સામે આવ્યો નવસારીનો કિસ્સો! ATM કાર્ડ વાપરતા હોવ તો આ વાતનું ધ્યાન રાખજો, નહીં તો બેંકમાંથી ઉપડી જશે રૂપિયા

ATM બહાર ઊભા રહેતા ગઠિયાઓ પહેલા તમારૂ પિન જાણ્યા બાદ તમારૂ ઓરીજનલ કાર્ડ લઈ તમને ડમી કાર્ડ પધરાવી પૈસા ઉપાડે છે. આવી જ રીતે લોકોને ઠગતી મહારાષ્ટ્રીયન ટોળકીના 5 ની નવસારી LCB પોલીસે ઝડપી પાડી 8 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. 

સામે આવ્યો નવસારીનો કિસ્સો! ATM કાર્ડ વાપરતા હોવ તો આ વાતનું ધ્યાન રાખજો, નહીં તો બેંકમાંથી ઉપડી જશે રૂપિયા

ધવલ પરીખ/નવસારી: ATM માંથી પૈસા ન નીકળે તો ચિંતાતુર કે વ્યાકુળ થઈ કોઇપણ અજાણી વ્યક્તિને પોતાનું કાર્ડ આપતા પહેલા ચેતજો. કારણ ATM બહાર ઊભા રહેતા ગઠિયાઓ પહેલા તમારૂ પિન જાણ્યા બાદ તમારૂ ઓરીજનલ કાર્ડ લઈ તમને ડમી કાર્ડ પધરાવી પૈસા ઉપાડે છે. આવી જ રીતે લોકોને ઠગતી મહારાષ્ટ્રીયન ટોળકીના 5 ની નવસારી LCB પોલીસે ઝડપી પાડી 8 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. 

બેંક ATM માં કોઈકવાર ટેકનિકલ ખામીને કારણે પૈસા નીકળતા નથી. જેને કારણે અભણ, મહિલાઓ કે વૃદ્ધ વ્યક્તિઓ ચિંતાતુર બને છે. જેનો લાભ ઉઠાવી ATM બહાર ઊભેલા ગઠિયાઓ ટાર્ગેટ કરેલા વ્યક્તિ પાસે જઈને પૈસા કેમ નથી નીકળતા, એવુ કહીને વાતોમાં ભોળવી, પહેલા તો પીન નંબર જાણી લે છે. ત્યારબાદ ટ્રીકથી કાર્ડ બદલી ડમી કાર્ડ પધરાવી દે છે. ત્યારબાદ ટાર્ગેટ કરેલી વ્યક્તિ ATM માંથી ગયા બાદ ગઠિયાઓ તેના ઓરીજીનલ કાર્ડનો ઉપયોગ કરી, રૂપિયા ઉપાડી રફુચક્કર થઈ જાય છે. 

આજ ટ્રીકનો ઉપયોગ કરી મહારાષ્ટ્રના સોલાપુર ખાતે રહેતા શ્રવણ સતીશ મીનાજગીને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવી લેવાની ચાનક ચઢી હતી. જેમાં તેની જેમ જ શોર્ટકટમાં રૂપિયા કમાઈ જલસા કરવાની ઈચ્છા ધરાવતા સોલાપુરના જ યશ નવનાથ માને, લક્ષ્મણ પરમેશ્વર માલી, શુભમ નાગનાથ ટાકમોગે અને આદિત્ય અવિનાશ ટાકમોગેને સાથે લઈ ટોળકી બનાવી હતી. 

આ ટોળકીએ ATM કાર્ડ બદલી તેની જગ્યાએ ડમી કાર્ડ આપીને હજારો રૂપિયાની છેતરપીંડી મહારાષ્ટ્રના સોલાપુર તેમજ અન્ય જિલ્લાઓમાં આચરી જલસા કર્યા છે. જેમાં તેમની સામે મહારાષ્ટ્રના સોલાપુરમાં 3, પુણેમાં 2 અને ઉસ્મનાબાદમાં 1મળી કુલ 7 ગુનાઓ પણ નોંધાયા છે. આ ટોળકી ગૂગલ લોકેશનનો ઉપયોગ કરી ATM શોધતી અને ત્યાં બહાર ઉભા રહી મહિલા, વૃદ્ધ કે જેને ATM ઉપયોગ કરતા ન આવડતું હોય એને ટાર્ગેટ કરીને કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી ભાગી જતી હતી. 

નવસારીમાં પણ ત્રણ દિવસ અગાઉ ચીખલીમાં એક વૃદ્ધને આજ રીતે ટાર્ગેટ બનાવી ટોળકીએ 7500 રૂપિયાની ઠગાઈ કરી હતી. જ્યારે ગત રોજ નવસારીમાં લુંસિકૂઇ નજીક બેંક ATM પાસે ટાર્ગેટની શોધમાં હતી. ત્યારે મળેલી બાતમીને આધારે નવસારી LCB પોલીસે ઘટના સ્થળે પહોંચી ઠગ ટોળકીને પકડી પાડી પોલીસ મથકે પહોંચી હતી. આરોપીઓ પાસેની કારમાંથી 25 ડમી ATM કાર્ડ મળતા પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા ચીખલીમાં આચરેલી છેતરપીંડી કબુલી હતી. સાથે જ મહારાષ્ટ્રના ગુનાઓનો પણ ખુલાસો કરતાં પોલીસે પાંચેયની ધરપકડ કરી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યા છે. 

પડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી સાંભળ્યા બાદ લોકોએ આવા ઠગ ભગતોથી ચેતવાની જરૂર છે, ATM માંથી પૈસા ન નીકળે તો ચિંતામાં અક્લાવાને બદલે શાંતિ રાખી બેન્કનો સંપર્ક કરી શકાય, પણ અજાણ્યા વ્યક્તિને કાર્ડ આપ્યું તો બેંકમાંથી હજારો અને લાખો રૂપિયા ઉપડ્યા જ સમજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news