની રહેલા અમદાવાદના 34મા મેયર તરીકે જેનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું એવા પાલડી વોર્ડના કોર્પોરેટર બિજલબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ફરી એકવાર દિનેશ મકવાણાને પસંદ કરાયા છે. તો કારોબારી ચેરમેન તરીકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અત્યંત નજીકના એવા જુનીયર કોર્પોરેટર અમૂલ ભટ્ટની વરણી થઇ છે. ત્યારે પાંચ ટર્મથી કોર્પોરેટર રહેલા પૂર્વ મેયર અમિત શાહને પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. જ્યારે વેજલપુરના કોર્પોરેટર રાજુભાઇ ઠાકોરને દંડકનું પદ આપવામાં આવ્યુ છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન મેયર સહીતના હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થતા શહેરના નવા મેયર કોણ, તે અંગે સૌ કોઇને ઇંતેજારી હતી. જે અંતર્ગત આજે સવારે એએમસીના ભાજપ કાર્યાલય ખાતે પક્ષના તમામ કોર્પોરેટરોની એજન્ડા બેઠક મળી. જેમાં પ્રદેશ ઉપપ્રમુખ તથા શહેર ભાજપ પ્રભારી આઇ.કે.જાડેજા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને એએમસીના પ્રભારી સુરેન્દ્ર પટેલ દ્વારા પ્રદેશ મોવડીમંડળે નક્કી કરેલા પાંચ નામોની જાહેરાત કરી. 

જેમાં મેયર તરીકે બિજલ પટેલના નામની જાહેરાત થઇ. તો ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા, કારોબારી ચેરમેન તરીકે અમૂલ ભટ્ટ, શાષક પક્ષ નેતા તરીકે અમિત શાહ અને દંડક તરીકે રાજુભાઇ ઠાકોરના નામની જાહેરાત થઇ. મહત્વનું છેકે કારોબારી ચેરમેન તરીકે અન્ય કોર્પોરેટર કરતા જુનિયર એવા અમૂલ ભટ્ટના નામની જાહેરાત થતા જ ભાજપમાં તેમના વહીવટી અનુભવને લઇને ગણગણાટ શરૂ થયો છે. કારણકે તેમની આ પ્રથમ ટર્મ અને એ પણ અઢી વર્ષ જ થયા હોવા છતા ફક્ત મુખ્યપ્રધાનની નજીક હોવાના કારણે તેમની પસંદગી થઇ હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. ત્યારે આ મામલે પ્રદેશ ઉપપ્રમુખે ઇરાદાપૂર્વક મૌન સેવ્યુ. તો બીજી તરફ ઝી ચોવીસ કલાક સાથેની વાતચીતમાં નવા મેયરે આગામી ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સંભવિત પરિસ્થીતી તેમના માટે પ્રાથમિકતા હોવાનું જણાવ્યું.

તો અન્ય સિનીયર કોર્પોરેટરોને પાછળ રાખી ફક્ત અઢી વર્ષની અડધી ટર્મ બાદ જ કારોબારી સમિતી ચેરમેનનું મલાઇદાર પદ મેળવનારા અમૂલ ભટ્ટે પણ ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમને સિનીયોરીટી નહી પણ કાબેલિયત પર ભાર મૂક્યો છે. સાથે જ જરૂર પડ્યે વહીવટી તંત્ર સામે લાલ આંખ કરવાની પણ વાત કરી. 

આ બાદ એએમસીની સામાન્ય સભા મળી. જેમાં મેયર ગૌતમ શાહે મેયર પદ માટે ભાજપ કોંગ્રેસના સભ્યોની ચૂંટણી યોજી. કોંગ્રેસે પણ પોતાના બે ઉમેદવાર બન્ને પદ માટે ઉભા રાખ્યા, પરંતુ બહુમતિના જોરે ભાજપે પોતાના ઉમેદવાર બિજલબેન પટેલને મેયર પદે ચૂંટી કાઢ્યા. જેથી કાર્યકાળ પૂર્ણ કરી રહેલા મેયર ગૌતમ શાહે નવા મેયર બિજલબેન પટેલને ડાયસ ઉપર આવકાર્યા અને મેયર તરીકેનો સત્તાવાર હોદ્દો સોંપ્યો. આજ રીતે ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ બહુમતીથી વિજેતા બન્યા. જે બાદ મેયર અને ડેપ્યુટી મેયરે વિધીવત રીતે પોતાના હોદ્દો ગ્રહણ કર્યો.

તો આ તરફ સામાન્ય સભામાં કારોબારી સમિતીના સભ્યોની પણ ચૂંટણી બહુમતીથી ભાજપે જીતી લીધી હોવાથી ચેરમેનની વરણી કરવા માટે બેઠક મળી. જેમાં કારોબારી સભ્યોએ અધિકારીઓની ઉપસ્થીતિમાં અમૂલ ભટ્ટને કારોબારી ચેરમેન તરીકે ચૂંટી કાઢ્યા. જ્યાં એજન્ડા વગરની આ પ્રથમ બેઠકમાં સૌ કોઇએ એકબીજાને પરીચય આપ્યો.

ભાજપ દ્વારા પસંદ કરવામાં આવેલા નામોમાં શહેરના ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોને મહત્વનુ આપવામાં આવ્યુ છે. સાથે જ તમામ જ્ઞાતિઓને પણ પ્રતિનિધિત્વ આપી લોકસભાની ચૂંટણીનું ગણિત સાચવી લેવામાં આવ્યુ છે. ત્યારે હવે જોવાનું એ રહે છેકે નવા હોદ્દેદારો શહેરના વિકાસ અને લોકોની અપેક્ષાઓને કેટલી હદે સંતોષી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news