નવસારી પોલીસે 48 કલાકમાં 2500 કિ.મી ભાગી આરોપીઓને ચંબલમાંથી દબોચ્યા, જાણો શું છે સમગ્ર ઘટના?

નવસારીના ચારપૂલ નજીક ટાપરવાડમાં રહેતા રમીલાબેન અશોક પટેલના પુત્ર 30 વર્ષીય સેતલ પટેલ ગત 23 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે બિસ્કીટ લેવા ગયા બાદ ગાયબ થયો હોવાની ફરિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી હતી.

નવસારી પોલીસે 48 કલાકમાં 2500 કિ.મી ભાગી આરોપીઓને ચંબલમાંથી દબોચ્યા, જાણો શું છે સમગ્ર ઘટના?

ધવલ પરીખ/નવસારી: કુળના વંશજોને મેળવવા સ્વર્ગીય ભાઈના સાળાનું અપહરણ કરનારા બે ભાઈઓ સહિત ત્રણને નવસારી પોલીસે ચંબલ વિસ્તારમાં 48 કલાકમાં 2500 કિમી ફરીને દબોચી લીધા હતા. જ્યારે અપહત્ય નવસારીના યુવાનને સુરક્ષિત છોડાવ્યો હતો. જોકે હજી પણ અપહરણના ગુનામાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે.

નવસારીના ચારપૂલ નજીક ટાપરવાડમાં રહેતા રમીલાબેન અશોક પટેલના પુત્ર 30 વર્ષીય સેતલ પટેલ ગત 23 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે બિસ્કીટ લેવા ગયા બાદ ગાયબ થયો હોવાની ફરિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી હતી, જેના બીજા જ દિવસે રમીલાબેન પટેલે તેમના પુત્ર સેતલ ઉર્ફે ગુડ્ડુ પટેલનું તેમની ભાણેજ ટ્વિન્કલના મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે રહેતા દિયર રાજેશ ગયાપ્રસાદ સીંગ અને વિષ્ણુ ગયાપ્રસાદ સીંગે તેમના સાથીદારો સાથે મળીને અપહરણ કર્યુ હોવાની ફરિયાદ કરતા જ એક્શનમાં આવેલી નવસારી ટાઉન પોલીસે ચારપુલ આસપાસના સીસીટીવી કેમેરાઓ ચકાસ્યા હતા. 

જેમાં સેતલને કેટલાક લોકો જબરદસ્તી કારમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનું જણાતા જ પોલીસે આરોપીઓની માહિતી મેળવવા સાથે જ અપહરણ ક્યા કારણસર કર્યુ એની પણ કડી મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં કુળના વંશજો મેળવવા રાજેશ અને વિષ્ણુએ ગુનાહિત કાવતરૂ રચી, સેતલને ઊંચકી ગયા હોવાનું સામે આવતા જ પોલીસે HC લાલુસિંહ ભરતસિંહની સાથે બે કોન્સ્ટેબલોની એક ટીમ મધ્યપ્રદેશના ગ્વાલિયર મોકલી તપાસને વેગ આપ્યો હતો. 

આરોપી રાજેશ અને વિષ્ણુ સીંગ પોતાના સાથીઓ સાથે સેતલ પટેલને ઉઠાવી મધ્યપ્રદેશ પહોંચ્યા હતા અને રમીલાબેન તેમજ ટ્વિન્કલને ફોન કરીને સેતલના બદલામાં તેમના બે ભત્રીજાઓની માંગ કરી હતી. જેથી મોતીઓની માળા અને સાફા બનાવવાનું કામ કરતા રાજેશ અને વિષ્ણુને પકડવા મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચી હતી. જ્યાં સાદા કપડામાં સાંજના સમયે પોલીસ વિષ્ણુની દુકાનમાં પ્રવેશી વિષ્ણુને દબોચી લીધો હતો. જેની સાથે જ તેમની સાથેના અન્ય આરોપીઓ છોટન ઉર્ફે સિદ્દીક ખાનને વિષ્ણુની મદદથી પકડ્યો હતો. પરંતુ રાજેશ સીંગ સેતલને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યો હતો. 

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ત્રણ રાજ્યોનાં સંગમ પર આવેલ ચંબલ વિસ્તારોનો સહારો લઇ રાજેશ સીંગ સેતલને લઇને એક જગ્યાએથી બીજી જગ્યાએ પોલીસને દોડાવી રહ્યો હતો. લોકેશન પણ ત્રણ રાજ્યોને કારણે બદલાયા કરતુ હતું. પરંતુ મક્કમ પોલીસે 48 કલાકમાં 2500 કિમી દોડીને પણ રાજેશ સીંગને પકડીને અપહત્ય સેતલ પટેલને સુરક્ષિત છોડાવ્યો હતો. જયારે રાજેશ સાથે જ છોટન અને વિષ્ણુની ધરપકડ કરી નવસારી લઇ આવી છે. જોકે હજી પણ વિષ્ણુની પ્રેમિકા સાઝીયા ખાન, કાર ચાલક મુકેશ અને તેના મિત્ર મનમોહન ઉર્ફે મુલચંદ સીંગ પોલીસ પકડથી દૂર હોય, પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે.

નવસારીની ટ્વિન્કલને સુરત ખાતે મળેલા ગ્વાલિયરના મનોજ સીંગ સાથે પ્રેમ થયો અને બાદમાં લગ્ન પણ કર્યા અને લગ્ન જીવનમાં બે બાળકો છે. પરંતુ અઢી વર્ષ અગાઉ મનોજના અવસાન બાદ સાસરીયામાં ઝઘડા થતા ટ્વિન્કલ ત્રણ મહિના અગાઉ બંને બાળકો સાથે નવસારી આવી ગઈ હતી. જેથી બંને બાળકો એટલે કે કુળના વંશજો મેળવવા રાજેશ અને વિષ્ણુ માથાકૂટ કરતા હતા, જેમાં સેતલનું અપહરણ કર્યું હતું. જોકે ટાઉન પોલીસની ચપળતા અને મહેનતને કારણે આજે ગુનાના રસ્તે ચાલેલા રાજેશ સીંગ, વિષ્ણુ સીંગ અને તેમનો સાથી છોટન જેલના સળીયા પાછળ ધકેલાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news