નો રીપિટની બુમરાણ વચ્ચે આ સાંસદોનું પત્તુ કપાવાનું હતું, માત્ર મોદીને કારણે બચી ગયા
Modi Ki Gaurantee : ગુજરાતના નેતાઓ અંદરો અંદર ના ના કરતાં રહ્યાં, પણ પીએમ મોદીના નિર્ણય સામે મૌન ધરી લીધું, મોદીના અંતિમ નિર્ણયને કારણે ગુજરાતના ચાર સાંસદોને મળી ગયું જીવતદાન
Trending Photos
Modi Hai To Mumkin Hai : જો મેં બોલતા હું વો કરતા હું ઔર જો મેં નહીં બોલતા વો મેં ડેફિનેટલી કરતા હું....અક્ષય કુમારનો ડાયલોગ ઘણાએ સાંભળ્યો હશે. આ ડાયલોગ ભાજપના કદાવર નેતા પીએમ મોદી માટે અતિ ફિટ બેસે છે. ચૂંટણી સમયે કોથળામાંથી બિલાડા કાઢવા એ ભાજપનો શિરસ્તો થઈ ગયો છે. નો રિપિટ... નો રીપિટની બુમરાણ વચ્ચે 20 સાંસદોના પત્તા કપાવાની હવા વચ્ચે મોદીએ છેલ્લી ઘડીએ 4 લોકસભા સાંસદોને ફરી રીપિટ કરી જીવતદાન આપી દીધું છે.
ભાજપ સંગઠન વેતરવા તૈયાર હતું
લોકસભાના ઉમેદવારો સંદર્ભે ભાજપમાં જે રીતે અચાનક કવાયત થઇ અને શનિવારે તો નામો જાહેર કરી દેવાયા તેને જોઈને સ્થાનિક સંગઠન સ્તબ્ધ છે. તેમાંય ભાજપમાં અને સરકારી તંત્રમાં જે સાંસદોની ગણતરી આક્રમક નેતા તરીકે રહી છે તેમને ચૂંટણી લડવા રિપિટેશન મળ્યું તે જાણી, જોઇ- સાંભળીને તો બ્યૂરોક્રેટ્સ પણ ચોંકી ઊઠયા છે. ભાજપમાં ઘણા નેતાઓએ આ નેતાઓ સામે ફરિયાદો પણ કરી હતી. સ્થાનિકમાં પણ 2 જૂથો પડી ગયા હોવાથી ભાજપ સંગઠને પણ આ સિવાયના નેતાઓના નામો માટે તૈયારીઓ પણ કરી લીધી હતી. જેઓએ નામો પણ તૈયાર રાખ્યા હતા પણ આખરી ઘડીએ ખેલ બદલાઈ ગયો છે. હવે વિરોધીઓએ ચૂપકીદી સેવી લીધી છે. ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. જો વિરોધ કરવા જાય તો વર્ષોથી ભાજપમાં રહી કરેલી મહેનત ઝીરો થઈ જાય એટલે નામ જાહેર થયા બાદ પણ અંદરો અંદર કચવાટ છે પણ નેતાઓએ ચૂપકીદી સાધી લીધી છે કારણ કે આ નિર્ણય પીએમ મોદીનો છો.
5 સીટિંગ લોકસભા સાંસદોના નામ કપાયા
ભરૂચના મનસુખ વસાવા, પાટણના ભરતસિંહ ડાભી, જામનગરના પૂનમ માડમ તેમજ આણંદના મિતેશ પટેલ એમ ચારેયને આ વેળા પડતા મુકાશે એવી ચર્ચા હતી. વિકલ્પમાં પ્રદેશના મોવડીઓએ મજબૂત દાવેદારો પણ શોધ્યા હતા પણ કહેવાય છે કે, ગુરુવારની રાતે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી તેમાં આ ચારેય સાંસદોને રિપીટ કરવા નિર્ણય કરાયો હતો. ગુજરાતમાં જાહેર થયેલી 15 ઉમેદવારોની યાદીમાં 5 સીટિંગ લોકસભા સાંસદોના નામ કપાઈ ગયા છે. ભરૂચના મનસુખ વસાવા અને પાટણના ભરતસિંહ ડાભી સામે તો રીતસરનો વિરોધ હોવા છતાં મોદીના એક નિર્ણયને પગલે તમામ ચૂપ થઈ ગયા છે. કચ્છના વિનોદ ચાવડા માટે તો સ્થાનિક અને દિલ્હી બંનેની લીલીઝંડી હોવાથી તેઓ રીપિટ થયા છે. બનાસકાંઠામાં પરબત પટેલની ઉંમર અને એમના વિવાદોએ ભોગ લીધો છે. જેમાં શંકર ચૌધરીએ શિક્ષિત મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ટિકિટ અપાવવામાં મોટો રોલ ભજવ્યો છે. જેઓએ બનાસડેરીનુ ઋણ ચૂકવ્યું છે. રાજકોટમાં પુરષોત્તમ રૂપાલા, પોરબંદરમાં મનસુખ માંડવિયા અને ખેડામાં દેવુંસિંહ ચૌહાણ અને દિલ્હીથી ફાયનલ થયેલા નામો છે. બોરડોલીમં પરભુ વસાવાને પણ સીઆર પાટીલના આશીર્વાદ ફળ્યા છે.
અમદાવાદ ટુ દિલ્હી અપડાઉન ન ફળ્યું
બાકી તો છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ ટુ દિલ્હી અપડાઉનમાં પ્રદેશ ભાજપના મોવડીઓએ ૨૬માંથી ૨૦ ઉમેદવારો બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ગુરુવારની મધરાત પછી પરોઢે ૩-૩૦ કલાક સુધી ચાલેલી બેઠકમાં ૧૦ સાંસદોને યથાવત રાખી ૧૫ નામો આખરી કર્યા. જેમાં આ ચાર સચવાઈ ગયા છે. હવે બાકીના ૧૧ ઉમેદવારો નવા આવે તો નવાઇ નહીં, કારણ કે ભાજપ નો રિપિટના મૂડમાં હતું પણ આ નેતાઓને જીવતદાન મળી ગયું છે. નવા જે ઉમેદવારોના નામ બાકી છે તેમાં ભાજપ મોટાભાગના સાંસદોને કાપે તેવી સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે