શેરબજારની ચેમ્પિયનશિપમાં ગુજરાતના યુવકે સોટ્ટો પાડ્યો, વર્લ્ડલેવલની સ્પર્ધામાં વિનર બન્યા અફઝલ લોખંડવાલા
United States Investing Championship 2022 : મોરબીનો ચાર્ટર્ડ એકાઉન્ટ યુવક અફઝલ લોખંડવાલા વર્લ્ડ લેવલની યુનાઈટેડ સ્ટેટસ ઇન્વેસ્ટિંગ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બન્યાં
Trending Photos
United States Investing Championship 2022 હિમાંશુ ભટ્ટ/મોરબી : સામાન્ય રીતે મોટાભાગના લોકો શેર બજારમાં પોતાનું નસીબ અજમાવતા હોય છે, પરંતુ કારકિર્દી તરીકે સીએના અભ્યાસ પછી શેર બજારના ક્ષેત્રને પસંદ કરવાવાળા બહુ ઓછા હશે. પરંતુ જો મોરબીની વાત કરીએ તો, મોરબીના એક યુવાને સીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શેર બજારના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ લેવલની યુનાઈટેડ સ્ટેટસ ઇન્વેસ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં તે ચેમ્પિયન બન્યાં છે અને ૧૯૯૩ થી યોજાતીય આ સ્પર્ધામાં પ્રથમ વખત ભારતીય વિજેતા બન્યો છે.
શેર બજારમાં લોકો પોતાની મૂડીનું રોકાણ કરતા હોય છે. અનેકવાર આ મૂડીમાં વધારો થવાના બદલે ઘણી વખત તેઓને નુકસાન પણ આવતું હોય છે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. તેવા સમયે શેર બજારમાં કારકિર્દી બનાવવાની કલ્પના કરવી મુશ્કેલ હોય છે. પરંતુ છેલ્લા વર્ષોમાં અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરવાના બદલે શેર બજાર તરફ યુવાનો સહિતના લોકો પોતાની નજર માંડી રહ્યા છે અને શેરબજારમાં રોકાણ કરીને પોતાની મૂડીમાં સતત વધારો થાય તે પ્રકારે ઇન્વેસ્ટ કરતા હોય છે. દર વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્વેસ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ ચેમ્પિયનશિપમાં વર્લ્ડમાંથી શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારો દ્વારા ભાગ લેવામાં આવતો હોય છે. વર્ષ ૨૦૨૨ ના જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં યોજાયેલ આ સ્પર્ધામાં મોરબીમાં રહેતા અફઝલ મૂર્તુજાભાઈ લોખંડવાલાએ ભાગ લીધો હતો અને આ ચેમ્પિયનશિપમાં તે 447 ટકા રિટર્ન સાથે ચેમ્પિયન બન્યા છે.
અફઝલ નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેના પરિવાર તરફથી પણ તેને પૂરતું પ્રોત્સાહન મળતું હતું. ધોરણ બારમા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને સીએ બનવા માટે થઈને તેના પરિવારજનો પાસે લાગણી વ્યક્ત કરી હતી. જેથી કરીને અભ્યાસ કરવા માટે થઈને તેના પરિવાર તરફથી તેને પૂરતું પ્રોત્સાહન અને સહકાર આપવામાં આવ્યો હતો. જોકે સીએનો અભ્યાસ પૂર્ણ થયા બાદ સીએ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરીને સીએના ક્ષેત્રની અંદર કારકિર્દી બનાવવાના બદલે સીએનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી અફઝલે શેર બજારના ક્ષેત્રની અંદર આગળ વધવાનું અને શેરબજારના ક્ષેત્રની અંદર જ પોતાની કારકિર્દી બનાવવા તેના પરિવારને કહ્યું હતું. તે બાબતમાં પણ તેના પરિવારજનો તરફથી તેને સહકાર આપવામાં આવ્યો હતો. આજે તેણે શેરબજારમાં યોજાતી વર્લ્ડ લેવલની ચેમ્પિયનશિપમાં વિજેતા બનીને ન માત્ર પરિવાર કે મોરબી પરંતુ ભારતનું ગૌરવ વધાર્યું છે. કારણ કે ૧૯૯૩ થી યોજાતી આ સ્પર્ધાની અંદર જુદા જુદા દેશના ઇન્વેસ્ટરો વિજેતા બન્યા છે, પરંતુ આજ સુધી કોઈ ભારતીય આ સ્પર્ધામાં વિજેતા બન્યા ન હતા અને આ વખતે તે વિજેતા બનેલ છે ત્યારે આ ચેમ્પિયનશિપમાં તે પ્રથમ ભારતીય વિજેતા છે, તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.
અફઝલના પિતા વર્ષોથી લોખંડના વેપાર સાથે જોડાયેલા છે અને હાલમાં તેઓની મોરબીમાં ટ્રેડલિંકના નામની પેઢી આવેલી છે. જોકે પોતાનો વારસાગત વ્યવસાય અપનાવો કે પછી સીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હોવા છતાં સીએની લાઈનમાં આગળ વધવાના બદલે તેણે અલગ જ લાઈન પસંદ કરી અને શેરબજારના ક્ષેત્રમાં પોતે કારકિર્દી બનાવશે તેવો સંકલ્પ કર્યો હતો. ધીમે ધીમે શેર બજારના જુદા જુદા વિષયનો અભ્યાસ શરૂ કર્યો હતો અને તેમાં કોઈના કહેવાથી કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાના બદલે પોતે જે કંપની અથવા તો જે શેર વિશેની સંપૂર્ણ માહિતી ધરાવે છે અને તેની છેલ્લા એક વર્ષની હિસ્ટ્રી જાણે છે તે શેર ખરીદી કરીને તેમાં તે ધીમે ધીમે સફળતા મેળવતા આજે વર્લ્ડ લેવલની સ્પર્ધા સુધી પહોંચ્યો છે અને સફળ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે