મુંબઈની સ્પેશિયલ કોર્ટે આપ્યો બેસ્ટ બેકરી કેસનો ચુકાદો, બે આરોપી નિર્દોષ જાહેર

Best Bakery Case Judgement : બેસ્ટ બેકરી કેસનો મુંબઈની સ્પેશિયલ કોર્ટે આપ્યો ચુકાદો, ગોધરાકાંડ બાદ વડોદરામાં થયો હતો બેસ્ટ બેકરી કાંડ

મુંબઈની સ્પેશિયલ કોર્ટે આપ્યો બેસ્ટ બેકરી કેસનો ચુકાદો, બે આરોપી નિર્દોષ જાહેર

Vadodara News : વડોદરાના બેસ્ટ બેકરી કેસમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વડોદરાના હનુમાન ટેકરીમાં રહેતા બે આરોપીઓને કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા છે. હર્ષદ સોલંકી અને મફત ઉર્ફે મેહુલ ગોહિલને કોર્ટે મુક્ત કર્યા છે. 

શું બન્યુ હતું 
ગુજરાતભરમાં ગોધરાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં વડોદરામાં 1 માર્ચ, 2002ના રોજ રાત્રે 8 વાગ્યે શહેરની બેસ્ટ બેકરીમાં તોફાનીઓએ પહેલા લૂંટ ચલાવી અને પછી આગ લગાવી દીધી હતી. આ આગમાં 14 લોકોના મોત થયા હતા. આ કેસમાં વડોદરા શહેર પોલીસે કેસની સાક્ષી અને બેકરીના માલિકની પુત્રી ઝહીરા શેખની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી હતી. બેસ્ટ બેકરી કેસમાં શરૂઆતમાં કુલ 21 આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં બે ભાગેલા આરોપીની વિરૂદ્ધ તાજેતરમાં જ મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટમાં કેસ પુરો થયો છે. કોર્ટે તેની પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ ચુકાદો આજે આવ્યો છે. 

બંને આરોપીને મુક્ત કર્યાં 
આ કેસમાં પાછળથી પકડાયેલા ચાર ફરાર આરોપીઓનો કેસ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ટ્રાયલ દરમિયાન ચારમાંથી બે આરોપીના મોત થયા હતા. તો બાકીના બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત ઉર્ફે મેહુલ મણીલાલ ગોહિલ જેલમાં હતા. ત્યારે બેસ્ટ બેકરી કેસને લઈને આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે હર્ષદ સોલંકી અને મફત ઉર્ફે મેહુલ ગોહિલને કોર્ટે મુક્ત કર્યા છે.

પરિવાર સ્વાગત કરશે 
હર્ષદ સોલંકીને મુક્ત કરતા તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. હર્ષદ સોલંકીના નાના ભાઈ જયેશ સોલંકીએ જણાવ્યું કે, કોર્ટનો ચુકાદો અમને સ્વીકાર્ય છે. જેથી પરિવારમાં ખુશીનો માહોલ છે. હર્ષદભાઈના પત્ની અને બે બાળકો વર્ષોથી હર્ષદભાઈની રાહ જોઈ રહ્યા છે. હર્ષદભાઈની પરિવારને મોટી ખોટ પડી છે, હવે ખોટ પૂરી થશે. છેલ્લા 10 વર્ષથી હર્ષદભાઈ મુંબઈની જેલમાં સજા કાપી રહ્યા છે. તેમજ 22 વર્ષથી પરિવારથી દૂર છે. હર્ષદભાઈ ઘરે આવશે ત્યારે જોરદાર સ્વાગત કરીશું.

ઝહીરા શેખની માંગ પર કેસ મુંબઈમાં ચલાવાયો હતો 
ઝહિરા શેખે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી હતી કે આ કેસ ગુજરાતમાં નહીં, પરંતુ અન્ય રાજ્યમાં ચલાવવામાં આવે. તે પછી, 12 એપ્રિલ, 2004ના રોજ સુપ્રીમ કોર્ટે કેસને મુંબઈ ટ્રાન્સફર કર્યો અને કેસને નવેસરથી ચલાવવાનો આદેશ આપ્યો. 4 ઓક્ટોબર, 2004થી મુંબઈની કોર્ટમાં સુનાવણી બાદ 24 ફેબ્રુઆરી, 2006ના રોજ બેસ્ટ બેકરી કેસમાં 9 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 8ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ 9 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં વર્ષ 2013માં 4 ફરાર આરોપી ઝડપાયા હતા. 27 જૂન, 2003ના રોજ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામ 21 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news