મોરબી નગર પાલિકા સુપરસીડ કરાઈ, અધિક નિવાસી કલેકટરને વહીવટદાર બનાવાયા, પુલ દુર્ઘટના બાદ સરકારનો નિર્ણય
મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવામાં આવી છે. પુલ દુર્ઘટના બાદ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઉચ્ચ ન્યાયાલયની ટકોર બાદ હાઈકોર્ટે આ નિર્ણય કર્યો છે.
Trending Photos
મોરબીઃ 30 ઓક્ટોબર 2022ની સાંજ મોરબી માટે કાળમુખી બની હતી. આ દિવસે મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. મોરબી દુર્ઘટનાના પડઘા ગુજરાત સહિત દેશમાં પડ્યા હતા. આ મુદ્દે હજુ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. 52 સભ્યોની મોરબી નગરપાલિકાને અંતે સુપરસીડ કરવામાં આવી છે. અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
એસઆઈટીની તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા
મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તેની તપાસ માટે SIT ની રચના કરી હતી. બે દિવસ પહેલા રાજ્ય સરકારે તપાસ માટે રચેલ SIT એ પોતાનો પ્રિલીમરી રિપોર્ટ બંધ કવરમાં ગુજરાત હાઇકોર્ટને સોંપ્યો હતો. SIT એ એક રિપોર્ટ ગુજરાત સરકારને પણ સોપ્યો હતો. એસઆઈટીના રિપોર્ટમાં મોરબી ઝૂલતા પુલમાં હોનારત અગાઉ જ ક્ષતિ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં નોંધાયું કે, પુલના મુખ્ય બે કેબલમાંના એકમાં કાટ લાગી ગયો હતો અને પુલ તૂટતા પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોઈ શકે છે. પુલનો મુખ્ય કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પુલના તમામ કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા. આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. જેને કારણે તે પહેલાં જ તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોઈ શકે છે.
ઝૂલતા પુલનો શું છે ઇતિહાસ?
ઝૂલતા પુલના ઈતિહાસ પર નજર કરીએ તો 20મી ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઈ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.
જાણો શું બની હતી ઘટના?
30મી ઓક્ટોબર, 2022ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 47 તો માત્ર બાળકો હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે