મંત્રી વિનોદ મોરડીયાની 8 મહાનગરપાલિકાઓને સૂચના, જરૂરી ઠરાવ-સૂચના ગુજરાતી ભાષામાં કરો

big decision : ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયાની સૂચના.... રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવે
 

મંત્રી વિનોદ મોરડીયાની 8 મહાનગરપાલિકાઓને સૂચના, જરૂરી ઠરાવ-સૂચના ગુજરાતી ભાષામાં કરો

ગાંધીનગર :રાજ્યની મહાનગરપાલિકાઓમાં રાજભાષા ગુજરાતીના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવા વધુ એક નિર્ણય લેવાયો છે. શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયા વહીવટી તંત્રને તાકીદ કરી કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવે. જેથી ગુજરાત ભાષાનો વ્યાપ વધે. 

રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓમાં રાજભાષા ગુજરાતીનો બહોળો ઉપયોગ તેમજ તેને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજય મંત્રી વિનોદ મોરડીયા દ્વારા તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને તાકીદ કરવામાં આવી છે. 

મંત્રી મોરડીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં રાજભાષા ગુજરાતીના બહોળા ઉપયોગ તેમજ વધુને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ 18 ફેબ્રુઆરી 2022 ના રોજ જરૂરી ઠરાવ-સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઠરાવમાં જણાવ્યા મુજબ, વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાઓ અને તેના વિસ્તારમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ અન્ય ભાષાઓની સમકક્ષ અથવા અન્ય ભાષા કરતાં પ્રથમ નજરે સ્પષ્ટ રીતે દેખાઈ આવે તે રીતે થાય તે જરૂરી છે તેમ તેમણે જણાવ્યું.

આ વર્ષે માતૃભાષા દિવસ અંતર્ગત ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો હતો કે, રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news