વાવ પેટાચૂંટણી માટે સામે આવ્યા સંભવિત ઉમેદવારોના નામ, ભાજપ-કોંગ્રેસના આ નેતાઓ રેસમાં
ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ જોવા મળશે. 13 નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. તેવામાં કેટલાક સંભવિત ઉમેદવારોના નામ પણ સામે આવ્યા છે.
Trending Photos
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે જીત મેળવ્યા બાદ તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. હવે આ બેઠક માટે કેન્દ્રીય ચૂંટણી પંચે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે કેટલાક સંભવિત દાવેદારોના નામ પણ સામે આવી રહ્યાં છે.
જાણો કોણ છે સંભવિત દાવેદારો
13 નવેમ્બરે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. વાવ બેઠક જીતવા માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. ભાજપ અને કોંગ્રેસ કોને ચૂંટણી મેદાને ઉતારી શકે છે તેના ZEE 24 કલાક પાસે નામ આવ્યા છે. કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, સિનિયર આગેવાન કે.પી.ગઢવી અને ઠાકરશી રબારી આ ત્રણમાંથી કોઈને વાવ બેઠક પરથી મેદાને ઉતારી શકે છે. તો ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, મુકેશજી ઠાકોર અને શૈલેષ પટેલના નામની ચર્ચા થઈ રહી છે. આ સિવાય આમ આદમી પાર્ટીમાંથી વશરામભાઈ પ્રજાપતિ, છગનજી ઠાકોર અને ભૂરાજી રાજપૂતની ચર્ચા ચાલી રહી છે.
વાવ વિધાનસભાનો પેટાચૂંટણી કાર્યક્રમ
નોમિનેશનની શરૂઆત: 18 ઓક્ટોબર
નોમિનેશનની છેલ્લી તારીખ: 25 ઓક્ટોબર
ઉમેદવારી પત્રોની ચકાસણીઃ 28 ઓક્ટોબર
નામાંકન પરત ખેંચવાની તારીખ: 30 ઓક્ટોબર
મતદાન તારીખ: 13 નવેમ્બર
મતગણતરી તારીખ: 23 નવેમ્બર
આ બેઠકનો રાજકીય ઈતિહાસ
1998થી 2022 સુધી યોજાયેલી વાવ વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતે ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારો મેદાને છે. વાવ બેઠક માટે ગેનીબેન પહેલાંથી ખુલાસો કરી ચૂક્યા છેકે આ ચૂંટણીમાં ઠાકોર સમાજે મદદ કરવાની રહેશે એમને ટીકિટ મળે તેવી સંભાવના ઓછી છે. આ પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પણ ગેનીબેન અને ભાજપ વચ્ચે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે