ગુજરાતમાં ફરી એકવાર શિક્ષણ જગત લજવાયું! વિદ્યાર્થીનીઓ પાસે ખેતી કરાવતો વીડિયો વાયરલ
નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ્ય એવા વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે પણ ગતરોજ સરસ્વતી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ગૃહમાતાના ખાનગી ખેતરમાં ડાંગરની રોપણી કરાવી, મજૂરી કરાવતી હોય એવા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગત લજવાયુ.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: નવસારીના વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે ગૃહમાતાએ પોતાના ખેતરમાં કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસેથી ડાંગરની રોપણી કરાવતા વીડિયો વાયરલ થતા શિક્ષણ જગત ફરી એકવાર લજવાયું છે. વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે છાત્રાલયમાં રહેતી હોય છે. પરંતુ ગૃહમાતા પોતાના ખાનગી ખેતરમાં મજૂરી કરાવે એ કેટલું યોગ્યના સવાલો ગ્રામ્ય પંથકમાં ઉઠી રહ્યા છે.
આદિવાસી બાળકોને યોગ્ય ભણતર મળી રહે એવા હેતુથી સરકાર દ્વારા છાત્રાલયો બનાવવામાં આવ્યા છે. જેમાં આદિવાસીઓના બાળકોને રહેવા જમવાની વ્યવસ્થા સાથે જ શાળા પણ નજીક હોય એનું ધ્યાન રાખવામાં આવે છે. જેથી બાળકોના ભણતરમાં કોઈ મુશ્કેલી ના રહે. પરંતુ ઘણીવાર ક્યાંક શાળા તો ક્યાંક છાત્રાલયો બાળકો પાસે અભ્યાસ સિવાય તેમની પાસે સાફ સફાઈ અથવા મજૂરી કામ કરાવતા હોય એવા દ્રશ્યો સામે આવતા રહ્યા છે.
નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ્ય એવા વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે પણ ગતરોજ સરસ્વતી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ગૃહમાતાના ખાનગી ખેતરમાં ડાંગરની રોપણી કરાવી, મજૂરી કરાવતી હોય એવા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગત લજવાયુ હતુ. ઘોડમાળ ગામે આવેલી વર્નાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલે છે. જેમાં નજીકની સરસ્વતી કન્યા છાત્રાલયની 66 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. ગતરોજ અંદાજે 20 વિદ્યાર્થીનીઓને ગૃહ માતા ચંપાબેન બગરીયા પોતાના ખાનગી ખેતરમાં ડાંગરની રોપણી કરવા લઈ જઈ તેમની પાસેથી મજૂરી કરાવી હતી.
વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવતા વીડિયો ગામના જ કોઈક વ્યક્તિએ ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ગૃહમાતા ચંપાબેન સામે ગામમાં ફિટકાર વરસી રહ્યો છે. સાથે જ વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે મોકલતા હોય છે. ત્યારે તેમની પાસેથી આવુ મજૂરી કામ કરાવવું કેટલું યોગ્ય એને લઈને પ્રશ્નો ઊભા થયા છે. જોકે સમગ્ર મુદ્દે ગૃહમાતા ચંપાબેન વિદ્યાર્થીનીઓ પોતાની જાતે જ તેમને મદદ કરવા આવી હોવાનો રાગ આલાપી પોતાનો બચાવ કરતા જણાયા હતા. જ્યારે ગામના સરપંચે આ પ્રકારની ઘટના ફરી ન થાય એનું પોતે પણ ધ્યાન રાખશે અને આવું ન બને એ માટે સંચાલકોને પણ સૂચના આપી હોવાનું જણાવ્યું હતુ.
ઘોડમાળની સરસ્વતી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પાસે ગૃહમાતા દ્વારા તેના ખેતરમાં ડાંગર રોપણી કરાવી મજૂરી કરાવ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનર એસ. પી. પ્રજાપતિ પણ હરકતમાં આવ્યા હતા. તેમણે ઘોડમાળ ગામે પહોંચી, સરસ્વતી કન્યા છાત્રાલયની મુલાકાત લઈ ઘટનાની તપાસ આરંભી છે. ગૃહમાતા ચંપાબેન અને ખેતરમાં રોપણી કરવા ગયેલી વિદ્યાર્થીનીઓના નિવેદન નોંધી એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જો ગૃહમાતા દ્વારા વિદ્યાર્થીનીઓને ખેતરમાં મજૂરી કામ કરાવવામાં આવ્યું હશે તો, આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીનીઓનો ખેતરમાં ડાંગરની રોપણી કરી મજૂરી કરતો વીડિયો વાયરલ થયા બાદ શરૂ થયેલા તપાસના ધમધમાટમાં ગૃહમાતાએ સાચા છે કે વાયરલ વીડિયોમાં કરવામાં આવેલો વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવ્યાનો દવાઓ, એ મુદ્દે આદિજાતિ વિકાસ કમિશનરની તપાસ બાદ જ સત્ય હકીકત સામે આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે