કોરોનાની સાથે બાળકોમાં MIS-C બીમારીનું સંકટ વધ્યું, 3 મહિનામાં સુરતમાં 200 કેસ નોંધાયા
Trending Photos
- કોરોનાની ત્રીજી લહેરને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ
- બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં 100 બેડ વધારાશે
ચેતન પટેલ/સુરત :દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ( second wave of corona ) ચાલી રહી છે. ત્યારે નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર (third wave of corona) ની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને સુરતમાં છેલ્લા 3 મહિનામાં 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતા 1661 બાળકો સંક્રમિત થયા છે. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોરોનાની સાથે બાળકોમાં MIS-C નામક બિમારીનું સંકટ વધ્યું છે. બાળકોમાં મ્યુકોરમાઇકોસિસ જેવો MIS.C સિન્ડ્રોમના કેસ સામે આવી રહ્યાં છે. મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેરી ડિસઓર્ડરના કેસ મોટું સંકટ બની શકે છે.
આ પણ વાંચો : આજથી ગુજરાતમાં રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત
સુરતમાં 3 મહિનામાં 10 વર્ષ સુધીના કોરોના સંક્રમિત બાળકોની સંખ્યા
બાળકોમાં કોરોના સાથે MIS-C નામની બીમારી પણ જોવા મળી રહી છે. શહેરના બાળ રોગ નિષ્ણાત ડૉ. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, બાળકોમાં કોરોના સંક્રમણ સાથે MIS-C નામની બીમારી પણ જોવા મળી રહી છે. તેનું પુરૂ નામ મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન ( Multisystem inflammatory syndrome in children ) છે. આ બિમારી કોરોના સાથે સંકળાયેલી છે. જે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ જોવા મળી હતી. તેના લક્ષણોમાં બાળકોને સતત તાવ આવવો, શરીર પર લાલ ચાઠા પડી જવા, હોઠ લાલ થઈ જવા, શરીર પર સોજો આવવો, ગળું સૂજી જવું, પેટમાં દુઃખાવો થવો તેમજ ઝાડા-ઉલટીનો સમાવેશ થાય છે. આ રોગના ચોક્કસ આંકડા હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ એક અંદાજ પ્રમાણે છેલ્લા 3 મહિનામાં સુરતમાં MIS-C ના 200 જેટલા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : રાજકોટના સિંધી પરિવારના ત્રણ ભાઈઓના 20 દિવસમાં મોત
MIS-C ના કારણે બાળકોને હાર્ટ એટેક પણ આવી શકે છે
ડૉ. આશિષ ગોટીએ MIS-C બિમારીની ગંભીરતા અંગે વાત કરતા જણાવ્યું કે, કોરોનાની જેમ MIS-C પણ ગંભીર બીમારી છે અને કોરોનાની જેમ તેની સારવાર પણ ઉપલબ્ધ છે. જો આ બીમારી શરૂઆતના તબક્કામાં જ પકડાઈ જાય તો તેની સારવાર થકી માત આપી શકાય છે. જો શરૂઆતના તબક્કામાં તેને ન પકડવામાં આવે અથવા તો યોગ્ય સારવાર ન આપવામાં આવે તો દર્દીના હ્રદયને પણ નુક્સાન પહોંચી શકે છે. જેના કારણે બાળકોને હાર્ટ એટેક પણ આવી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
જિલ્લામાં પીડિયાટ્રિશ્યનની અછત
ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે. જેમાં બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. બાળ રોગ નિષ્ણાતો (pediatrician) ની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 300 જેટલા અને જિલ્લામાં 100 જેટલા તબીબો ઉપલબ્ધ છે. શહેર-જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં જ 1680 જેટલા બાળકો સંક્રમિત થતા કોરોનાની ત્રીજી લહેરમાં 3 હજારથી વધારે બાળકો સંક્રમિત થાય તેવી સંભાવના છે. જો, કોરોનાના બાળ દર્દીઓની સંખ્યા 3 હજારને આંબી જાય તો 400 જેટલા બાળ રોગ નિષ્ણાતો ઓછા પડી શકે તેમ છે.
શું કહે છે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ?
ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો. રાગિણીનું કહેવું છે કે, અમને રાજ્ય સરકાર તરફથી કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધારે અસર થઈ શકે તેવી સંભાવનાને લઈને 100 બેડની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. આ 100 બેડમાં 20 બેડનો ICU, 20 બેડ ટેપ ડાઉનના અને ઓક્સિજન સુવિધા ધરાવતા 60 બેડનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા સ્ટેમસેલ બિલ્ડીંગના 7માં માળે આ સુવિધા ઉભી કરવામાં આવશે. જેના માટે જરૂરી સાધનસામગ્રીનું લિસ્ટ બનાવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે