ગુજરાત યુનિવર્સિટી હવે દરિયાના ખારા પાણીમાં ખેતી કરતા શીખવશે, લોન્ચ કર્યો નવો કોર્સ

New Course : ગુજરાત યુનિવર્સિટીમાં હવે દરિયાઈ ખેતીના પાઠ ભણાવાશે... યુનિવર્સિટી દ્વારા 8 નવા કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં એક સિવિડ ફાર્મિંગ પણ છે

ગુજરાત યુનિવર્સિટી હવે દરિયાના ખારા પાણીમાં ખેતી કરતા શીખવશે, લોન્ચ કર્યો નવો કોર્સ

અતુલ તિવારી/અમદાવાદ :એક સમય હતો જ્યારે લોકો લોકોને ગણ્યાગાંઠ્યા કોર્સ ભણવા પડતા હતા, પરંતુ સમયની સાથે ડિમાન્ડ વધતા હવે વિવિધ યુનિવર્સિટી નવા કોર્સ લાવી રહી છે. જેથી વિદ્યાર્થીઓને કરિયરની નવી તકો ખૂલી શકે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં હવે દરિયાઈ ખેતીના પાઠ ભણાવાશે.   

ગુજરાત યુનિવર્સિટીનાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી (IIS વિભાગ) દ્વારા 8 નવા કોર્સ શરૂ કરાશે. આ 8 નવા કોર્ષમાં સિવિડ ફાર્મિંગનાં કોર્સનો પણ સમાવેશ કરાયો છે. આ કોર્સમાં જમીન સિવાય દરિયામાં કેવી રીતે ખેતી થઈ શકે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાવાશે. પ્રેક્ટિકલ અને થિયરી બંનેના માધ્યમથી વિદ્યાર્થીઓને સીવીડ ફાર્મિંગ અંગે સમજ આપવામાં આવશે.  

યુનિવર્સિટીનાં IIS વિભાગ દ્વારા દ્વારા પીડીલાઈટ કંપની સાથે MoU કરી આ કોર્સ અંગે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. IIS વિદ્યાર્થીઓને નવા 8 કોર્ષ માટે બે ઓપ્શન આપશે. જેમાં ઇન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (IMRS) છે, જે 10 સેમેસ્ટર સાથે 5 વર્ષનો કોર્સ રહેશે. આ કોર્સની ફી એક સેમેસ્ટરદીઠ 23,410 રૂપિયા નક્કી કરાઈ છે. જેમાં સવારની બેચ રહેશે. જ્યારે માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ (MRS) નાં માધ્યમથી પણ કોર્સ કરી શકાશે. જેમાં 4 સેમેસ્ટર સાથે આ કોર્સ 2 વર્ષનો રહેશે, જેના માટે સાંજની બેચ રહેશે અને સેમેસ્ટરદીઠ 23,410 રૂપિયા ફી રહેશે.  

નવા 8 કોર્સ લોન્ચ કરાયા
સિવિડ ફાર્મિંગ
એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ
ક્લાયમેટ ચેન્જ અને રીંયુએબલ એનર્જી
એન્ટ્રોરેન્યોરશિપ
ડેરી મેનેજમેન્ટ
કોમ્યુનિટી મેનેજમેન્ટ
કો. ઓપરેટિવ મેનેજમેન્ટ
નેચરલ ફાર્મિંગ

સીવીડ ફાર્મિંગ એટલે....

સીવીડ એટલે સમુદ્રમાં મળતાં શેવાળ, જેને સમુદ્રમાં ખેતી કરી ઉગાડવામાં આવે છે. ગુજરાત પાસે 1600 કીમીનો દરિયાઈ કિનારો છે, જેનો લાભ લઈ આપણે આપણા બાળકોને સમુદ્રમાં ખેતી કરવાનું શીખવી શકીએ છીએ. સીવીડ આત્મનિર્ભર ભારત તરફ એક મોટો પ્રયાસ છે. સીવીડમાં પોટેશિયમ કન્ટેન્ટ ખૂબ જ માત્રામાં મળે છે, મોટી માત્રામાં પોટેશિયમ મળતા આપણો ઇમ્પોર્ટ ઘટાડી શકીશું. જ્યારે સીવીડ ખેતી થશે તો મળનારું પોટેશિયમ કન્ટેન્ટ આપણા ખેતરોમાં સ્પ્રે કરી શકીશું. સીવીડમાં કાર્બન સોસ્વાની ક્ષમતા હોય છે, જેના કારણે પ્રદૂષણ પર નિયંત્રણ મળી શકે છે. સીવીડ એ બાયો ફર્ટિલાઈઝર તરીકે કામ કરે છે. સીવીડમાં ન્યુટ્રીશિયન ઘણી માત્રામાં હોય છે, જે આપણને સ્વસ્થ ભારત માટે લાભદાયક સાબિત થઈ શકે છે. જાપાન અને ચાઇના જેવા દેશો સીવીડ એક્સપોર્ટ કરે છે, વિશ્વમાં હાલ 90 હજાર કરોડનો સીવીડનો વેપાર થઈ રહ્યો છે, જેમાં ભારત પણ મોટી માત્રામાં હિસ્સેદાર બની શકશે, હાલ ભારતનો હિસ્સો માત્ર 0.02 ટકા જ છે. ગુજરાત યુનિવર્સિટી એ સમુદ્રમાં ખેતી માટે ઈન્ટિગ્રેટેડ માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (IMRS) અને માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ(MRS) કોર્ષ શરૂ કરનારી દેશની પ્રથમ યુનિવર્સિટી છે. હાલ માત્ર તમિલનાડુમાં જ સમુદ્રમાં ખેતી કરવામાં આવે છે. આ કોર્સ કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી સરળતાથી વ્યાપક માત્રામાં પેદા થઈ શકશે, જેના કારણે સ્થાનિક લોકોને લાભ મળશે. સમુદ્રમાં ખેતી એ સાયકલોનની ગતિને પણ રોકવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સાયકલોન આવ્યા છે એવામાં આ કોર્ષ અને આ દિશા તરફ પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થશે.

IMRS કોર્સમાં ધોરણ 12 કોઈ પણ પ્રવાહથી પાસ વિદ્યાર્થી જોડાઈ શકશે. પરંતુ MRS કોર્ષ કરવા માટે કોઈ પણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી રહેશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત યુનિવર્સીટી દ્વારા ડ્યુઅલ ડિગ્રી માટે મંજૂરી અપાઈ હોવાથી અન્ય ડિગ્રી સાથે આ કોર્ષમાં અભ્યાસ કરી ડિગ્રી મેળવી શકાશે. 

સિવિડ ફાર્મિંગના કોર્સમાં પીડીલાઈટ કંપની સાથે MOU કરાયા છે, જે મુજબ ભાવનગર તથા મુન્દ્રા પોર્ટ પર જઈને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અભ્યાસ કરાવવામાં આવશે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં થિયરી અંગે વિદ્યાર્થીઓને કરાશે. 

આ વિશે IIS નાં ડાયરેક્ટર સુધાંશુ જહાંગીરે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને ભણાવવા ઇન્ડસ્ટ્રીયલીસ્ટ, રિસર્ચર, ગવર્મેન્ટમાંથી એમ અલગ અલગ તજજ્ઞો આવશે. IIS નાં માધ્યમથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિક જ્ઞાન મળે એ હેતુથી દેશનાં અલગ અલગ ભાગોમાં પણ લઈ જવામાં આવશે. નવા 8 કોર્ષ શરૂ થવાને કારણે વિદ્યાર્થીઓ માટે રોજગારીના અલગ અલગ સ્કોપ ખુલશે, જેમાં રૂરલ ડેવલોપમેન્ટ, NGO, રિસર્ચ, કોર્પોરેટિવ, ગર્વમેન્ટ, એક્સપોર્ટ સહિતના ક્ષેત્રે રોજગારી મળશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news